Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના સંક્રમણને રોકવા અને નાગરિકોને સુરક્ષિત કરવા કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો

Webdunia
બુધવાર, 7 એપ્રિલ 2021 (07:53 IST)
..-  રાજ્યના ૨૦ નગરોમાં આગામી તા.૩૦મી એપ્રિલ સુધી રાત્રિના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ
- સામાજિક અને રાજકીય મેળાવડાઓ આગામી તા. ૩૦મી એપ્રિલ -૨૦૨૧ સુધી સ્થગિત : લગ્ન સમારોહમાં હવે ૧૦૦ વ્યક્તિઓની પરવાનગી.
- સરકારી કચેરીઓમાં પણ કોરોનાનું સંક્મણ અટકે અને અધિકારી કર્મચારીઓ પણ સંક્રમિત ન થાય તે માટે સમગ્ર એપ્રિલ માસના ચારેય શનિ-રવિ દરમિયાન રજા રહેશે.
- રાજ્યના સચિવોને તમામ જિલ્લાઓમાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઇ:  સરકારની ચાલુ કામગીરીમાંથી આંશિક મુક્તિ આપવાના આદેશો 
હવે ૭૦ ટકા ઓક્સિજન કોરોના સંદર્ભમાં આરોગ્ય વિભાગ માટે અનામત રખાશે.
.
મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના સામે ગુજરાત સરકાર જુસ્સાભેર કામ કરી રહી છે. સમગ્ર દેશની સાથે સાથ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર ટેસ્ટિંગ અને ટ્રેકીંગની કામગીરીને વધુ અસરકારક બનાવશે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાત્રે ગાંધીનગરમાં કોર કમિટીની મહત્વની બેઠક બાદ જણાવ્યું હતું કે, નામદાર હાઈકોર્ટના માર્ગદર્શન અને સલાહ અનુસાર આવતીકાલથી તારીખ ૩૦મી એપ્રિલ સુધી ગુજરાતના ચાર મહાનગરો ઉપરાંત તમામ મહાનગરપાલિકાના શહેરો સહિત રાજ્યના ૨૦ મોટા શહેરો કે જ્યાં કોરોના કેસોની સંખ્યા વધારે છે ત્યાં રાત્રિના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરાશે. 
 
મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ રાજકીય અને સામાજિક મેળાવડાઓ સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. કોઇપણ મેળાવડાઓમાં ૫૦થી વધારે વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવશે નહીં. ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તાર અને મોરવા હડફ વિસ્તારમાં ચૂંટણીપંચની ગાઇડલાઇન અને સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. એટલું જ નહીં એપ્રિલ માસ દરમિયાન રાજ્ય સરકારની તમામ કચેરીઓ તમામ શનિવારે પણ બંધ રહેશે. સરકારી કચેરીઓમાં આવતા અરજદારો પણ પોતાનું કામ મહત્વનું હોય તો જ સરકારી કચેરીઓની મુલાકાત લે, સામાન્ય કે ઓવા મહત્વના કામો માટે અરજદારો અને મુલાકાતીઓએ કામકાજના દિવસો દરમિયાન પણ સરકારી કચેરીઓની મુલાકાત ટાળે તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો. કોરોનાના કેસોની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇને મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના નાગરિકોને અપીલ કરી છે કે, ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે અને તમામ લોકો પોતાની પ્રવૃતિઓને નિયંત્રિત કરે તો જ આપણે કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવી શકીશું. તેમણે જણાવ્યું હતું કે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે અને તેનો કડક અમલ થાય તે માટે વહીવટી તંત્ર અને સૂચનાઓ આપવામાં આવી છે.
 
ગાંધીનગર કોર કમિટીની બેઠક બાદ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે કોર કમિટીના સભ્યો સુરતની સ્થિતિની સમીક્ષા કરવા રૂબરૂ સુરત ગયા હતા. સુરતના પદાધિકારીઓ-અધિકારીઓ, ર્ડાકટરો, સુરતના સંસદસભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, મેયર વગેરે સાથેએક બેઠક કરીને વિસ્તૃત છણાવટના અંતે સુરતમાં કોરોના સંદર્ભે ઘણા નિર્ણયો કર્યા હતા. ગાંધીનગર આવીને ભારત સરકારના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, આરોગ્ય સચિવ, પ્રધાન મંત્રી કાર્યાલયના પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી પી. કે. મિશ્રા સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. ભારત સરકાર તરફથી  ગુજરાતને સતત માર્ગદર્શન મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર ગુજરાતની ચિંતા કરી રહી છે. અને શ્રી અમિતભાઈ શાહ તરફથી પણ વિશેષ માર્ગદર્શન મળી રહ્યું છે. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર તરફથી પુરતી મદદ મળી રહી છે. ભારત સરકારની નિષ્ણાંત તબીબોની ટીમ ખાસ ગુજરાત આવશે અને કોરાનાના સંદર્ભમાં માર્ગદર્શન આપશે. 
 
કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો અંગે વધુમાં જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ટેસ્ટીંગ મોટેપાયે વધારવામાં આવશે. આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ સંખ્યામાં ઘણો વધારો કરવામાં આવશે.  જેથી કરીને કોરોનાના કેસ શોધીને ઝડપથી સારવાર થાય અને આપણે કોરોનામુકત ગુજરાત બનાવવામાં આગળ વધી શકીએ. એવી જ રીતે ટ્રેસીંગ ઉપર પણ વિશેષ ભાર આપવાનું નક્કી કરાયું છે. કોરોના સંક્રમિત વ્યક્તિ છેલ્લા ર૪-૪૮ કલાકમાં જેમના સંપર્કમાં આવ્યા હોય એવી વ્યક્તિઓને પણ શોધીને તેમના ટેસ્ટીંગ કરવા અને તેમની ઝડપથી સારવાર થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. 
કન્ટેન્ટમેન્ટ ઝોનનું પણ ચૂસ્તપાલન કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. આ અંગે પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો અને કલેકટરો નક્કી કરશે એ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવીને નાગરિકોની અવર-જવર ઉપર નિયંત્રણો મુકવામાં આવશે. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેકશનોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે ત્રણ લાખ  ઇન્જેકશનનો રાજ્ય સરકારે ઓર્ડર આપ્યો છે અને ઝડપથી એનો સપ્લાય ચાલુ થાય તેવા આદેશો આપવામાં આવ્યા છે. 
 
રાજ્યની સરકારી હોસ્પિટલમાં રેમડેસીવીરના ઇન્જેકશનો વિનામૂલ્યે આપવામાં આવશે, જયારે ખાનગી હોસ્પિટલોને નહીં નફો-નહીં નુકશાનની રીતે પડતર ભાવથી રાજ્ય સરકાર દ્વારા ઇન્જેકશનો પુરા પાડવામાં આવશે. બે દિવસમાં સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં ઇન્જેકશનનો જથ્થો પહોંચાડવામાં આવશે.
 
રાજ્યમાં ઓક્સિજનની માંગ પણ વધી છે ત્યારે રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન થાય છે તેમાંથી ૭૦ ટકા ઓક્સિજન કોરોનાના સંદર્ભમાં આરોગ્ય વિભાગ માટે અનામત રાખવાના આદેશો આપવામાં આવ્યા છે અને ૩૦ ટકા ઓક્સિજન ઉદ્યોગોના ઉપયોગ માટે રખાશે.. 
 
રાજ્યની હોસ્પિટલોમાં પથારીની સંખ્યા વધારવા માટે વ્યાપક યોજના બનાવવામાં આવી છે. નાના નર્સિંગહોમને પણ માઇલ્ડ અને એસીમ્પટોમેટીક દર્દીઓની સારવાર માટે છૂટ આપવામાં આવી છે. દરેક જિલ્લામાં નર્સિંગહોમમાં વધુ લોકોને સગવડતા મળે અને સારી સારવાર થાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ કેર સેન્ટર, સમરસ હોસ્પિટલ કે કોમ્યુનિટી હોલમાં સારવાર ઉપલબ્ધ કરાવી શકાય તેવી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી છે. 
 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, સુરતમાં ૮૦૦ પથારીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની છે જે આવતીકાલથી કાર્યરત થઇ જશે. 
 
તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૩૦મી એપ્રિલ સુધી રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગાંધીનગર, આણંદ, નડીયાદ,મહેસાણા, ગાંધીધામ, ભૂજ, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભરૂચ અને અમરેલી સહિત કુલ ર૦ નગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલથી આ નગરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફયુ અમલી રહેશે. 
 
તેમણે વધુમાં ઉમેર્યુ કે, કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજકીય અને સામાજિક મેળાવડાઓ સ્થગિત કરવામાં આવ્યા છે. નામદાર હાઇકોર્ટના માર્ગદર્શન અને સલાહ અનુસાર રાજકીય અને સામાજિક મેળાવડાઓ  આગામી તા. ૩૦મી એપ્રિલ -૨૦૨૧ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. 
 
અગાઉ રાજ્ય સરકાર દ્વારા લગ્ન સમારોહમાં ૨૦૦ વ્યક્તિઓની પરવાનગી હતી તે ઘટાડીને હવે લગ્ન સમારોહમાં ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવશે.
  
આગામી સમયમાં મોરવા હડફ વિધાનસભાની અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે તે સંદર્ભે આ વિસ્તારોમાં ચૂંટણી પંચના નિયમો અને માર્ગદર્શનોનું પાલન કરવાનું રહેશે. 
 
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે સરકારી કચેરીઓમાં પણ કોરોનાનું સંક્મણ અટકે અને અધિકારી કર્મચારીઓ પણ સંક્રમિત ન થાય તે માટે સમગ્ર એપ્રિલ માસના ચારેય શનિ-રવિ દરમિયાન રજા રહેશે. 
 
તેમણે ઉમેર્યુ કે, રાજ્યના APMC, ખાતે પણ ખેડૂતોને સંક્રમણથી બચાવવા માટે પણ ખાસ એસ.ઓ.પી. પણ નિયત કરાઇ છે તે મુજબ પાલન કરવાનું રહેશે. 
 
રાજ્યના સચિવોને તમામ જિલ્લાઓમાં પ્રભારી તરીકે જવાબદારી સોંપી દેવાઇ છે. અને તેઓ પૂરેપૂરો સમય સોંપેલા જિલ્લાઓમાં કામ કરશે. તેમણે સરકારની ચાલુ કામગીરીમાંથી આંશિક મુક્તિ આપવાના આદેશો કરી દેવાયા છે.
 
મુખ્યમંત્રીશ્રીએ મીડિયાના માધ્યમથી નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, નાગરિકોએ પણ બિનજરૂરી બહાર ન નીકળવું અને પોતાના પર નિયંત્રણો લાવવા. સાથે સાથે માસ્ક ફરજિયાત પહેરીએ, માસ્ક નહીં પહેર્યુ હોય તો કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી દેવાઇ છે. 
 
રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. દરરોજ ચાર લાખથી વધુ નાગરિકોને વેક્સિન આપવામાંઆવી રહી છે ત્યારે ૪૫ વર્ષથી ઉપરની વયના તમામ લોકોએ વેક્સિન લઇ લેવા પણ તેમણે અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments