Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહને 'અફઝલ ખાન' કહેનારા ઉદ્ધવ ઠાકરે અમદાવાદ રોડ-શૉમાં કેમ હાજર રહ્યા?

Webdunia
શનિવાર, 30 માર્ચ 2019 (09:34 IST)
ભાજપના અધ્યક્ષ અમિત શાહ શનિવારે ગાંધીનગરની બેઠક ઉપરથી ઉમેદવારી કરશે. આ સમયે શિવસેનાના સુપ્રીમ ઉદ્ધવ ઠાકરે, શિરોમણિ અકાલીદળના પ્રકાશસિંઘ બાદલ, ઉપરાંત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને રાજનાથસિંહ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર, ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ હાજર રહેશે.
 
એનડીએ અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ઉમેદવારી કરીને ભાજપના અધ્યક્ષ શાહ કાર્યકર્તાઓ, જનતા તથા વિપક્ષને સંદેશ આપવા ચાહે છે. ગુજરાતમાં ચોથી એપ્રિલ સુધી ઉમેદવારી કરી શકાશે અને તા. 23મી એપ્રિલે મતદાન થશે.
 
શાહનો કાર્યક્રમ
 
અમિત શાહનો ચાર કિલોમીટરનો રોડ-શૉ અમદાવાદના નારણપુરામાં સરદાર પટેલની પ્રતિમા પાસેથી શરૂ થશે અને ઘાટલોડિયા વિસ્તારમાં પાટીદાર ચોક ખાતે સમાપ્ત થશે.
 
રોડ-શૉ દરમિયાન પલ્લવ ચાર રસ્તા, શાસ્ત્રીનગર અને પ્રભાત ચોકને આવરી લેવાશે.
 
અમિત શાહના કાર્યક્રમો માટે ગાંધીનગર ઉપરાંત અમદાવાદ-ઇસ્ટ, અમદાવાદ-વેસ્ટ, વડોદરા અને આજુબાજુની બેઠકોના કાર્યકરોને 'ઍક્ટિવેટ' કરવામાં આવ્યા છે.
 
બીબીસી હિંદીના ડિજિટલ ઍડિટર રાજેશ પ્રિયદર્શીના જણાવ્યા પ્રમાણે, "મોદી અને શાહની જોડી કોઈપણ ઘટનાને ઇવેન્ટ બનાવી તેને ભવ્યાતિભવ્ય બનાવી દે છે, આ તેમની ખાસિયત છે."
 
"ઉમેદવારીની બાબતમાં પણ એવું જ થઈ રહ્યું છે. સાથે જ સંદેશ આપવા માગે છે કે વિપક્ષમાં એકતાનો અભાવ છે, જ્યારે એનડીએ સંગઠિત છે."
 
2014માં મહારાષ્ટ્ર વિધાનસભાનીચૂંટણી વખતે ભાજપે શિવસેનાને વધુ બેઠકો આપવાનો ઇન્કાર કરી દીધો, જેના કારણે ગઠબંધન તૂટી ગયું. તુલજાપુર ખાતે એક જાહેરસભાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું, 'મત માટે મોદીની કૅબિનેટ મહારાષ્ટ્રમાં ફરી રહી છે. તેઓ અફઝલ ખાનની ફોજ જેમ મહારાષ્ટ્ર જીતવા માગે છે.'
 
તા. 23મી જાન્યુઆરીના શિવસેનાના મુખપત્ર 'સામના'માં ફરી એક વખત 'અફઝલ ખાન' શબ્દનો પ્રયોગ થયો અને ભાજપનો આડકતરો ઉલ્લેખ કરતા કહ્યું કે 'શિવસેનાને નાબુદ કરી દેવા અનેક અફઝલ ખાન આવ્યો અને 
ઊંધે માથે પટકાઈ ગયો.'
 
અફઝલ ખાન 'આદિલ શાહી વંશ'ના લડવૈયા હતા, જેમણે મરાઠા યૌદ્ધા શિવાજી સાથે યુદ્ધ કર્યું હતું.
 
આ સિવાય શિવસેનાએ 'ભાજપ કુંભકર્ણ છે', 'ચોકીદાર ચોર છે', 'મુખ્ય પ્રધાન જુમલેબાજ છે' અને 'ભાજપ કિસ કરે તો ગઠબંધન નહીં થાય' જેવા નિવેદનો કર્યા હતા.
 
સામે પક્ષે અમિત શાહે સેનાની સરખામણી ઉંદર સાથે કરી હતી અને ઠાકરે સામે ઉગ્ર વલણ અખત્યાર કર્યું હતું, જેના જવાબમાં શિવસેનાએ શાહનો ઉલ્લેખ 'અફઝલ ખાન' તરીકે કર્યો હતો.
 
