અમદાવાદ ( એજંસી) અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે તૈયાર કરાયેલા 18માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં "આફ્રિકામાં ગુજરાત" થીમ પેવેલિયન અને એડવેન્ચર સ્પોટ્ર્સ, ફૂડ કોર્ટનું ઉદ્ઘાટન તા. 11ના રોજ કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પતંગ જેમ આભમાં નવી ઊંચાઈને આંબે છે તેમ ગુજરાત પણ વિકાસની નવી ઊંચાઈઓને આંબે એવી ભાવના છે.
ગુજરાતમાં પ્રવાસનના વિકાસ માટે રાજય સરકારે ઇવેન્ટ બેઝ ટુરિઝમ પર ભાર મૂકયો છે. એટલે જ પતંગમહોત્સવના માઘ્યમથી સમગ્ર દુનિયામાં ગુજરાતની વિશિષ્ટ ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરાયો છે.
" આફ્રિકામાં ગુજરાત" થીમ પેવેલિયનની મુલાકાત લઈને મોદીએ જણાવ્યું હતું કે, આફ્રિકાના દેશોમાં ગુજરાતીઓ કયારે પહોંચ્યા, મહાત્મા ગાંધીજીનું જીવન અને આફ્રિકાને શું સંબંધ રહ્યો એવા તમામ વિષયો દ્વારા લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો છે અને વિશેષ કરીને આપણા પૂર્વજોએ વિશ્વના દેશોમાં પહોંચીને પોતાના સાહસનો પરિચય કરાવ્યો છે, તેમણે આપણને સામથ્ર્યનો અનુભવ કરાવ્યો છે. આવા થીમ પેવેલિયનથી આપણે આપણા પૂર્વજોના પરાક્રમને વિશ્વ સમક્ષ મુકીએ છીએ અને નવાં પરાક્રમો કરવા માટે આપણે આપણી જાતને સજજ કરીએ.
1896 માં આપણા ગુજરાતીઓએ યુગાન્ડામાં 45 ડિગ્રીની ઊંચાઇએ 1000 કિ.મી લાંબી રેલવેલાઇન નાખવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ સામથ્ર્ય અને સફળતા ઇજનેરી ચમત્કારનું બેનમૂન ઉદાહરણ છે. આ ગુજરાત માટે ગૌરવ અને સ્વાભિમાનની વાત છે. આવી વાતોમાંથી પ્રેરણા લઇને આપણે આપણી જાતને સુસજજ કરવાની છે.
PR
P.R
મુખ્યમંત્રીએ એડવેન્ચર સ્પોર્ટ્સ થીમ પેવેલિયનનું રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું ત્યારે સાહસિક રમતોનો આનંદ માણતાં બાળકોએ હર્ષોનાંદથી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી સ્કેટિંગની સ્પર્ધાના ચંદ્રક વિજેતા બાર જેટલા વિધાર્થીઓનું પુષ્પગુચ્છથી મુખ્યમંત્રીશ્રીએ સન્માન કરી આ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.
એડવેન્ચર થીમ પેવેલિયનમાં ખાસ કરીને ટ્રી કલાઇમ્બિંગ, મિલિટરી તાલીમનો અનુભવ કરાવતા એસોલ્ટ કોર્ટમાં સ્પાઇડર નેટ, બર્મા પુલ, વેલી-ક્રોસિંગ ઉપરાંત મોટર બાઇકિંગ અને જાતે હલેસાં મારીને હોડી ચલાવતાં બાળકોને મુખ્યમંત્રીએ કયાકિંગ સ્પોટ્ર્સમાં નિહાળ્યા હતા. આ ઉપરાંત ઝોરબીનમાં સ્થિતિ સ્થાપક ગોળાની અંદર ગોઠવાઇને ગોળ ગોળ ગબડતા ગોળાની સાથે ગબડતાં બાળકોના આનંદને મુખ્યમંત્રીએ માણ્યો હતો.
મોદીએ ફૂડ કોર્ટમાં સામાન્ય નાગરિકોની સાથે જ એક રાઉન્ડ ટેબલ પર બેઠક લઇને પરંપરાગત ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. તેમણે સૌ પ્રથમ ઢોકળા અને બટાટાં-મરચાનાં ભજિયાં ચાખ્યા હતા. પછી ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું ખાધું હતું. છોલે-પુરીના છોલે પણ તેમણે ચાખ્યા હતા અને છેલ્લે થોડું ખીચું ટેસ્ટ કર્યું હતું. મોદી સાથે પ્રવાસનમંત્રી જયનારાયણભાઈ વ્યાસ અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશભાઈ પટેલ પણ હતા. મોદીએ વાનગીઓને રસપૂર્વક માણ્યા પછી પાણી પીતાં પહેલાં તરત તેના બિલ ચૂકવવાની તયારી બતાવી હતી. આમ, મોદીએ વાનગીઓનો સ્વાદ માણ્યા પછી તરત બિલના ચુકવણાની ચિંતા કરી હતી.