Webdunia - Bharat's app for daily news and videos

Install App

૧૦૮ વર્ષ જૂની નેરોગેજ ટ્રેનની દાસ્તાન...'ગાડી બુલા રહી હે !'

Webdunia
સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (10:06 IST)
હરીભરી વનરાજીઓ વચ્ચેથી પસાર થતી ઐતિહાસિક છુક છુક ગાડીની સફર સાથે, પ્રકૃતિમય થવાનો અવસર પ્રદાન કરતી ૧૦૮ વર્ષ જૂની નેરોગેજ ટ્રેનને તેની ગરિમા પ્રદાન કરતી દાસ્તાન ફરી એકવાર ડાંગ અને વાંસદાના વનપ્રદેશની પૃષ્ઠભૂમી ઉપર આલેખાઈ છે.
 
હા, તમે સાચુ જ સમજ્યા. અહીં વાત થઈ રહી છે બીલીમોરા-વઘઇ ટ્રેનની, કે જે તા.૪થી સપ્ટેમ્બર ૨૦૨૧થી નવા વાઘા સાથે ફરી એક વાર પ્રજાજનોની સેવામા હાજરાહજૂર થઈ છે.
 
પ્રવાસીઓની માનિતી, અને ચહિતી આ ટ્રેન આઝાદી પહેલાના સમયે એટલે કે સને ૧૯૧૩મા તત્કાલીન બ્રિટિશ રાજ વેળા બરોડાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરવામા આવી હતી. મૂળ ડાંગના ઇમારતી લાકડાના વાહતુક હેતુ શરૂ કરાયેલી આ ટ્રેને અનેક ચડાવ ઉતાર જોયા છે. શરૂઆતમા સ્ટીમ એન્જીન સાથે શરૂ થયેલી આ ટ્રેનને ચોવીસ વર્ષે એટલે કે છેક ૧૯૩૭ મા ડીઝલ એન્જીન સાથે જોડવામા આવી હતી. આ ટ્રેનનુ સ્ટીમ એન્જીન અત્યારે ચર્ચગેટ રેલવે સ્ટેશનની બહાર મુકવામા આવ્યુ છે.
 
સને ૧૯૭૧મા રૂપેરી પરદે તત્કાલીન જ્યૂબિલી સ્ટાર રાજેન્દ્રકુમાર ની ફિલ્મ 'આપ આયે બહાર આઇ'મા આ ટ્રેન, વઘઇનુ રેલવે સ્ટેશન, કિલાદ, અને વઘઇ નગર, સો મિલ અને ટીમ્બર ડેપોના દ્રશ્યો કચકડે પણ કંડારાયા છે.
 
દરિયાઈ સપાટીથી માત્ર ૧૧ મીટરની ઊંચાઈએ આવેલા બીલીમોરા જંકશન રેલવે સ્ટેશનથી ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા, અને સી લેવલથી ૧૨૨.૧૧ મીટરની ઊંચાઈએ આવેલા વઘઇ રેલવે સ્ટેશનને જોડતી આ ઐતિહાસિક નેરોગેજ ટ્રેન ૬૩ કિલોમોટરનુ અંતર ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંદાજીત ત્રણ કલાકે પૂર્ણ કરે છે.
 
ટ્રેન નંબર ૦૯૫૦૧ ડાઉન, અને ૦૯૫૦૨ અપ તેના આ ૬૩ કિલોમીટરના માર્ગમા બીલીમોરા જંકશનથી નીકળી ગણદેવી, ચીખલી રોડ, રાનકુવા, ધોળીકુવા, અનાવલ, ઉનાઈ/વાંસદા રોડ, કેવડી રોડ, કાળાઆંબા, અને વાંસદા નેશનલ પાર્કમા સમાવિષ્ટ ડુંગરડા થઈ વઘઇ રેલવે સ્ટેશને પહોંચે છે. દક્ષિણ ગુજરાતની લોકમાતા અને સાપુતારાની ગિરિકન્દ્રાઓમાંથી નીકળતી અંબિકા નદીના સદી જુના પુલ ઉપરથી, ડુંગરડા નજીકથી પસાર થતી આ ટ્રેન પ્રવાસીઓના શરીરમા આછી ધ્રુજારી પણ ઉત્પન કરે છે.
 