શિવસેનાના વરિષ્ઠ નેતા નીલમ ગોરેના કહેવા પ્રમાણે, "ઉમેદવારી સમયે હાજર રહીને ઠાકરે ગઠબંધન ધર્મ નિભાવી રહ્યા છે."
 
"ભૂતકાળમાં કેટલાક વિવાદ અને ગેરસમજણ થયાં હતાં, પરંતુ હવે તેની ઉપર ધ્યાન દેવાની જરૂર નથી."
 
શાહની ધાક અને નબળાઈ
 
લગભગ અઢી દાયકાથી ભાજપ વિશે રિપોર્ટિંગ કરતા વરિષ્ઠ પત્રકાર શબા નક્વીના કહેવા પ્રમાણે :
 
"1980માં બનેલી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી સહિત તમામ નેતાઓ સાથે મારી મુલાકાત થઈ છે, પરંતુ શાહની કામ કરવાની રીત ભાજપના પહેલાંના 10 અધ્યક્ષ કરતાં અલગ છે."
 
"વાજપેયી અને અડવાણીનું કાર્યકર્તાઓએ અલગ રીતે સન્માન કર્યું પણ કોઈને ક્યારેય પણ એમનાથી બીક રહી ન હતી."
 
"લોકો શાહથી ડરે છે અને આખાબોલી મનાતી ભાજપ પાર્ટી આજે સંગઠિત છે અને પોતાના અધ્યક્ષના ચીંધેલા માર્ગે જ ચાલે છે. અત્યારે જો કોઈ અસંતોષ કે મતભેદ છે તો તે જાહેરમાં નથી."
 
શાહ-મોદીના સંબંધો અંગે નક્વી કહે છે, "શાહ જનનેતા હોવાની મહત્વાકાંક્ષા તો ધરાવે છે, પણ એમની ખરી તાકાત નરેન્દ્ર મોદીની એમના પરની નિર્ભરતા છે."
 
"આ બન્નેનું ભાગ્ય એકબીજા સાથે સંકળાયેલું છે. એકબીજા વગર તેઓ અધૂરા છે."
 
એનડીએમાં એકતા
 
એનડીએના ખૂબ વરિષ્ઠ નેતાઓમાંથી એક પ્રકાશસિંઘ બાદલ સાથે અમિત શાહ
ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાના કહેવા પ્રમાણે, "ભાજપ તથા શિવસેના વચ્ચે 'મતભેદ રહ્યા છે, પરંતુ મનભેદ નથી થયા.' વિધાનસભામાં અલગ-અલગ ચૂંટણી લડ્યાં, ત્યારે પણ કેન્દ્રમાં સાથેસાથે હતાં."
 
"સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અલગ-અલગ લડ્યાં, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સાથે હતાં."
 
"મહારાષ્ટ્ર, બિહાર સહિત અન્ય રાજ્યોમાં એનડીએના ઘટકદળો વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે."
 
"બીજી બાજુ, 350 એવી બેઠકો છે કે જ્યાં મહાગઠબંધનના ઘટકદળો જ અંદરોઅંદર એકબીજા સામે ચૂંટણી લડશે." શુક્લા ઉમેરે છે કે હિંદુત્વના મુદ્દે બંને પક્ષો એક છે.
 
વરિષ્ઠ પત્રકાર મૃણાલિની નાણિવડેકરે બીબીસી મરાઠી સાથે વાત કરતા જણાવ્યું, "જો ઓછી બેઠકો આવે તો? એની વ્યૂહરચનાના ભાગરૂપ છેલ્લા બે-ત્રણ મહિનાથી ભાજપ આયોજન કરી રહ્યો હતો."
 
"એટલે જ શિવસેનાએ અનેક વખત મર્યાદા બહારની ટિપ્પણી કરી હોવા છતાંય લોકસભા ઉપરાંત વિધાસનભા માટે ગઠબંધનને આખરી ઓપ આપી દેવાયો છે."
 
ઠાકરે ઉપરાંત શિરોમણિ અકાલીદળના પ્રકાશસિંઘ બાદલ પણ તેમની સાથે હશે.લગભગ ત્રણ દાયકાથી પંજાબના રાજકારણ ઉપર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર જગતારસિંઘના કહેવા પ્રમાણે :
 
"સમયાંતરે ભાજપની ઉપર લઘુમતી સમુદાય વિરુદ્ધ હોવાના આરોપ લાગતા રહે છે."
 
"જો પાંચ વખતના લઘુમતી શીખ મુખ્ય પ્રધાન ઉમેદવારી વખતે હાજર રહે એટલે એનડીએમાં શાહની સ્વીકાર્યતાને અનુમોદન મળશે."
 
સ્થાન અને સ્થળનું ચક્ર
 
54 વર્ષીય શાહનો જન્મ વર્ષ 1964માં મુંબઈ ખાતે થયો હતો, જોકે તેમનો ઉછેર ગુજરાતના માણસામાં થયો હતો. 16 વર્ષની ઉંમરે શાહ પરિવાર અમદાવાદ આવી ગયો, અહીં શાહ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરફ આકર્ષાયા.
 
અહીંથી તેઓ સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને બાદમાં રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા.
 
21 વર્ષની ઉંમરે નારણપુરા વૉર્ડના પોલિંગ એજન્ટ તરીકે શાહને ભાજપમાં પહેલી મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી. આગળ જતા તેઓ નારણપુરા બેઠક ઉપરથી ધારાસભ્ય પણ બન્યા, જે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ પણ આવે છે.
 
રામ જન્મભૂમિ અભિયાન અને એકતાયાત્રા દરમિયાન શાહે તેમની સંગઠનાત્મક શક્તિનો પરિચય આપ્યો.
 
1991માં અડવાણીએ ગાંધીનગરની બેઠક ઉપરથી ઉમેદવારી કરી હતી, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાસે હતા અને અમિત શાહ એક સામાન્ય કાર્યકર તરીકે ઊભા હતા.
 
1989થી 2009 તેઓ ગાંધીનગરની બેઠક ઉપર ચૂંટણી વ્યૂહરચના ઘડવાની જવાબદારી ઘડતા રહ્યા છે અને પાર્ટી આ બેઠક ઉપર અજય રહી છે.
 
ઉત્તર પ્રદેશમાં ભાજપે એકલાહાથે 80માંથી 71 બેઠક મેળવી
2014ની લોકસભા ચૂંટણી વખતે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં તેમને ભાજપની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યાં સૌથી વધુ 80 બેઠક છે.
 
રાજકીય વર્તુળોમાં એક કહેવત પ્રચલિત છે કે 'દિલ્હીની સત્તા ઉપર પહોંચવાનો રસ્તો ઉત્તર પ્રદેશ થઈને જાય છે.'
 
અહીં ભાજપે અત્યારસુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને એકલાહાથે 80માંથી 71 બેઠકો જીતી.
 
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાના કહેવા પ્રમાણે, "અમિત શાહ ચૂંટણીની વ્યૂહરચના સારી રીતે જાણે છે અને જ્યારે તેઓ ગાંધીનગરથી લડશે, ત્યારે કાર્યકર્તાઓ તેમજ નેતાઓની શક્તિ બમણી થઈ જશે. "
 
નક્વીના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં શાહના સમયમાં જ એ વાત સામે આવી કે તેઓ એક ઉમદા ચૂંટણી પ્રબંધક છે."
 
"શાહની ખાસિયત એ હતી કે ભાજપના વિરોધીઓની સામે નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોને ઊભા કરવા, જેના પરિણામે વિપક્ષના મત ઘટી જતા હતા."
 
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા (હવે એનસીપીમાં) ભાજપની ટિકિટ ઉપર લોકસભામાં ગાંધીનગરનું પ્રતિનિધિત્વ  કરી ચૂક્યા છે.
 
23મી મેના દિવસે ગાંધીનગરની બેઠક ઉપરથી ભાજપનો વિજય થશે તો આ યાદીમાં વધુ એક નામ ઉમેરાશે, ત્યાં સુધી 'જો અને તો'ની જ ચર્ચા હશે. 
 
વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહના કહેવા પ્રમાણે, "અડવાણીની બેઠક ઉપરથી અમિત શાહનું ચૂંટણી લડવું ભાજપના એક વરિષ્ઠ નેતાનું ચૂંટણીના મેદાનમાં ઊતરવું માત્ર નથી, તેમાં સંદેશ પણ છે."
 
"અમિત શાહ લોકસભામાં એક સાધારણ સભ્યની જેમ લડવાના નથી. આ ચૂંટણીથી ભાજપમાં પદાનુક્રમ નક્કી થઈ રહ્યો છે."
 
"મોદીની સાથે જે નેતાઓની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે તેમની માટે સંદેશ છે કે પદાનુક્રમમાં હવે અમિત શાહ ઔપચારિક રૂપે નંબર બે પર હોઈ શકે છે."
 
"લોકસભા ચૂંટણી બાદ ભાજપની ફરીથી સરકાર બને તો એવી પ્રબળ શક્યતા છે કે અમિત શાહ દેશના ગૃહમંત્રી અને કૅબિનેટમાં બીજાક્રમે હશે."
 
"વર્તમાન ગૃહમંત્રી રાજનાથસિંહ માટે તે મોટો ઝટકો હશે. સંજોગની વાત એ છે કે પાર્ટી અધ્યક્ષ પદ પણ અમિત શાહને રાજનાથસિંહને હટાવ્યા બાદ જ મળ્યું હતું."
 
