Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસામ : મુસ્લિમોની વસતીગતણરી પાછળ ભાજપનો શો ઇરાદો છે?

Webdunia
શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (16:32 IST)
આસામમાં ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની સરકાર સ્વદેશી અથવા સ્થાનિક મુસ્લિમોની સંખ્યા કેટલી છે તેની જાણકારી માટે ઘરેઘરે ફરીને સર્વેક્ષણ કરવા માટેની યોજના તૈયાર કરી રહી છે. 
મંગળવારે આસામના લઘુમતી કલ્યાણમંત્રી રંજિત દત્તાએ સ્વદેશી મુસ્લિમ ગણાતા ગોરિયા, મોરિયા, દેસી અને જોલાહ જેવા મુસ્લિમ સમુદાયોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે સર્વેક્ષણ કરવા માટેની યોજનાની વાત કરી હતી.
 
આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રંજિત દત્તાએ કહ્યું કે, "સ્વદેશી મુસ્લિમોના પ્રતિનિધિઓએ બેઠકમાં અમને જે સૂચનો કર્યાં છે તેનો અમે સ્વીકાર કર્યો છે."
 
"સરકારનો ગૃહ, મહેસૂલ અને લઘુમતી કલ્યાણવિભાગ હવે ઘરેઘરે ફરીને સ્વદેશી મુસ્લિમોની સામાજિક-આર્થિક વસતી ગતણરીનું આયોજન કરશે."
 
2011ની વસતીગણતરી અનુસાર આસામની કુલ વસતી લગભગ 3 કરોડ 12 લાખ છે. તેમાંથી એક કરોડથી વધુ મુસ્લિમો છે. આસામના આ રીતે કુલ 34.22 ટકા મુસ્લિમો છે, તેમાંથી લગભગ 42 લાખ સ્વદેશી મુસ્લિમ હોવાનું કહેવાય છે.
 
બેઠકમાં સંગઠનોએ વ્યક્ત કરેલી એક ચિંતા વિશે વાત કરતાં મંત્રી દત્તાએ કહ્યું, "સ્વદેશી મુસ્લિમોની વસતીગણતરી પછી જે વિકાસ કૉર્પોરેશન બનશે તેની આગળ ઇન્ડિજિનસ કે મુસલમાન શબ્દનો ઉપયોગ ના કરવાનો નિર્ણય લેવાયો છે."
 
"આ એક સંવેદનશીલ સર્વેક્ષણ હશે, કેમ કે બાંગ્લાદેશી મુસ્લિમ તેમાં પોતાનું નામ નોંધાવવાની કોશિશ કરશે. આ મુસ્લિમોનું વિભાજન કરવા માટે નહીં, પણ ગત બજેટમાં અમે આપેલું વચન પૂરું કરવા માટે કરી રહ્યા છીએ."
'ભાજપ મુસ્લિમોનું વિભાજન કરવા માગે છે'
 
દેશમાં એનઆરસી અને નાગરિકતા સુધારા કાયદા માટે જે માહોલ ઊભો થયો છે ત્યારે ભાજપ સરકારની આ યોજના વિશે બાંગ્લાભાષી મુસ્લિમો સવાલ ઉઠાવી રહ્યા છે. ઑલ આસામ લઘુમતી વિદ્યાર્થી સંઘના મુખ્ય સલાહકાર અજીજુર રહમાને બીબીસીને કહ્યું કે, "ભાજપ આસામના મુસ્લિમો વચ્ચે વિભાજન પેદા કરીને પોતાનું રાજકારણ આગળ કરવા માગે છે. તેથી જ સ્વદેશી મુસ્લિમોની અલગથી વસતીગણતરી કરવાની યોજના બની રહી છે."
 
"ભાજપે છેલ્લાં ચાર વર્ષના શાસનમાં લઘુમતી લોકોના વિકાસ માટે કોઈ જ કામ કર્યું નથી."
તેઓ કહે છે, "જો વર્તમાન સરકાર તેમના કહેવાતા સૌનો સાથ, સૌના વિકાસની નીતિ પર રહીને કામ કરતી હોત તો આજે સ્વદેશી મુસ્લિમ અને બાકીના મુસ્લિમો વચ્ચે ભેદ કરવાની જરૂર ના પડી હોત."
 
"લોકોને રોજગાર, સારું શિક્ષણ અને આરોગ્ય સેવા જોઈએ, પરંતુ ભાજપ સાંપ્રદાયિકતા અને વિભાજનની નીતિ અપનાવીને લોકો વચ્ચે અશાંતિ ઊભી કરવા માગે છે."
 
બીજી બાજુ ગોરિયા, મોરિયા, દેસી અને જોલાહ જેવા મુસ્લિમ સમુદાયોનું કહેવું છે કે લઘુમતી નામે દરેક ક્ષેત્રમાં બંગાળી મૂળના મુસ્લિમો જ વધારે ફાયદો ઉઠાવી રહ્યા છે. અજીજુર રહમાન આ વિશે કહે છે, "જો એવું હોત તો ફખરૂદ્દીન અલી અહમદ દેશના રાષ્ટ્રપતિ બની શક્યા ના હોત. ફખરૂદ્દીન બંગાળી મુસ્લિમ નહોતા, તો પણ તેઓ જનિયા અને બરપેટા જેવા બંગાળી બોલનારા મુસ્લિમોના વિસ્તારમાંથી ધારાસભ્ય અને સાંસદ બન્યા હતા."
 
"અનવરા તૈમુર પણ બંગાળી મૂળના મુસ્લિમ નહોતા અને છતાંય આસામના મુખ્ય મંત્રી બન્યાં હતાં. આવાં ઘણાં ઉદાહરણો છે."
 
રહમાન કહે છે કે ઇન્ડિજિનસ મુસ્લિમના નામે કેટલાંક સંગઠનોના લોકો જૂઠ ફેલાવીને સરકારમાંથી પોતાનો ફાયદો લઈ લે છે.
 
'સ્વદેશી મુસ્લિમોના વિકાસ માટે કશું થયું નથી'
 
તેમણે કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે ગોરિયા, મોરિયા, દેસી અને જોલાહ જેવા મુસ્લિમ સમુદાયોનો વિકાસ થાય, પણ આ વિકાસના નામે વિભાજનની રાજનીતિ ના થવી જોઈએ."
 
'સદો અસોમ ગોરિયા-મોરિયા-દેસી જાતિપરિષદ'ના અધ્યક્ષ હફીજુલ અહમદ આનાથી જુદો અભિપ્રાય ધરાવે છે.
 
તેઓ કહે છે, "લઘુમતીની વાત આવે ત્યારે તેમાં ઇસ્લામમાં માનવાવાળા બધાનો સમાવેશ કરી લેવામાં આવે છે. પરંતુ આસામમાં પહેલાં અમારા ચાર સ્વદેશી મુસ્લિમોની સંખ્યા વધારે હતી."
 
"પણ બાદમાં બંગાળી મૂળના મુસ્લિમો અહીં આવ્યા તેના કારણે અમારી સંખ્યા ઘટી ગઈ છે. પૂર્વ બંગાળથી આવેલા મુસ્લિમોથી અમારી ભાષા, સંસ્કૃતિ, પહેરવેશ ઘણા અલગ છે.''
 
અહમદ કહે છે, "અમે ગોરિયા, મોરિયા, દેસી અને જોલાહ મુસ્લિમો લઘુમતીમાં લઘુમતી બની ગયા છીએ. અમારો ઇતિહાસ જેટલો જૂનો છે એટલો વિકાસ થયો નથી."
 
"કેમ કે રાજકારણ સહિતના ક્ષેત્રોમાં અમારી હિસ્સેદારી ઓછી હોવાના કારણે લઘુમતી કલ્યાણની યોજનાઓનો લાભ બંગાળી મૂળના મુસ્લિમો ઉઠાવી લે છે. તેમની સંખ્યા પણ વધારે છે અને રાજકીય હિસ્સેદારી પણ વધારે છે."
 
શું સ્વદેશી મુસ્લિમોની ઓળખ માટે સર્વેક્ષણ કરાવવાથી અને વિકાસ માટે નિગમ બનાવવાથી આ બધી સમસ્યાનો ઉકેલ આવી જશે?
 
તેના જવાબમાં હફીજુલ અહમદ કહે છે, "અમે બ્રહ્મપુત્રા ખીણમાં વસેલા ગોરિયા, મોરિયા, દેસી અને જોલાહ મુસ્લિમોના વિકાસ માટે નિગમ બનાવવાની દરખાસ્ત સરકારને કરી છે."
 
"પરંતુ તે પહેલાં આ બધા સ્વદેશી મુસ્લિમોની ઓળખ કરી લેવી જરૂરી છે, જેથી નિગમ બની શકે. બ્રહ્મપુત્રા ખીણમાં વસેલા કેટલાય મુસ્લિમો પાસે સ્વદેશી મુસ્લિમો હોવાનાં નકલી સર્ટિફિકેટો છે. તેવા લોકોને તારવવા જરૂરી છે."
 
'અમે બંગાળી મુસ્લિમોની વિરુદ્ધ નથી...'
 
અગાઉની કોંગ્રેસ સરકાર વખતે પણ આ ચાર મુસ્લિમ સમુદાય માટે વિકાસપરિષદ બનાવાઈ હતી, પણ તેમાં ગેરરીતિ ચાલતી હોવાના મામલા અદાલતોમાં પહોંચ્યા હતા.
 
