Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેશ કનોડિયાનું નિધન : ઘરે-ઘરે કચરો વીણવાથી સુપર-સ્ટાર બનવાની કહાણી

Webdunia
બુધવાર, 28 ઑક્ટોબર 2020 (12:31 IST)
ગુજરાતી ફિલ્મજગતના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન થયું છે, થોડા દિવસો અગાઉ તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને સારવાર હેઠળ હતા.
 
'હું ત્યારે છ મહિનાનો હતો, મારી માતાને ભયંકર તાવ આવ્યો હતો, એ ખાટલામાં હતી, એને ચાર-પાંચ ગોદડાં ઓઢાડ્યાં હતાં. હું ત્યારે ગોદડાંમાં હતો, હું મારી માને ધાવતો હતો. પણ મને નહોતી ખબર કે હું જેને ધાવી રહ્યો છું એ હવે આ દુનિયામાં નથી.'
 
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાએ પોતાના બાળપણને વાગોળતાં આ વાત કરી હતી.
 
નરેશ કનોડિયાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકે ભૂમિકા ભજવી છે અને તેમનો એક જમાનો હતો, તેઓ ચાહકોમાં ઘણા લોકપ્રિય હતા.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં લખ્યું છે, "બે દિવસમાં આપણે મહેશભાઈ અને નરેશભાઈ કનોડિયાને ગુમાવી ચૂક્યા છીએ."
 
"સંસ્કૃતિક્ષેત્રે અને વિશેષ કરીને ગુજરાતી ગીતો, સંગીત અને રંગભૂમિને ખ્યાતિ અપવવામાં તેમણે આપેલું યોગદાન ક્યારેય નહીં ભુલાય."

<

In a span of two days, we have lost both Maheshbhai and Nareshbhai Kanodia. Their contributions to the world of culture, especially popularising Gujarati songs, music and theatre will never be forgotten. They also worked hard to serve society and empower the downtrodden. pic.twitter.com/Ri4GzOO5zo

— Narendra Modi (@narendramodi) October 27, 2020 >
 
નરેશ કનોડિયાને અંજલિ આપતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપ અગ્રણી નરેશભાઈ કનોડિયાના દુખદ અવસાનથી શોકમગ્ન છું."
 
"આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનારા સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશાં રહેશે."
 
 
ઉલ્લેખનીય છે કે નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાનું 25 ઑક્ટોબરના રોજ અવસાન થયું છે. ગુજરાતી ફિલ્મોમાં મહેશ-નરેશની જોડીએ વર્ષો સુધી કામ કર્યું હતું.
 
1979માં તત્કાલિન રાજ્યપાલ શારદા મુખરજીના હસ્તે નરેશ-મહેશ બેલડીનું સન્માન કરવામાં આવ્યું હતું.
 
નરેશ કનોડિયાનું મૂળ વતન મહેસાણા જિલ્લાનું કનોડા ગામ. તેમનો પરિવાર વણાટકામ કરતો હતો, બાદમાં તેમનો પરિવાર અમદાવાદ આવીને વસ્યો હતો અને પછી મુંબઈમાં સ્થાયી થયો હતો.
 
નરેશ કનોડિયાનો જન્મ અમદાવાદમાં થયો હતો. નરેશ કનોડિયાએ મીડિયાને આપેલા ઘણા ઇન્ટરવ્યૂમાં તેમની સફળતાનું શ્રેય તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાને આપ્યું હતું.
 
નરેશ કનોડિયા જ્યારે છ માસના હતા ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું.
 
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ તેમના અમદાવાદના બાળપણની વાત કરી હતી.
 
નરેશ કનોડિયાએ કહ્યું હતું કે "અમદાવાદમાં હું બુટપૉલિશ કરતો, એટલું જ નહીં ઘરેઘરે જઈને કચરો વીણતો. સવારે લોકો દાતણ કરતા હોય અને જે દાતણમાંથી ઊલિયું બનાવતા એની ચીરીઓ વીણી લેતો અને પછી એને તડકામાં સૂકવતા અને તે ચૂલામાં નાખતા અને પછી ચા બનતી."
 
જાણીતા પત્રકાર દેવાંગ ભટ્ટે અભિનેતા નરેશ કનોડિયાનો એક ઇન્ટરવ્યૂ કર્યો હતો, તેમાં તેઓએ તેમની ફિલ્મીસફરની વાત કરી હતી.
 
આ ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું હતું કે તેઓ ક્યારેય કોઈની પાસે ડાન્સ શીખ્યા નથી, તેમણે અભિનયની કોઈ તાલીમ લીધી નથી, ઘોડેસવારી શીખી નથી.
 
તેઓએ કહ્યું હતું, "મહેશભાઈની આંગળી પકડીને સ્ટેજ પર જઈને જે ઍક્ટિંગ કરતો હતો એ જ ફિલ્મમાં કર્યું અને લોકોએ મને દિલથી સ્વીકાર્યો."
 
એ સમયે મુંબઈમાં 'મહેશકુમાર ઍૅન્ડ' પાર્ટી ઘણી લોકપ્રિય હતી. એમાં નરેશ કનોડિયા સ્ટેજ પર આવીને અલગઅલગ કલાકારોની મિમિક્રી કરતા અને લોકોને હસાવતા હતા.
 
60 વર્ષથી વધુ સમય 'મહેશકુમાર ઍન્ડ પાર્ટી' ચાલી હતી અને તેના 15000થી પણ વધુ શો દેશદુનિયામાં થયા હતા.
 
નરેશ કનોડિયા સ્ટેજ પર જોની વૉકરના ગીત પર નૃત્ય કરતા અને લોકો તેમને 'જોની જુનિયર' તરીકે ઓળખતા.
 
ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીને જ્યારે રંજાડાયેલા ખેડૂતે બંગડી ભેટ કરી
 
જ્યારે નરેશ કનોડિયાના ચાહકો ફિરોઝ ઈરાની પર ગુસ્સે થયા
હિતુ કનોડિયા, હિતેનકુમાર અને મલ્હાર ઠાકર સાથે નરેશ કનોડિયા
 
નરેશ કનોડિયાની જાણીતા ફિલ્મોમાં મેરુમાલણ, રાજરાજવણ, લાજુલાખણ, ભાથીજી મહારાજ, મેરુમુળાંદે, મોતી વેરાણાં ચોકમાં, વણઝારી વાવ, ઢોલામારુ, કડલાની જોડ, રાજરતન સહિતની અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.
 
ગુજરાતી ફિલ્મોમાં ડાન્સિંગ, ફાઇટિંગ, આગવી અદા, વાળની સ્ટાઇલ વગેરે બાબતોથી નરેશ કનોડિયા ગુજરાતી ચાહકોમાં હજુ પણ સ્થાન ધરાવે છે.
 
1970-71માં આવેલી ફિલ્મ 'જિગર અને અમી'માં નરેશ કનોડિયા અને ફિરોઝ ઈરાનીએ સંજીવ કુમાર સાથે અભિનય કર્યો હતો.
 
ફિરોઝ ઈરાનીએ અત્યાર સુધીમાં 553 ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ નરેશ કનોડિયાએ કરેલી ફિલ્મોમાંથી તેમની 90 ટકા ફિલ્મમાં સાથે કામ કર્યું છે.
 
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે નરેશભાઈ ફિલ્મમાં હંમેશાં કંઈક નવું લાવવા માટે પ્રયત્નશીલ રહેતા.
 
નરેશ કનોડિયા સાથેનાં સંસ્મરણો વાગોળતાં તેઓ કહે છે કે "એક વાર હાલોલ પાસેના મલાવ પાસે ફિલ્મ 'મેરુમાલણ'નું શૂટિંગ ચાલતું હતું. ત્યાં અમારે એક ફાઇટિંગનો સીન કરવાનો હતો. ત્યાં નરેશ કનોડિયાના ઘણા ચાહકો હતા. અમારી ફાઇટ ચાલતી હતી ત્યારે તેમના ચાહકો એટલા બધા ગુસ્સે થયા કે મને લાગ્યું કે તેઓ મને મારશે."
 
"જોકે બાદમાં સીન પત્યા પછી અમે બંને હસવા લાગ્યા ત્યારે તેમને લાગ્યું કે તો ફિલ્મ છે. એટલે આવો હતો તેમના ચાહકનો પ્રેમ."
 
નરેશ કનોડિયાની ખેલદિલી અંગે વાત કરતા તેઓ કહે છે કે "ફાઇટ સમયે તેઓએ ફાઇટમાસ્ટરને કહ્યું કે ફિરોજભાઈને એવી રીતે સ્ટ્રોંગ બતાવો કે લાગે કે આ સ્ટ્રોંગ વિલન છે. બાકી કોઈ હીરો આવું ન કરે."
 
નરેશ કનોડિયાની ફિલ્મો અંગે વાત કરતા તેઓ કહે છે કે "એ સમયની ફિલ્મોમાં અમે ઘણું નવું લાવતા હતા. બધા કલાકારો પણ એવી ઍક્ટિંગ કરતા કે તેઓ જે તે પાત્રમાં ભળી જતા હતા. એક સીનથી બીજા સીનનું જોડાણ હતું. અમારી ફિલ્મમાં એક કે બે ફાઇટ તો હોય, પણ ક્યારેય મારા હાથે એમને કે એમના હાથે મને વાગ્યું નથી. તેમનો રાઇડિંગનો પણ કંટ્રોલ હતો."
 
ફિરોઝ ઈરાની વધુમાં કહે છે કે મારો અનુભવ છે કે આપણી ગુજરાતની પ્રજા તરત કોઈ હીરો, હિરોઇન કે વિલનને સ્વીકારતી નથી."
'વેલીને આવ્યાં ફૂલ'થી શરૂઆત
 
પુત્ર હિતુ કનોડિયા અને પુત્રવધૂ મોના થીબા સાથે નરેશ કનોડિયા
 
1969થી નરેશ કનોડિયાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ હતી, તેમની પહેલી ફિલ્મ હતી 'વેલીને આવ્યા ફૂલ.' આ ફિલ્મ બ્લૅક ઍન્ડ વ્હાઇટ હતી.
 
વેલીને આવ્યા ફૂલ ફિલ્મમાં એ જમાનાનાં જાણીતાં અભિનેત્રી જયશ્રી પરીખે પણ કામ કર્યું હતું.
 
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે ફિલ્મના શૂટિંગ સમયે પણ નરેશભાઈ હંમેશાં નાના માણસનું ધ્યાન રાખતા હતા.
 
"શૂટિંગ સમયે જે માણસ લાઇટ ફિટિંગ કરતો હોય એને પણ તેઓ પૂછતા કે ચા પીધી કે નહીં. તેઓ હંમેશાં નાના માણસો સાથે પણ પ્રેમથી વર્તતા હતા. નાના માણસને આદર આપતા."
 
તો જયશ્રી પરીખનાં પુત્રી પિન્કી પરીખે પણ નરેશ કનોડિયા સાથે કામ કર્યું હતું. તેઓએ નરેશ કનોડિયાની ફિલ્મ 'રાજરાજવણ'માં તેમનાં હિરોઇનના રૂપમાં કામ કર્યું હતું.
 
તેઓ કહે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નરેશ કનોડિયા એક મોટું નામ છે, તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે. નરેશભાઈનો એક જમાનો હતો.
 
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "ફિલ્મ રાજરાજવણના ગીતનું શૂટિંગ ચાલતું હતું અને એ સમયે બહુ તડકો હતો. ત્યારે નરેશભાઈના માણસ એમના માટે ઠંડું દૂધ લાવતા હતા. ત્યારે તેઓ મને પણ ઑફર કરતા કે પિન્કીને પણ આપો. હું તો એ વખતે નવીનવી હતી પણ તેઓ હંમેશાં નવા કલાકારોની કદર કરતા અને તેમને આદર આપતા."
'સફળતા મળ્યા છતાં જમીન પર રહ્યા'
 
ગુજરાતના જાણીતા ગાયક કલાકાર પ્રફુલ્લ દવેએ નરેશ કનોડિયાની મોટા ભાગની ફિલ્મોમાં ગીતો ગાયા છે, તેમને 'નરેશ કનોડિયાનો અવાજ' માનવામાં આવતા.
 
પ્રફુલ્લ દવેએ ફિલ્મ 'તમે રે ચંપો ને અમે કેળ'થી નરેશ કનોડિયાની ફિલ્મોમાં ગીતો ગાવાની શરૂઆત કરી હતી.
 
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે માર્કેટમાં શું ચાલે છે એની તેમને (નરેશ કનોડિયા) બરાબર ખબર હતી. તેઓ ઑડિયન્સની નાડ પારખી ગયા હતા અને લોકોને મનોરંજન પૂરું પાડ્યું. લોકોએ પણ તેમને સ્વીકાર્યા હતા.
 
"નીચલા સ્તરથી આવેલા અને તેઓએ જિંદગીનાં તમામ લેવલો પાર કર્યાં હતાં, સફળતા મળ્યા છતાં તેઓ બહેકી નહોતા ગયા. તેઓ જમીન પર જળવાઈ રહ્યા હતા."
 
"મુંબઈમાં તેઓએ જે લાઇવ પ્રાગ્રામ કર્યા હતા એનો લાભ ગુજરાતી ફિલ્મોને મળ્યો હતો. તેમની પાસે મોટો અનુભવ હતો."
 
ગુજરાતમાં વાલીઓ બાળકોને શાળામાંથી એક વર્ષનો ડ્રૉપ અપાવવાનું કેમ વિચારી રહ્યા છે?
line
શોલે કરતાં મેરુમાલણ 'આગળ'નીકળી
 
લેખક-ડાયરેક્ટર અને ફિલ્મ જર્નાલિસ્ટ કે. અમર 'ડેની'એ નરેશ કનોડિયા સાથે આઠ ફિલ્મોમાં કામ કર્યું હતું.
 
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "નરેશ કનોડિયા જૂના ડાયરેક્ટરો સાથે તો કામ કરતા જ હતા, પણ નવા ડાયરેક્ટરો પણ કામ કરતા."
 
તેઓ કહે છે કે 'મહેશકુમાર ઍન્ડ પાર્ટી' ધર્માદાના કામમાં ક્યારેય પૈસા નહોતી લેતી. ધર્મ કે સમાજને ઉપયોગી થાય તેવાં કામોમાં તેઓ પૈસા નહોતા લેતા.
 
કે. અમર નરેશ કનોડિયાની ફિલ્મનો એક કિસ્સો કહે છે, જેમાં ચાહકોમાં નરેશ કનોડિયાની ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય.
 
તેઓ કહે છે, "અમિતાબ બચ્ચનની શોલે નામની ફિલ્મ રાજકોટના ગેલેક્સી સિનેમામાં 50 અઠવાડિયાં ચાલી હતી. એ વખતે તેણે ચાર-સવા ચાર લાખની કમાણી કરી હતી. જ્યારે આ બાજુ આમ્રપાલી સિનેમામાં નરેશ કનોડિયાની ફિલ્મ મેરુમાલણ 25 અઠવાડિયાં ચાલી હતી અને આઠ-સાડા આઠ લાખની કમાણી કરી હતી."
 
"એટલે કે શોલે 50 અઠવાડિયાં ચાલી અને મેરુમાલણ 25 અઠવાડિયાં ચાલી, પણ નરેશ કનોડિયાની ફિલ્મે વધુ કમાણી કરી હતી."
 
"આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકેની મારી ફિલ્મ 'રાજરતન'માં આખો કનોડિયા પરિવાર હતો. નરેશ કનોડિયા, હેતુ કનોડિયા, સૂરજ કનોડિયા સહિત મહેશ કનોડિયાનું સંગીત હતું. આ ફિલ્મને ગુજરાત સરકારના છ ઍવૉર્ડ મળ્યા હતા."
નરેશ કનોડિયાને 'ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન' પણ કહેવામાં આવે છે.
 
પણ જ્યારે તેમને આ બિરુદ આપવાની વાત આવતી ત્યારે તેઓ કહેતા કે ક્યાં અમિતાભ બચ્ચન ને ક્યાં નરેશ કનોડિયા.
 
નરેશ કનોડિયાની ફિલ્મ હોય એટલે એમાં વિલન તરીકે ફિરોઝ ઈરાની હોય. તેમજ સ્નેહલતા, રમેશ મહેતા, પદમારાણી, અરવિંદ રાઠોડ, કલ્પના દીવાન, દેવેન્દ્ર પંડિત, રજની બાળા સહિત અનેક કલાકારોનાં નામ યાદ આવે.
 
તેમની ફિલ્મોમાં મોટા ભાગનાં ગીતો કાંતિ અશોકે લખેલાં જે આજે પણ લોકોનાં હૈયે વસેલાં છે.
 
'ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય', 'જાગે રે માલણ જાગ', 'લીલી લેમડી રે લીલો નાગરવેલનો છોડ', 'સાંજણ તારાં સંભારણાં', 'લાડી તો લાખની સાયબો સવા લાખનો', 'મારો સોનાનો ઘડુલો રે' સહિત અનેક ગીતોનો સમાવેશ થાય છે.
 
વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં નરેશ કનોડિયા વડોદરાની કરજણ (એસ.સી.) સીટ પરથી ભાજપના ધારાસભ્ય બન્યા હતા.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના હસ્તે 'સૌનાં હૃદયમાં હરહંમેશ- મહેશ-નરેશ' પુસ્તકનું વિમોચન કર્યું હતું.
 
તો નરેશ કનોડિયાને 'દાદાસાહેબ ફાળકે' ઍવૉર્ડ પણ મળ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

કડકડતી ઠંડી માટે તૈયાર રહો, આગામી 5 દિવસમાં આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

ચાલતી ટ્રેનમાં હાર્ટ એટેક, TTEએ CPR આપ્યો અને જીવ બચી ગયો, જુઓ વીડિયો

PM Modi On Maharashtra Election Results: 'એક હૈ તો સેફ હૈ', આજે દેશનો મહામંત્ર બની ચૂક્યો છે.

ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ! રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાણ કરવામાં આવશે

IPL Auction 2025 - મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર

આગળનો લેખ
Show comments