હાલમાં સરકારમાં મોદી પછી રાજનાથસિંહ 'નંબર-ટુ' છે અને મોદીની ગેરહાજરીમાં તેઓ જ કૅબિનેટની બેઠકોની અધ્યક્ષતા કરે છે.
 
પ્રદીપ સિંહ ઉમેરે છે, "છેલ્લાં પાંચ વર્ષના રાજકીય ઘટનાક્રમ પર નજર નાખવામાં આવે તો મોદી-શાહની જોડીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, અસમ, હિમાચલ, અરુણાચલ પ્રદેશ અને હવે ગોવામાં પચાસ વર્ષ કે તેના  કરતાં ઓછી ઉંમરના નેતાઓને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. "
 
"રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે સંઘ સહકાર્યવાહક રહીને સંઘમાં પેઢી પરિવર્તનનું કામ કર્યું હતું અને તે જ સમયે ભાજપના નેતાઓને પણ આમ કરવાની સલાહ આપી હતી."
 
'ક્લબ 160'ના ગડકરી
 
ગડકરીની હાજરીથી પાર્ટી એક હોવાનો સંદેશ આપવા પ્રયાસ
2014ની ચૂંટણી લોકસભામાં તત્કાલીન વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજ, ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજનાથસિંહ, ઉપરાંત પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીને 'ક્લબ-160'ના સભ્ય માનવામાં આવતાં.
 
પ્રદીપસિંહના કહેવા પ્રમાણે, "ત્રણેય એકબીજાને પસંદ કરતાં ન હતાં, પરંતુ મોદીનો વિરોધ કરવામાં એક હતાં."
 
"એક તબક્કે કોર્ટના આદેશને પગલે શાહે ગુજરાત છોડવું પડ્યું, ત્યારે તેઓ દિલ્હીમાં રહેતા. એ સમયે શાહનો કપરો કાળ ચાલી રહ્યો હતો."
 
"તેઓ જ્યારે ગડકરીને મળવા જતા ત્યારે ગડકરી તેમને કલાકો સુધી રાહ જોવડાવતા."
 
"જોકે, સમયનું પૈડું ફર્યું. ડિસેમ્બર 2014માં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીનું નામ નક્કી કરવાનું હતું અને અમિત શાહ ભાજપના અધ્યક્ષપદે હતા."
 
"ગડકરીને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદે બેસવું હતું, પરંતુ ન બેસી શક્યા. નાગપુરના જે દેવેન્દ્ર ફડણવીસને ગડકરી તેમની સામે છોકરું સમજતા હતા, તેઓ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બની ગયા."
 
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં ભાજપના પરાજય બાદ અને લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં ભાજપની 'ક્લબ 160' ફરી એક વખથ સક્રિય થઈ હતી, જેનું નેતૃત્વ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ લીધું હતું.
 
ગડકરીએ કહ્યું હતું કે 'જો પાર્ટીના કોઈ સાંસદ કે ધારાસભ્ય હારે તો તેની જવાબદારી પણ અધ્યક્ષની હોય છે.' આ સિવાય તેમણે કહ્યું હતું કે 'વચન પૂર્ણ નહીં કરનારાઓને જનતા મારે છે.'
 
ગડકરીના આવા નિવેદનોને આધાર બનાવીને વિપક્ષના અનેક નેતાઓએ ભાજપને ટૉન્ટ માર્યા હતા.
 
એટલે સ્વાભાવિક રીતે ગડકરીની હાજરીની નોંધ રાજકીય વિશ્લેષકો લે અને કાર્યકર્તા તથા વિપક્ષમાં સંદેશ જાય કે ભાજપ એક છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Bank Holidays December 2024: ડિસેમ્બરમાં 17 દિવસ બેંકો રહેશે બંધ, ક્યારે મળશે રજાઓ, જુઓ લિસ્ટ

Viral Video - 24 વર્ષની દીકરીએ તેના 50 વર્ષના પિતા સાથે લગ્ન કર્યા, લોકો ચોંકી ગયા, પરંતુ તે બેશરમ જવાબ આપતી રહી!

Shahzaib Khan: કોણ છે શાહઝેબ ખાન? જેણે એશિયા કપમાં ભારતીય બોલરોને હંફાવીને સદી ફટકારી

Maharashtra CM - મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને ચાલી રહેલા મંથન વચ્ચે એકનાથ શિંદે જતા રહ્યા તેમનાં ગામ, બીજેપી બેચેન

Cyclone Fengal Update - ચક્રવાતી વાવાઝોડું ફેંગલ આજે મચાવશે તબાહી, પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક રહેવાની આશંકા

આગળનો લેખ
Show comments