Webdunia - Bharat's app for daily news and videos

Install App

વનસ્પતિઓની માહિતી, લાક્ષાણિકતાઓ અને ઉપયોગિતા રસપ્રદ રીતે મળે તે માટે વડોદરાના નવયુવાનનું અનોખું અને અદભૂત સ્ટાર્ટઅપ

Webdunia
શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (14:50 IST)
વનસ્પતિઓની માહિતી મળે તે   વડોદરાના નવયુવાને તૈયાર કરી‘બોટની ફેસ્ટ’ વેબ એપ્લિકેશન 
 
રોમાંચક રમતો સાથે ૧૦૦૦થી વધુ વનસ્પતિઓ અને તેના ગુણધર્મો વિશે પણ રસપ્રદ માહિતીનો ભંડાર
 
તમે કેટલા વૃક્ષોને ઓળખી શકો ? તેમાંથી કેટલાના ગુણો કહી શકો ? વધુમાં વધુ ૧૦-૧૫ વૃક્ષોના નામ અને તેના ગુણો વિશે તમને ખબર હશે. વિવિધ જાતના વૃક્ષો, ફળફૂલ કુદરતે આપણને આપ્યા છે, પણ બહુ જ જવલ્લે એવું બને કે તે વૃક્ષના ગુણધર્મો અથવા તો નામ અર્બનાઈઝેશનના આ યુગમાં આપણને ખબર હોય ! આ બાબતની ચિંતા કરીને વડોદરાના એક નવયુવાને એવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે કે, જેના થકી સામાન્ય શહેરીજનને વિવિધ વૃક્ષોની માહિતી અને તેના ગુણધર્મો વિશે જાણકારી સરળતાથી અને રોમાંચક અંદાજમાં મળી રહે.
 
મૂળ મહારાષ્ટ્રના અને વડોદરાની એમ.એસ.યુ.ના વનસ્પતિશાસ્ત્રમાં અનુસ્નાતક વિભાગના પૂર્વ વિદ્યાર્થી ક્રિષ્નાસિંઘ રાજપૂતે વનસ્પતિઓ વિશે લોકો વધુમાં વધુ જાણે તેવા હેતુથી વર્ષ-૨૦૨૦માં  ‘બોટની ફેસ્ટ’ નામની કંપનીની સ્થાપના કરી. વનસ્પતિશાસ્ત્રમાં અનુસ્નાતકના અભ્યાસ વેળા અને ત્યારબાદ તેમણે વર્ષ-૨૦૧૭ થી વર્ષ-૨૦૨૦ એમ ચાર વર્ષ સુધી એમ.એસ.યુ.ના વનસ્પતિશાસ્ત્ર વિભાગ અને ડાંગના વઘઈ રેન્જ ફોરેસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ‘બોટની ફેસ્ટ’ કાર્યક્રમમાં ભાગ લીધો. 
પરંતુ આ કાર્યક્રમ અને આયોજન શૈક્ષણિક હોવાથી તેમની કેટલીક મર્યાદા હતી. તેમજ વર્ષમાં તેને એક જ વખત આયોજિત કરી શકાતો હતો. જેની મર્યાદાને પાર કરવા તેમજ આવા રસપ્રદ અને માહિતીસભર આયોજનનો લાભ માત્ર વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ હર કોઈને મળે તેવા શુભ આશયથી ક્રિષ્નાસિંઘ રાજપૂતે ‘બોટની ફેસ્ટ’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. 
 
આવા અનોખા અને અદભૂત સ્ટાર્ટઅપ થકી તેઓ વનસ્પતિઓ સંબંધિત ઇવેન્ટ્સ અને પ્રોત્સાહક રમતોનું એમ.એસ.યુ. સ્થિત બોટનીકલ ગાર્ડન કે જ્યાં ૧૦૦૦ થી વધુ વિવિધ વનસ્પતિઓ છે, ત્યાં આયોજન કરે છે. રોમાંચક ટ્રેઝર હન્ટ જેવી જ રૂપરેખા ધરાવતા  ‘ફાયટોહન્ટ ૩.૦’ આયોજનમાં ઇચ્છુક શહેરીજનોને કુલ ૪ કેટેગરીમાં ૧૮ જેટલી જુદી જુદી પ્રવૃત્તિઓનો લાભ મળે છે. ‘ફાયટોહન્ટ ૩.૦’ હેઠળની રમતો અને પ્રવૃત્તિઓ સાંભળવામાં જેટલી રસપ્રદ છે, તેના કરતા અનેક ગણી વધારે રોમાંચક આ રમતો રમવામાં છે. 
 
હવે આમાં ભાગ કઇ રીતે લેવો ? તેની વાત કરીએ તો, કોઇ પણ શહેરીજન યુનિવર્સિટી સ્થિત બોટનિકલ ગાર્ડનમાં ગાર્ડન સુપરવાઇઝરની ઓફિસનો સંપર્ક કરવાનો હોય છે. ત્યાં રૂબરૂ ગયા બાદ નજીવી ફી ચૂકવીને મોબાઇલમાંથી જ બોટનીફેસ્ટ વેબસાઇટ પર લોગઇન કરવાનું રહે છે. અને ત્યારબાદ રોમાંચક રમત શરૂ થઈ જાય છે. લોગઇન બાદ મોબાઇલમાં એક સૂચક ચિહ્ન (ક્લૂ) આવે છે, અને આ કોયડો ઉકેલવાનો હોય છે. એક ઉકેલ્યા બાદ બીજો કોયડો..ત્રીજો કોયડો..એવી રીતે અમુક કોયડાઓ સફળ રીતે ઉકેલ્યા બાદ તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. આવી રોમાંચક રમત થકી ભાગ લેનારને અનેક વિવિધ વનસ્પતિઓ વિશે નવું નવું તો જાણવા મળે જ છે, પરંતુ વિજેતા થવા પર એક અલગ પ્રોત્સાહક ભેટ પણ મળે છે. સાથે સાથે જ નિરવ શાંતિ વચ્ચે તન અને મનને સંતોષ આપતો ગુણવત્તાસભર સમય પણ પસાર થાય છે.
 
અહીં વિશેષતા એ છે કે, આ રોમાંચક રમતને એકલા પણ રમી શકાય છે  અને અલગ અલગ વયમર્યાદા ધરાવતા જૂથ કે અલગ-અલગ કેટેગરીના જૂથ માટે તેને ડિઝાઇન કરીને ગ્રુપમાં પણ રમાડી શકાય છે. ‘ફાયટોહન્ટ ૩.૦’ આયોજન હેઠળ શહેરીજનોને વડોદરાના અલગ અલગ પાર્ક અને ગાર્ડનમાં આવી રોમાચંક રમતો રમવા મળે છે, સાથે જ અવનવી વનસ્પતિઓ વિશે અમૂલ્ય જાણકારી તો ખરી જ.  જો ૫૦ લોકોનું જૂથ થાય તો આ આયોજનનો વિસ્તાર પણ કરી શકાય અને ૪ કેટેગરી પ્રમાણે ૧૮ જેટલી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં ‘પાર્લામેન્ટ ઓફ જંગલ, શેફ ઓફ જંગલ, ઇનોવેશન એન્ડ નેચર, ટેસ્ટ ધ સેન્સ..’ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
 
બોટનીફેસ્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર ક્રિષ્નાસિંઘ રાજપૂતે આ સ્ટાર્ટઅપ વિશે જણાવતા કહ્યું કે, “હું જ્યારે વનસ્પતિશાસ્ત્રનો વિદ્યાર્થી હતો, ત્યારે માત્ર આ વિભાગના વિદ્યાર્થીઓ માટે જ બોટની ફેસ્ટનું આયોજન થતું હતું. વર્ષ-૨૦૧૭માં ડાંગના વઘઈ ગાર્ડનમાં આવી રોમાંચક રમતો રમીને મેં આ આયોજનનો વિસ્તાર કરવાનું નક્કી કર્યું. જેથી અન્ય લોકોને પણ આવી ઉત્સાહક અને રસપ્રદ રમતો રમવાની તક મળે.
 
 મારા આ નિર્ણયને ગુજરાત સરકારનો સહયોગ અને સહકાર મળતા વર્ષ-૨૦૨૦માં બોટની ફેસ્ટ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું.” માત્ર છેલ્લા ૧૦ મહિનામાં જ ૫૦૦ થી વધુ લોકોએ બોટની ફેસ્ટ થકી ‘ફાયટોહન્ટ ૩.૦’ માં ભાગ લીધો છે અને એક હજાર કરતા પણ વધારે વનસ્પતિઓ તેમજ તેના ગુણધર્મો વિશે જાણી શહેરીજનો અચરજ પામે છે, તેમ ક્રિષ્નાસિંઘે ઉમેર્યું હતું.
 
સ્ટાર્ટઅપની ભવિષ્યની રૂપરેખા જણાવતા તેમણે ઉમેર્યું કે, “અત્યારે તો આ વેબ એપ્લિકેશનના સ્વરૂપમાં જ ઉપલબ્ધ છે, પરંતુ નજીકના સમયમાં જ અમે તેની મોબાઇલ એપ્લિકેશન વિકસાવીશું. જેથી શહેરીજનો અને સ્પર્ધકોને વધુ સરળતા રહે. તેમજ વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, બાળકો, વૃદ્ધો સહિત અલગ-અલગ કેટેગરીના લોકો માટે પણ અલગ-અલગ સ્લોટમાં આયોજન કરીશું, જેથી તેઓ પણ ભાગ લઇ શકે”. હાલ તેઓ નવેમ્બર મહિનામાં ગુજરાત અને મહારાષ્ટ્રના વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ‘બોટની ફેસ્ટ સ્ટેટ ટ્રોફી’ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. અને આવું આયોજન ગુજરાત અને મહારાષ્ટ્ર માટે પ્રથમ વખત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

આગળનો લેખ
Show comments