Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોવિંદ સાવંત: ઑલિમ્પિકમાં મેડલ જીતનાર ગુજરાતના એકમાત્ર ખેલાડીની કહાણી

આર્જવ પારેખ
બુધવાર, 31 જુલાઈ 2024 (14:08 IST)
રમતોના મહાકુંભ ઑલિમ્પિકની ફ્રાન્સના પેરિસમાં શરૂઆત થઈ ચૂકી છે. ભારત તરફથી પણ 117 ખેલાડીઓનું દળ પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે.
 
પેરિસ ઑલિમ્પિક 2024માં ભારત તરફથી 70 પુરુષો અને 47 મહિલાઓનું દળ કુલ 16 રમતોમાં ભાગ લેશે.
 
સૌથી વધુ હરિયાણાના 24 તથા પંજાબના 19 રમતવીરો આ ઑલિમ્પિકમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે.
 
ગુજરાત તરફથી પણ ત્રણ ખેલાડીઓ આ વર્ષે દેશનું ઑલિમ્પિકમાં પ્રતિનિધિત્ત્વ કરી રહ્યા છે.
 
ગુજરાતના માનવ ઠક્કર અને હરમીત દેસાઈ ટૅબલ ટેનિસમાં તથા મહિલાઓની 10 મીટર ઍર રાઇફલમાં તથા તેની જ મિક્સ્ડ ટુર્નામેન્ટમાં ઇલાવેનિલ વલારિવન દેશનું પ્રતિનિધિત્ત્વ કરી રહ્યાં છે.
 
પરંતુ અત્યાર સુધીના ઑલિમ્પિક ઇતિહાસમાં ગુજરાતના એકમાત્ર ખેલાડીને મેડલ મળ્યો છે. આઝાદી પછી ઑલિમ્પિકમાં મેડલ મેળવનાર તેઓ એકમાત્ર ગુજરાતી છે.
 
 
વડોદરાના ગોવિંદ સાવંત ગુજરાતના એકમાત્ર ઑલિમ્પિક મેડલ વિજેતા ખેલાડી
વડોદરામાં જન્મેલા ગોવિંદ ગણપતરાવ સાવંત જિંદગીની છેલ્લી ક્ષણ સુધી હૉકી માટે સમર્પિત રહ્યા હતા એવું કહી શકાય.
 
1960માં રોમમાં યોજાયેલા ઑલિમ્પિકમાં તેઓ ભારતીય હૉકી ટીમના ખેલાડી હતા. ભારતીય હૉકી ટીમને 1960ના ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ મળ્યો હતો.
 
આમ, ગોવિંદ સાવંતના નામે પહેલા ગુજરાતી ઑલિમ્પિક મેડલ વિનર ખેલાડીનું ગૌરવ લખાયું હતું. તેમણે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
 
તેમનો જન્મ વડોદરાના એક મધ્યમવર્ગીય પરિવારમાં 28 નવેમ્બર, 1935ના રોજ થયો હતો. 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર જ્યારે અલગ રાજ્યો બન્યાં તે પહેલાં તેઓ બૉમ્બે પ્રાંત તરફથી હૉકી રમતા હતા.
 
ભારત તરફથી ઑલિમ્પિકમાં ભાગ લેનાર તમામ હૉકી ખેલાડીઓ વિશે પુસ્તક લખનાર વરિષ્ઠ સંશોધક કે. અરુમુગમે બીબીસીને આપેલી માહિતી અનુસાર, “1952થી 1957 દરમિયાન તેઓ બૉમ્બે સ્ટેટ પોલીસ તરફથી પ્રતિનિધિત્ત્વ કરતા હતા. જ્યારે તેઓ 1960ના ઑલિમ્પિકમાં પસંદગી પામ્યા ત્યારે ગુજરાત પોલીસનો ભાગ હતા. 1960ના ઑલિમ્પિકમાં તેઓ લૅફ્ટ હાફ બૅક પોઝિશન માટે પસંદગી પામ્યા હતા. તેમણે અમદાવાદ ઇન્ટરનેશનલ(1962) અને લાયન્સ ઇન્ટરનેશનલ (1963) ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. 1960માં સિલ્વર મેડલ જીત્યા બાદ ત્યારપછીના ઑલિમ્પિકમાં જબરદસ્ત સ્પર્ધાને કારણે ટીમમાં સિલેક્ટ થઈ શક્યા નહોતા.”
 
એમએસ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના તત્કાલીન આસિસ્ટન્ટ ડાયરેક્ટર વિકાસ પ્રજાપતિએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, “ગોવિંદરાવ સાવંત રંગાસ્વામી કપમાં પહેલીવાર વર્ષ 1951માં રમ્યા હતા. ત્યારે તેઓ બૉમ્બે પ્રાંત તરફથી રમતા હતા.”
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા નોંધે છે કે તેઓ તેમની સ્ટેમિના વધારવા માટે વડોદરાથી પાદરા- એમ 50 કિલોમીટરનું રનિંગ કરતા હતા.
 
જ્યારે 1960ના ઑલિમ્પિકમાં જીત્યો મેડલ
ભારતની હૉકી ટીમ મૅલબોર્નમાં યોજાયેલા 1956ના ઑલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી હતી. એ ભારતનો છઠ્ઠો ગોલ્ડ મેડલ હતો. ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 1-0થી હરાવ્યું હતું.
 
1960ના રૉમ ઑલિમ્પિકમાં ભારતીય હૉકી ટીમ લેસ્લી ક્લાઉડિઅસની આગેવાનીમાં ઊતરી હતી. તેઓ 1948, 1952 અને 1956માં પણ ભારતીય ઑલિમ્પિક હૉકી ટીમમાં સામેલ હતા. આ ત્રણેય ઑલિમ્પિકમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
 
નેધરલૅન્ડ, ડૅનમાર્ક અને ન્યૂઝીલૅન્ડ જેવી ટીમોને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમ જોકે અગાઉની ઑલિમ્પિક્સની જેમ લયમાં દેખાતી નહોતી.
 
રઘબીરસિંહ ભોલા અને પ્રિથિપાલસિંહના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે ટીમ તમામ ગ્રૂપ મૅચ જીતી હતી.
 
ફાઇનલમાં ભારતનો મુકાબલો પ્રભાવશાળી ટીમ મનાતી પાકિસ્તાન સામે હતો. 1956માં ભારત સામે હારી ચૂકેલી ટીમ લાહોરમાં ત્રણ-ચાર મહિનાની સખત ટ્રેનિંગ બાદ ઑલિમ્પિકમાં રમવા આવી હતી. ઉત્સાહ અને જોશથી ભરેલી પાકિસ્તાનની ટીમ તરફથી નસીર બુંદાએ 11મી મિનિટમાં જ ગોલ ફટકારી દીધો.
 
ત્યારબાદ ભારતીય ટીમ કોઈ ગોલ ફટકારી ન શકી અને પાકિસ્તાન 1-0થી મૅચ જીતીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું.
 
ભારતની આ ટીમમાં ગોવિંદ સાવંત પણ સામેલ હતા જેમને ફાઇનલમાં પાકિસ્તાન સામેની હાર બાદ સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યા હતા.
 
વડોદરા ડિસ્ટ્રિક્ટ હૉકી અસોસિયેશનના પૂર્વ સેક્રેટરી સેબેસ્ટિયન હેન્રી ડિક્સને કિશોરાવસ્થામાં ગોવિંદરાવ સાવંત પાસે હૉકીની ટ્રેનિંગ લીધી હતી.
 
તેઓ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “ગોવિંદરાવ સાવંત એ સેન્ટર હાફના ખેલાડી હતા. 1960માં દેશને જ્યારે ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ મળ્યો ત્યારે તેઓ ભારતીય હૉકી ટીમમાં સામેલ હતા. આકાશવાણીના ખેલપત્રિકા કાર્યક્રમમાં ગોવિંદરાવે કહ્યું હતું કે તેઓ મેજર ધ્યાનચંદના કોચિંગકૅમ્પમાં પણ સામેલ થયેલા.”
 
 
હૉકીમાંથી નિવૃત્તિ પછી પણ હૉકી માટે સક્રિય
હૉકી બાદ તેમણે ગુજરાતની સ્ટેટ રિઝર્વ પોલીસ ફૉર્સમાં નોકરી કરી હતી અને તેઓ ડીવાયએસપી તરીકે નિવૃત્ત થયા હતા.
 
સેબેસ્ટિયન હેન્રી ડિક્સન કહે છે, “હૉકીમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ એસઆરપી ફર્સ્ટ ગ્રૂપમાં આઈજી નગરવાલા સાહેબ નીચે રિક્રૂટ થયા અને ત્યાં સેવા આપી. હૉકીમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ ગુજરાતની હૉકી ટીમ તથા એસઆરપી હૉકી ટીમને પણ સતત ટ્રેનિંગ અને કોચિંગ આપવાનું કામ કરતા હતા. તેમણે બરોડાની સ્થાનિક ટીમને પણ વર્ષો સુધી ટ્રેનિંગ આપી હતી.”
 
બીબીસી સાથે વાત કરતાં તેમના પિતરાઈ ભાણેજ નંદન સાવંત કહે છે કે, “તેમણે તેમનું આખુંય જીવન હૉકી માટે સમર્પિત કરી દીધું અને ત્યારબાદ પોલીસની નોકરીને બાકીનું જીવન આપ્યું.”
 
તેઓ તેમને યાદ કરતાં કહે છે, “મને એ વાતનો ગર્વ છે કે અમારા પરિવારમાં હૉકીની રમતના આવા મહાન ખેલાડી હતા. તેમણે જીવનભર પૈસા કરતાં રમતને વધું પ્રાધાન્ય આપ્યું. તેઓ જ્યારે એસઆરપીમાં હતા ત્યારે હું તેમને મારા પિતા સાથે વારંવાર મળવા માટે જતો. મેં તેમને યુનિફૉર્મમાં જ કાયમ જોયા છે. તેમનો સ્વભાવ ખૂબ પ્રેમાળ અને ખૂબ હળીભળી જાય તેવો હતો.”
 
ડિક્સન પણ કહે છે કે, “ગોવિંદરાવ સાવંત સ્વભાવે અત્યંત વિનમ્ર અને જમીન સાથે જોડાયેલા માણસ હતા. હૉકી માટે દિવસ-રાત હંમેશાં હાજર હોય. બરોડા ડિસ્ટ્રિક્ટ હૉકી અસોસિયેશનમાં તેઓ કાયમ હાજર રહેતા.”
 
જીવનનાં અંતિમ વર્ષો સંઘર્ષપૂર્ણ રહ્યાં
ગોવિંદ સાવંત, પેરિસ ઑલિમ્પિક 2024, રમતગમત, ભારતીય હૉકી, 
ગોવિંદરાવ સાવંતને બે પુત્રીઓ અને એક પુત્ર હતા. તેમનાં ત્રણ સંતાનોમાંથી તેમનાં મોટાં પુત્રી લતા મોરે જ હયાત છે. તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “તેમનો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેઓ ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી મોટા હતા. તેમણે લગ્ન પહેલાં જ હૉકી રમવાનું શરૂ કરી દીધું હતું. તેઓ સાત વર્ષના હતા ત્યારે જ તેમનાં માતાનું અવસાન થઈ ગયું હતું. આથી પિતા પોલીસખાતામાં નોકરી કરતા અને ગોવિંદરાવ તેમનાથી નાના ભાઈ-બહેનને સંભાળતા.”
 
લતા મોરેનું કહેવું છે કે જીવનના અંતિમ તબક્કામાં ગોવિંદરાવને અતિશય આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના ઑપરેશન માટે પણ તેમની પાસે પૈસા નહોતા.
 
નંદન સાવંત જણાવે છે કે, “હૉકીમાંથી રિટાયર્ડ થયા બાદ તેઓ વડોદરામાં માંજલપુર વિસ્તારમાં એક રૂમ રસોડાનાં નાનકડા મકાનમાં રહેતા હતા.”
 
તેઓ કહે છે, “તેમને થોડું ઘણું પેન્શન મળતું હતું, પરંતુ તેનાથી તેમનું ગુજારાન ચાલતું નહોતું. તેમણે નિવૃત્તિ પછી હૉકી માટે પણ જે સેવા આપી એમાંથી મોટાભાગની વેતન લીધા વગર આપી હતી. તેમણે જીવનના છેલ્લા તબક્કામાં આર્થિક રીતે ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો. તેમના ઘૂંટણનું રિપ્લેસમૅન્ટ કરાવવાનું જરૂરી બની ગયું હતું, પરંતુ તેના માટે તેમની પાસે પૈસા નહોતા. તેમણે ખૂબ સંઘર્ષ કર્યો, લોકોએ તેમને આર્થિક મદદ કરી અને ઑપરેશન થયું. જોકે, તેઓ ઑપરેશન બાદ ક્યારેય સંપૂર્ણ રિકવર થઈ શક્યા નહીં અને વર્ષ 2001માં તેમનું અવસાન થયું.”
 
ગોવિંદ સાવંત, પેરિસ ઑલિમ્પિક 2024, રમતગમત, ભારતીય હૉકી, 
ડિક્સન કહે છે, “2001માં તેમનું જ્યારે અવસાન થયું ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરામાં હૉકી અસોસિયેશનના ગ્રાઉન્ડ પર તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો. તેમની યાદમાં અમે વર્ષ 2006થી 2011ના ગાળામાં વડોદરામાં ‘ગોવિંદરાવ સાવંત કપ’ નામની ટુર્નામેન્ટ પણ શરૂ કરી હતી. જોકે, હવે એનું આયોજન નથી થતું. વડોદરામાં ગોવિંદરાવ સાવંતની યાદગીરી સમાન કોઈ પૂતળું કે કોઈ સ્થળ પણ નથી.”
 
બીબીસી સાથે વાતચીત દરમિયાન તેમના પુત્રી અને ભાણેજ બંને દાવો કરે છે કે ગોવિંદરાવના નામે પંજાબમાં એક શેરીનું નામ રાખવામાં આવ્યું છે. જોકે, બીબીસી તેની અધિકૃત પુષ્ટિ કરી શક્યું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મણિપુરમાં ફરી હિંસા ભડકી, મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર હુમલો, ઈન્ટરનેટ બંધ, કર્ફ્યુ

Maharashtra Polls - જો તમે મારો સાથ નહી આપો તો હુ સંન્યાસ લઈ લઈશ, મહારાષ્ટ્રની જનતાને ઉદ્ધવ ઠાકરેની ભાવુક અપીલ

ઔરંગાબાદ પૂર્વમાં ચૂટણી સભા કરવા પહોચ્યા અસરુદ્દીન ઓવૈસી, બોલ્યા - જો 2 સીટ પણ જીતી ગયા તો 288 પર ભારે પડશે

Earthquake: ગુજરાતમાં ભૂકંપના ઝટકા, રાજસ્થાન સુધી કાંપી ધરતી, 4.2 ની રહી તીવ્રતા

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

આગળનો લેખ
Show comments