હેરિટેજ ટ્રેનનો દરજ્જો પ્રાપ્ત કરનારી આ ટ્રેન ડાંગ, વાંસદા સહિતના વિસ્તારોને બીલીમોરા સાથે જોડીને, તેમને મુંબઇ કે અમદાવાદ, દિલ્હી તરફ જવા માટેની તક પુરી પાડે છે. તો સાથે શહેરીજનો અને પ્રકૃતિ પ્રેમીઓને હરીભરી પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો અનમોલ અવસર પણ પૂરો પાડે છે. હરિયાળા ઝાડી ઝાંખરા વચ્ચેથી પસાર થતી આ છુક છુક ગાડી નાનાથી લઈ મોટેરાઓને પણ મસ્તી કરવાનો અવસર પ્રદાન કરે છે.
 
ડાંગના આંગણે દસ્તક દેતી આ ટ્રેન અહીંના લોકોની જીવાદોરી હોવા સાથે પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે. અનેક ચડતી પડતી જોઈ ચુકેલી આ ટ્રેન 'કોરોના કાળ' મા બંધ થતા સ્થાનિકોમા ખૂબ જ દુઃખની લાગણી પ્રવર્તી ગઈ હતી. જેને સ્થાનિક જનપ્રતિનિધિના હકારાત્મક અભિગમ બાદ ફરીથી પાટે ચડાવવાની જાહેરાત, સોશિયલ મીડિયાના માધ્યમથી નવનિયુક્ત રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે કરતા જ ફરી એકવાર આ વનપ્રદેશમા ટ્રેનની વ્હીસલ ગુંજી ઉઠી છે.
 
નવા રૂપરંગ અને આકર્ષણ સાથે શરૂ થયેલી આ ટ્રેનમા રેલવે દ્વારા પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે એક એ.સી.કોચ પણ જોડાયો છે. પેલેસ ઓન વ્હિલ ની યાદ અપાવતા, અને ત્રણ તરફ કાચની મસમોટી બારીઓમાંથી કુદરતના અણમોલ નજારાને માણવાનો સ્વર્ણવસર પ્રદાન કરતી આ ટ્રેન તેના હેરિટેજના દરજ્જાને છાજે તે રીતે પર્યટકોને આનંદ અને રોમાંચ પૂરો પાડે છે, તેમ મરોલીના વતની, અને ડાંગ જિલ્લા સાથે છેલ્લા ૫૫ વર્ષોથી સંકળાયેલા શ્રી નરેશભાઈ પટેલે, આ ટ્રેનમા પહેલા જ દિવસે પ્રવાસ કરીને તેમનો જાતઅનુભવ વર્ણવતા જણાવ્યુ હતુ.
 
સહ્યાદ્રીની ગોદમા વસેલા ડાંગ જિલ્લા સહિત ગુજરાત કી આંખોકા તારા : સાપુતારા તરફ મુંબઈ અને છેક કચ્છથી પણ પ્રવાસીઓ સરળતાથી આવાગમન કરી શકે તે માટે બીલીમોરા જંકશનથી ડાંગના ઉંબરે પહોંચાડતી આ ટ્રેનને વધુ લોકભોગ્ય બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ લક્ષ કેન્દ્રિત કરાયુ છે.
 
પ્રારંભિક તબક્કે એ.સી.કોચના પર્યટકો માટે IRCTC દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે, સાદા કોચ માટે પારંપરિક રીતે એટલે કે ટ્રેનની અંદર જ મુસાફરોને એસ.ટી.બસ ની માફક ટિકિટ આપવામા આવે છે, તેમ પણ શ્રી પટેલે વધુમા જણાવ્યુ હતુ.
 
વર્ષાઋતુમા જ્યારે ડાંગ વાંસદાની વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે, શહેરીજનોને ઘડી બે ઘડી પ્રકૃતિના સાન્નિધ્યે હરવાફરવા સાથે, શુદ્ધ તાજી હવા અને ઓક્સિજન લેવા માટે આ 'ગાડી બુલા રહી હે'.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments