Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરડો : ગુજરાતમાં રણની વચ્ચે આવેલું એ ગામ જ્યાં રહેવા સમગ્ર વિશ્વમાંથી લોકો આવે છે

Webdunia
રવિવાર, 28 જાન્યુઆરી 2024 (09:24 IST)
Dhordo- ભારતના પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરીની પરેડમાં દર વર્ષે ભારતનાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વખતે ગુજરાતની ઝાંખીમાં કચ્છમાં આવેલું એક એવું ગામ દર્શાવાયું જેણે વિશ્વસ્તરે નામના મેળવી છે.
 
પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના કચ્છના ‘ધોરડો’ સહિત કચ્છની ઓળખ મનાતા ભૂંગા, કચ્છી હસ્તકળા, રોગન આર્ટ, રણોત્સવ અને ટેન્ટ સિટીની ઝાંખી રજૂ કરાયા.
 
આ જાહેરાતને કારણે ‘કચ્છને આંતરરાષ્ટ્રીય ઓળખ અપનાવનારો’ ધોરડો ફરી એક વાર સમાચારોમાં છવાઈ ગયું છે.
 
નોંધનીય છે કે તાજેતરમાં જ યુનાઇટેડ નૅશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશને ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ જાહેર કર્યું હતું.
આ બંને ઉપલબ્ધિને કારણે કચ્છની કુદરતી અજાયબી એવા સફેદ રણ માટે વિખ્યાત ધોરડો ચર્ચાનો વિષય બન્યો છે.
 
કચ્છના સફેદ રણનું દ્વાર મનાતા ધોરડો ખાતે દર વર્ષે ‘રણોત્સવ’નું આયોજન કરાય છે.
 
‘એક સમયે શુષ્ક અને નિર્જન પ્રદેશ કહીને અવગણાતા’ ધોરડોની વિશ્વના નકશા પર ‘ટૂરિસ્ટ લોકેશન’ તરીકે ઊપસવાની શરૂઆત વર્ષ 2005માં રણોત્સવ દરમિયાન ‘કચ્છના સફેદ રણના અનુભવ’ પીરસવાની પહેલથી થઈ હોવાનું મનાય છે.
 
ત્રણ દિવસના ઉત્સવ તરીકે શરૂ થયેલ રણોત્સવ હવે ધોરડોના ટેન્ટ સિટી ખાતે કચ્છના ગ્રામીણ પરિવેશ, પરંપરાગત કળા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતું 100 દિવસીય ઉત્સવ બની ચૂક્યું છે.

'રણોત્સવને કારણે' કેટલાયની જીભે ચડેલ નામ બની જનાર ધોરડોની ગુજરાતના અંતિમ વિલેજમાંથી ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ બનવા સુધીની સફર રસપ્રદ છે.
 
‘કચ્છના સાંસ્કૃતિક ટૂરિઝમનો પ્રાણ ધોરડો’
ધોરડોની ખાસિયતોની વાત કરીએ તો તેમાં પ્રથમ ક્રમે ગ્રામજનોના જીવનમાં જોવા મળતી સદીઓ જૂની સ્થાનિક સંસ્કૃતિ ઝલક અને ગ્રામજનોની ટકાઉ જીવનશૈલીની રીતો આવે.
 
ધોરડોની કળા અને સંસ્કૃતિ જેટલા જ કદાચ સ્થાનિક જીવનશૈલી સાથે વણાઈ ગયેલા ભૂંગા પણ પ્રખ્યાત છે.
 
જોકે, ભૂંગા એ ન કેવળ ધોરડો, પરંતુ સમગ્ર કચ્છમાં પ્રચલિત સંરચના છે. ભૂંગા માટીથી બનેલાં વર્તુળાકાર ઝૂંપડાં જેવા હોય છે.
 
ગાર-માટી, વાંસ, લાકડાં અને કાથીનો ઉપયોગ કરીને બનાવાયેલા ભૂંગા ઇકૉ-ફ્રેન્ડલી હોવાની સાથોસાથ ભૂકંપ સામે ટકી રહેવાની તેની ક્ષમતાના કારણે પણ ઓળખાય છે.
 
આ સિવાય તે 'ગરમીમાં ઠંડકનો અહેસાસ અને ઠંડીમાં હૂંફ' આપવાની તેની ખાસિયત માટે પણ વખણાય છે.
 
ધોરડોનો પ્રવાસ સ્થાનિકોના ભાતીગળ પોશાક કચ્છની સંસ્કૃતિ અને કળાના મિલનથી મુલાકાતીને માહિતગાર કરાવે છે. ઉપરાંત સ્થાનિક પોશાકો પર પરંપરાગત ડિઝાઇન સાથે બારીક હાથવણાટ સ્થાનિકોની અદભુત કારીગરીથી મુલાકાતીઓને વાકેફ કરાવે છે.
 
મુલાકાતી માટે ધોરડોના અનુભવોને ત્યાંની અદ્વિતીય કળાના નમૂના ‘અવિસ્મરણીય’ બનાવી દે છે. આ કળા સ્થાનિકો માટે સાંસ્કૃતિક અભિવ્યક્તિના માધ્યમ સહિત આજીવિકાનું સાધન પણ બની છે.
 
