Webdunia - Bharat's app for daily news and videos

Install App

આખરે અમદાવાદ રથયાત્રાને મળી મંજૂરી, શહેરમાં રહેશે કરર્ફ્યું

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (15:03 IST)
ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અષાઢી બીજના રોજ અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની પ્રખ્યાત રથયાત્રા સહિત રાજ્યમા અન્ય સ્થળે યોજાનાર રથયાત્રા આ વર્ષે કોરોનાની સાંપ્રત સ્થિતિ અને સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઈને કોવિડની ગાઈડલાઈનના ચુસ્ત પાલન કરવાની શરતો સાથે રથયાત્રા યોજવા માટે સ્થાનિક વહીવટી તંત્રને નિર્ણય લેવા રાજ્ય સરકારે સૂચના આપી છે.
 
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, અમદાવાદ જગન્નાથ મંદિરની રથયાત્રાના પ્રસ્થાન માટે પરંપરા મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સવારે જગન્નાથ મંદિર ખાતે પહિંદ વિધિમાં સહભાગી બનીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગળા આરતી કરી ભગવાન જગન્નાથના આશીર્વાદ લેશે.
 
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, રથયાત્રાના આયોજન માટે જુદા-જુદા આયોજકો દ્વારા વિવિધ લેખિત અને મૌખિક રજૂઆતો મળી હતી. તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલ કોર કમીટીની બેઠકમાં સવિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અમદાવાદ જગન્નાથ મંદિરની રથયાત્રા સંદર્ભે મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ અને ટ્રસ્ટી મંડળના સભ્યો સાથે બેઠકો યોજવામાં આવી હતી અને આ બેઠકોમાં તેઓશ્રી દ્વારા રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપતા આ નિર્ણય કરાયો છે.
 
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે કરેલ અસરકારક કામગીરીના પરિણામે રીકવરી રેટમાં સતત વધારો થયો છે અને આજે ૯૮.૫૪ ટકા જેટલો રીકવરી રેટ છે. અને પોઝીટીવીટી રેટ ૦.૧% જેટલો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૬૫ કેસ પોઝીટીવ નોંધાયેલ છે અને અત્યાર સુધીમાં ૮,૧૧,૯૮૮ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 
 
રાજ્યમાં હાલ ૧,૯૬૯ એક્ટીવ કેસ છે તે પૈકી ૧,૯૫૯ સ્ટેબલ છે. અને એકપણ વ્યક્તિનું મૃત્યુ થયેલ નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧૩ કેસ નોધાયા છે. શહેરનો રીકવરી રેટ ૯૮.૧૯% અને માત્ર  ૮૮૪ એક્ટીવ કેસ છે. જેને ધ્યાને લઇને શ્રધ્ધાળુઓની આસ્થા પરિપૂર્ણ થાય અને લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે તે માટે કોવિડ-૧૯ના પ્રોટોકોલનો ચુસ્ત પાલન કરી રથયાત્રા યોજવાની મંજૂરી આપવા આ નિર્ણય કર્યો છે. 
 
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આપણે સૌ સુરક્ષિત રહીએ તે માટે રાજ્ય સરકારે અલાયદો એક્સન પ્લાન બનાવીને સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. ત્યારે, તેમાં કોઇ સમસ્યા ન થાય એ માટે સૌ શ્રધ્ધાળુઓને પ્રોટોકોલનો ચુસ્ત પાલન કરવા અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, અમદાવાદ શહેર સહિત આસપાસના જિલ્લાઓમાંથી શ્રધ્ધાળુઓએ રથયાત્રાના દર્શન માટે એકત્રિત ન થતા મિડીયાના માધ્યમથી જે જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે તેના લાભ લેવા વિનંતી કરી છે. 
 
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરના ૧૯ કિલોમીટર જેટલા માર્ગ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરનાર છે. ત્યારે સંક્રમણ વધે નહી તે માટે રથયાત્રા દરમ્યાન પ્રસાદ વિતરણ પર સદતંર પ્રતિબંધ રહેશે. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી વિસ્તારોમાં સવારે ૭:૦૦ કલાક થી બપોરના ૨:૦૦ કલાક સુધી કરફ્યુ લગાવવાનો રહેશે. અને રથયાત્રા નિજ મંદિરથી નીકળી તે પહેલા નિજ મંદિરે પરત આવી જાય તો કરફ્યુ વહેલો પૂરો થવાની જાહેરાત કરાશે. 
 
આ ઉપરાંત, જરૂર જણાય તેવા રસ્તાઓ પર પ્રવેશ તથા બહાર જવાના રસ્તાઓ નિયંત્રિત કરવાના રહેશે. તેમજ, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા પુલો પણ બંધ કરવામાં આવશે. રથયાત્રાના પ્રસ્થાન તથા પરત આવ્યા બાદમાં કરવામાં આવતી ધાર્મિક વિધિમાં રાજ્ય સરકારે નક્કી કરેલ સંખ્યા કરતા વધુ લોકો એકત્રિત ન થાય તે અંગે આયોજકોએ કાળજી લેવાની રહેશે. 
 
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, અમદાવાદની પ્રખ્યાત રથયાત્રા સહિત રાજ્યમાં અન્ય જગ્યાએ યોજાનાર રથયાત્રા /શોભાયાત્રા પરંપરાગત માર્ગ ઉપર પરિભ્રમણ અર્થે નીકળે ત્યારે નિશાન ડંકા, રથ, મહંત તથા ટ્રસ્ટીના વાહન સાથે નીકળશે. પરંતુ અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ કે અન્ય કોઇ વાહનો રથયાત્રામાં ભાગ લઇ શકશે નહીં.  તેમજ ખલાસીઓ તથા પૂજાવિધિમાં ભાગ લેનાર ભાવિકોનો રથયાત્રાના ૪૮ કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ રથયાત્રામાં સામેલ થઇ શકશે. 
 
આ તમામે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇએ. જોકે બન્ને ડોઝ લીધેલા હોય તેવાને અગ્રિમતા આપવાની રહેશે. રથયાત્રામાં મંજૂરી અપાયેલ વાહનો તથા રથ વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે. આ ઉપરાંત સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાતને ધ્યાને લઇ અન્ય નિયંત્રણો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મુકી શકાશે. 
 
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, આ વખતે પરંપરાગત રથયાત્રા કરતા કોવિડ-૧૯ને ધ્યાને લઇ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે સરસપુર ખાતે મોસાળામાં રથયાત્રા નિયત સમય માટે વિશ્રામ લેનાર છે. જે દરમ્યાન પ્રતિવર્ષની જેમ મોટાપાયે થતા ભોજન પ્રસાદના આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે. 
 
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, સમગ્ર રાજ્યમાં તા. ૧૧/૦૭/૨૦૨૧ તથા તા. ૧૩/૦૭/૨૦૨૧ના રોજ યોજાનાર રથયાત્રા/ શોભાયાત્રા ઉપરના નિયંત્રણો/શરતો અમલી રહેશે. રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કોવિડ-૧૯ના સંક્રમણ / નિયંત્રણ કરવા માટે સંબંધિત વહીવટી તંત્ર દ્વારા જે સૂચનાઓ અપાઇ હોય તેનું ચુસ્ત પાલન આયોજકો દ્વારા કરવાનું રહેશે. ભાગ લેનાર તમામ લોકોએ ફેશ કવર, માસ્ક તથા સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. સંબંધિત પોલીસ કમિશ્નરો, જિલ્લા મેજીસ્ટ્રેટઓએ તેમના અધિકાર ક્ષેત્રમાં આ હુકમના અમલ માટે જાહેરનામું બહાર પાડવાનું રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Coldwave in gujarat- ગુજરાતમાં હાડ થિંજવતી ઠંડી પારો 10 ડિગ્રી પહોંચી ગયું

Zakir Hussain Death- તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન, પરિવારે કરી પુષ્ટિ

AAm AAdmi Party- કેજરીવાલે દિલ્હીની તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા બાદ કહ્યું હતું કે ભાજપ પાસે ન તો સીએમ ચહેરો છે કે ન કોઈ ટીમ.

મુંબઈમાં બેસ્ટ બસ સાથે બીજો અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત

મુંબઈના વરલીમાં પૂનમ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી, 5 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર

આગળનો લેખ
Show comments