Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં જે 'કૉંગો ફીવરે' માથું ઊંચક્યું છે, તે રોગ શું છે અને તેનાથી કઈ રીતે બચવું?

Webdunia
મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (10:39 IST)
ગુજરાતમાં ફરી એક વખત કૉંગો ફીવરે બે મહિલાઓનો ભોગ લીધો છે જ્યારે એક મહિલાની સારવાર દરમિયાન કૉંગો ફીવરનાં લક્ષણો જોવાં મળતાં તેમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
સિવિલ હૉસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઑફિસર ડૉ. એમ. એમ. પ્રભાકરના જણાવ્યા અનુસાર કુંવરબહેન નામનાં મહિલાની સારવાર દરમિયાન કૉંગો ફીવરનાં લક્ષણો જોવા મળ્યાં છે.
તેઓ કહે છે, "શંકાસ્પદ કૉંગો ફીંવરને કારણે કુંવરબહેનને આઇસોલેશન વૉર્ડમાં મૂકવામાં આવ્યાં છે. તેમના લોહીના નમૂના પૂના સ્થિત લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે."
"તેમના રિપોર્ટનું પરિણામ બે દિવસમાં આવવાની શક્યતા છે, જ્યારબાદ તેમને જરૂરી સારવાર આપવામાં આવશે."
આ ત્રણેય મહિલાઓ સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામ સાથે જોડાયેલી છે.
જામડી ગામના આગેવાન આલાભાઈ સિંધવેએ જણાવ્યું, "જામડીની બે મહિલાઓ સુકુબહેન અને લીલુબહેનને તાવ આવ્યો હતો."
"સુકુબહેનને સારવાર અર્થે અમદાવાદની વી. એસ. હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે લીલુબહેનનું સુરેન્દ્રનગરમાં જ મૃત્યુ થયું હતું."
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, આ બન્ને મહિલાઓનાં મૃત્યુ શંકાસ્પદ કૉંગો ફીવરને કારણે થયાં હતાં.
આલાભાઈ સિંધવે ઉમેરે છે, "કુંવરબહેન લીલુબહેનનાં સંબંધી છે અને તેમની અંદર પર તાવનાં લક્ષણો જોવાં મળતાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે."
 
બે મહિલાઓનાં મૃત્યુ અને કુંવરબહેનમાં શંકાસ્પદ કૉંગો ફીવરનાં લક્ષણોને જોતાં હેલ્થ ડિપાર્ટમેન્ટ સક્રિય થયું છે.
આલાભાઈ સિંધવે જણાવે છે, "કૉંગો ફીવરના ખતરાને ધ્યાનમાં રાખતા હેલ્થ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ગામની મુલાકાત લીધી છે."
"કર્મચારીઓએ ગ્રામવાસીઓને સ્વચ્છતા જાળવવા સલાહ આપી છે."
"તબીબો આવીને જામડીના લોકોનું ચેકઅપ કરે છે કે જેથી શંકાસ્પદ લક્ષણ જોવાં મળતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરી શકાય."
આ મામલે રાજ્યના ઉપમુખ્ય મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું:
"જે કેસ સામે આવ્યા છે તેના મામલે સરકારે પગલાં લેવાની શરૂઆત કરી છે."
"કૉંગો ફીવર પશુને કારણે ફેલાય છે તેના કારણે પશુપાલન વિભાગને પણ સક્રિય કરી દેવાયું છે અને સુરેન્દ્રનગર તેમજ લિંબડીમાં તપાસ કરવાના આદેશ અપાયા છે."
 
 
કૉંગો ફીવરનાં લક્ષણો શું છે?
સામાન્યપણે કૉંગો ફીવરને કારણે માથામાં દુખાવો થાય છે. તેની સાથે તાવ આવવો, કમરમાં દુખાવો થવો, પેટમાં દુખાવો થવો અને ઉલટી થવી કૉંગો ફીવરનાં લક્ષણો છે.
WHO પ્રમાણે બે કે ચાર દિવસ બાદ વધુ ઊંઘ આવવા લાગે છે, તણાવ થાય છે અને સુસ્તી આવી જાય છે.
અન્ય લક્ષણોમાં હૃદયના ધબકારા વધી જવા, લોહી નીકળવાના કારણે ડાઘ પડી જવાનો સમાવેશ થાય છે.
દર્દીઓને પાંચ દિવસ બાદ કિડની પર સોજો આવી શકે છે અથવા તો લીવર પણ ફેલ થઈ શકે છે.
સામાન્યપણે કૉંગો ફીવરથી પીડિત દર્દીનું બીમારીના બીજા અઠવાડિયા દરમિયાન મૃત્યુ થાય છે.
જે દર્દીઓનો બચાવ થઈ જાય છે તેમની હાલત નવમાં અથવા તો દસમાં દિવસે સુધરી શકે છે.
કૉંગો ફીવરના ઇલાજ માટે કોઈ સુરક્ષિત રસી નથી.
 
કૉંગો ફીવરથી બચવા શું કરવું?
WHO પ્રમાણે આ રોગથી બચવાની કોઈ રસી નથી એટલે આ બીમારીથી બચવાનો મુખ્ય રસ્તો છે, લોકોમાં જાગૃતતા ફેલાવવી.
લોકોને કૉંગો ફીવરના ખતરા અંગે માહિતી આપવાની જરૂર છે અને એ જણાવવાની જરૂર છે કે કેવી રીતે આ વાઇરસના સંપર્કમાં આવવાથી બચવું.
જ્યારે પ્રાણીઓ પાસે કામ કરતા હોય ત્યારે રક્ષાત્મક વસ્ત્રો પહેરીને કામ કરવું જરૂરી છે અને હાથમાં ગ્લવ્ઝ પહેરવા અનિવાર્ય છે.
લોકોને તાવ આવે તો તેઓ સામાન્ય તાવ સમજીને તેની અવગણના કરી લે છે, તેવું ન કરવું જોઈએ અને તુરંત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ

ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના કેન્દ્રમાં મોટો અકસ્માત, બે મહિલા અધિકારીઓ ડૂબી ગયા; એકનું મૃત્યુ

આગળનો લેખ
Show comments