રણોત્સવ ડૉટ નેટ વેબસાઇટ પર ધોરડો અંગે મુકાયેલી માહિતી પ્રમાણે :
 
"કચ્છના રણમાં વ્યૂહાત્મક દૃષ્ટિએ ખાસ સ્થળે આવેલ ધોરડો હવે કચ્છના સાંસ્કૃતિક પ્રવાસનનો પ્રાણ બની ગયો છે."
 
"ધોરડો તેની ટેન્ટ સિટીના કારણે કચ્છના રણોત્સવના મુલાકાતીઓ માટે એક ‘અચૂક મુલાકાત લેવાપાત્ર’ સ્થળ મનાય છે."
 
કચ્છની સંસ્કૃતિ, ખાણીપીણી અને કળા માણવા પહોંચેલા મુલાકાતીઓ માટે ધોરડો એક ‘અભૂતપૂર્વ અનુભવ’ બની જાય છે.
 
ધોરડો સફેદ રણનું પ્રવેશદ્વાર કેમ કહેવાય છે?
ધોરડોએ ભુજથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું બની વિસ્તારનું છેવાડાનું ગામ છે અને તેને કચ્છના મોટા રણના ભાગ એવા સફેદ રણનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.
 
ચોમાસામાં દરિયાના પાણી રણવિસ્તારમાં ફરી વળે છે, વરસાદના પાણીને કારણે તેની ખારાશ ઘટી જાય છે. શિયાળામાં જેમ જેમ પાણીનું બાષ્પીભવન થવા લાગે છે, તેમ માટી ઉપર મીઠાનું સ્તર છતું થવા લાગે છે, જે સફેદ રણની આભા ઊભી કરે છે.
 
સફેદ રણના દૃશ્યની મજા માણવા માટે સહેલાણીઓ દ્વારા પૂનમનો દિવસ પસંદ કરવામાં આવે છે, આ દિવસે ચાંદનીના પ્રકાશમાં સમગ્ર વિસ્તાર ચમકે છે. આ સિવાય સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પણ પર્યટકોની ભીડ ઊમટી પડે છે.
 
વૉચ ટાવર પરથી જોતાં જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી માત્ર ને માત્ર સફેદ રણ જ દેખાય છે. જોકે, રણવિસ્તારમાં ક્યાંક-ક્યાંક પાણી રહી જતું હોવાથી જમીન કળણવાળી હોય છે, જેથી પગ મૂકતી વખતે પ્રવાસીઓએ સાવધ રહેવું પડે છે.
 
વર્ષ 1988 આસપાસ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર હતા, ત્યારે તેમણે સ્થાનિક કાર્યકરો સાથે ધોરડોની મુલાકાત લીધી હતી. એ સમયે તેઓ આ દૃશ્યથી પ્રભાવિત થયા હતા અને સમય આવ્યે તેનો વિકાસ કરવાની વાત કરી હતી.
 
યોગાનુયોગ વર્ષ 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો, એ પછીની કામગીરી સંદર્ભે કેશુભાઈ સરકારને હઠાવવામાં આવ્યા, ત્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2005માં મુખ્ય મંત્રી તરીકેની બીજી ટર્મ દરમિયાન તેમણે પાંચ દિવસીય કચ્છ સફારીની શરૂઆત કરાવી હતી, જેથી કચ્છમાં પર્યટનને પ્રોત્સાહન મળે.
 
એ પછી ગુજરાત પર્યટન વિભાગ દ્વારા બોલીવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને લઈને 'કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા' જાહેરાત અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આજે લગભગ ચાર મહિના જેટલો લાંબો કચ્છ રણોત્સવ ચાલે છે.
 
ધોરડો ટેન્ટ સિટી
રણોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે આધુનિક સવલતો સહિત કચ્છની ભાતીગળ સંસ્કૃતિનો અનુભવ સુનિશ્ચિત કરવા ધોરડો ખાતે ટેન્ટ સિટી ઊભું કરાયું છે. જેમાં દર વર્ષે કચ્છના ગ્રામીણ પરિવેશ, સંસ્કૃતિ અને કળાનો સમન્વય રજૂ કરતાં કામચલાઉ માળખાં ઊભાં કરાયાં છે.
 
ટેન્ટ સિટીનાં ઘણાં આકર્ષણો પૈકી કચ્છનાં પરંપરાગત નૃત્યોની રજૂઆત, મ્યુઝિક પર્ફૉર્મન્સ, સ્થાનિક હસ્તકળા માટે વર્કશોપ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ મુલાકાતીના પ્રવાસને ‘યાદગાર પળોથી ભરી’ દે છે.
 
આ વર્ષે રણોત્સવના આયોજનની વાત કરીએ તો હાલ 10 નવેમ્બર, 2023થી 25 ફેબ્રુઆરી, 2024 સુધી રણોત્સવ ચાલશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

બટાકાના ચિલ્લા

Thepla Recipe- હવે ઘરે રેસ્ટોરન્ટ-સ્ટાઈલ મેથી પરાઠા બનાવો

જો શરીરના આ સ્થાનોમાં થાય છે દુખાવો, તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે

Wedding Special Food- પરંપરાગત ભારતીય લગ્નમાં કેટલા મેનકોર્સ હોવા જોઈએ?

How To Make Perfect Tasty Anda Curry: આ 5 ભૂલો બગાડી શકે છે તમારી ઈંડાની કઢીનો સ્વાદ, બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો.

આગળનો લેખ
Show comments