ગુવાહાટી હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ અને ગોરિયા મુસ્લિમ સમુદાયના નેકીબુર ઝમાન કહે છે, "કૉંગ્રેસે તે વખતે અમારા માટે વિકાસપરિષદ બનાવી હતી, પણ તેનાથી કોઈ કામ થયું નથી."
 
"આસામના એક કરોડ 22 લાખ મુસ્લિમોમાંથી લગભગ 42 લાખ સ્વદેશી મુસ્લિમ છે, પરંતુ અમારા સમુદાયમાંથી એક પણ ધારાસભ્ય કે સાંસદ નથી. રાજકીય પ્રતિનિધિ ના હોવાના કારણે અમને સરકારી યોજનાના લાભ મળતા નથી."
 
તેઓ કહે છે, "2006થી હું આ મુદ્દો ઉઠાવતો આવ્યો છું. 2014, 2016 અને 2019માં ભાજપે ચૂંટણીઢંઢેરા અમારા સમુદાયના આર્થિક અને સામાજિક કલ્યાણ માટેનો વાયદો કર્યો હતો."
 
"તેના આધારે જ ગત બજેટમાં અમારા ચાર સમુદાયોના વિકાસ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. તેથી સ્વદેશી મુસ્લિમોની ઓળખ કરવા માટે અલગ સર્વેક્ષણ કરવો જરૂરી બન્યો છે."
 
પરંતુ તેનાથી મુસ્લિમોમાં વિભાજનની વાત પણ આવી રહી છે, તેના જવાબમાં નેકીબુર ઝમાન કહે છે, "આસામમાં મરાન, મટક જેવા આદિવાસીઓ હિંદુ હોવા છતાં પોતાની અલગ ઓળખ ધરાવે છે."
 
"અમે બંગાળી મુસ્લિમોની વિરુદ્ધમાં નથી. અમે ચાર સમુદાય શોષિત છીએ, તેથી અમારા વિકાસ માટેની માગણી કરી રહ્યા છીએ.''
 
અનામત અને બિનઅનામત વર્ગની યુવતીઓ રૂપાણી સરકારને કેમ ઘેરી રહી છે?
 
બીબીસી સાથેની વાતચીતમાં ઝમાને વધુમાં કહ્યું કે, "અમારામાંથી મોટા ભાગના લોકો હિંદુમાંથી વટલાઈને મુસ્લિમ બન્યા છીએ. કેટલાક લોકોને યુદ્ધ વખતે કેદ કરીને રખાયા હતા."
 
"અમારો ઇતિહાસ સન 1206નો છે, જ્યારે આસામમાં આહોમ શાસનની શરૂઆત 1228માં થઈ હતી. આમ છતાં અમારું કોઈ અસ્તિત્વ જ નથી."
 
આહોમ શાસન વખતે ગોરિયા-મોરિયા લોકો કારિગર તરીકે કામ કરતા હતા. તેમાંથી મોરિયા સૌથી વધુ પછાત વર્ગમાં ગણાય છે.
 
દેસી સમુદાયના મુસ્લિમો કોચ રાજવંશી આદિવાસીમાંથી ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યા હતા. તેઓ અવિભાજિત ગ્વાલપાડા જિલ્લામાં વસેલા છે.
 
તે વખતે ચાના બગીચામાં કામ કરતા મજૂરોએ ધર્મ પરિવર્તન કર્યું હતું. તેમને જોલાહ મુસ્લિમ કહેવામાં આવે છે.
 
એ જ રીતે બરાક ખીણમાં વસેલા પંગલ સમુદાયના લોકો મણીપુરીમાંથી મુસ્લિમ બન્યા હતા.
 
નેકીબુર ઝમાન કહે છે, "હમે અમારા સમુદાયના વિકાસ માટે સરકાર સાથે વાત કરીએ તેનો અર્થ એ નથી કે અમે ભાજપની વિચારધારાનું સમર્થન કરીએ છીએ. અમે માત્ર અમારા અધિકારો સરકાર પાસે માગી રહ્યા છીએ."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

સંભલમાં પથ્થરમારો બાદ જામા મસ્જિદનો સર્વે પૂર્ણ, સ્થિતિ તંગ, 3 PAC કંપનીઓ તૈનાત

કેરળના વિદ્યાર્થીએ હોમવર્ક મશીન બનાવ્યું, હોમવર્ક તમારા રાઈટિંગરમાં લખી શકે

Gujarat Live News- રાજકોટ બન્યુ રામમય

IPL 2025: સૌથી મોંઘા ખેલાડી પહેલા સેટમાં જ મળી જશે! આ 6 દિગ્ગજ નો સમાવેશ થાય છે

આગળનો લેખ
Show comments