Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉદયપુરમાં આંતરિક વિવાદમાં ચાકુથી ઘાયલ વિદ્યાર્થીનું મોત, શહેરમાં કેવો છે માહોલ

Webdunia
મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (09:42 IST)
મોહરસિંહ મીણા

રાજસ્થાનના ઉદયપુરમાં 16 ઑગસ્ટે પરસ્પર વિવાદમાં ચાકુ લાગવાથી ઘાયલ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન સોમવારે સાંજે મોત નીપજ્યું છે.
 
ઉદયપુરના વિભાગીય કમિશનર રાજેન્દ્ર ભટ્ટ અને કલેકટર અરવિંદકુમાર પોસવાલે બીબીસીને વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરી છે.
 
16 ઑગસ્ટથી બંધ કરેલી ઇન્ટરનેટ સેવાઓને હજી વધારે 24 કલાક માટે બંધ રાખવામાં આવશે.
 
ઇન્ટરનેટ સેવા 20 ઑગસ્ટના રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે. નવા આદેશ સુધી બધી શાળા અને કૉલેજો પણ બંધ રહેશે.
 
વિદ્યાર્થીની છેલ્લા ચાર દિવસથી ઉદયપુરની મહારાણા ભૂપાલ સરકારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રાજ્ય સરકારે જયપુરથી ત્રણ ડૉક્ટરોની ટીમને ઉદયપુર મોકલી હતી.
 
ઉદયપુરના વિભાગીય કમિશનર રાજેન્દ્ર ભટ્ટે બીબીસીને ફોન પર કહ્યું, “બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. સરકાર અને વહીવટીતંત્રે બાળકનો જીવ બચાવવાના બધા જ પ્રયત્નો કર્યા.”
 
હૉસ્પિટલમાં ભારે પોલીસ બળ તહેનાત છે. હૉસ્પિટલના બધા જ દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. કલેક્ટર, એસપી સહિત બધા જ વરિષ્ઠ અધિકારીઓ હૉસ્પિટલમાં હાજર છે.
 
ઉદયપુર પોલીસ રેન્જના આઈજી અજયપાલ લાંબાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “શહેરમાં પોલીસ દળ તહેનાત છે અને લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. જે પણ ઉપદ્રવ કરવાનો પ્રયત્ન કરશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.”
 
આઈજી લાંબાએ કહ્યું, “કલમ 144 લાગુ છે. અંતિમ યાત્રામાં સામેલ થવા માટે લોકો પર કોઈ પ્રતિબંધ નથી.”
 
શું બાળકના મોત પછી માતાએ આરોપીને ફાંસી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો છે? આ સવાલના જવાબમાં કમિશનર ભટ્ટે કહ્યું, “પરિવારનું આ એકમાત્ર બાળક હતું.”
 
તેમણે કહ્યું, “આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે માતા ઇચ્છે છે કે બાળકો પર હુમલો કરનાર લોકોને કડક સજા મળે. વહીવટીતંત્ર પરિવારને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યું છે.”
 
વિદ્યાર્થીના મૃત્યુ પછી પૂર્વ ઉપમુખ્ય મંત્રી સચીન પાઇલટે સોશિયલ મીડિયા ઍક્સ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “ઉદયપુરમાં ઘટેલી ઘટનામાં વિદ્યાર્થીના મૃત્યુના દુખદ સમાચાર મળ્યા.”
 
“હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરું છું. ભગવાન મૃત આત્માને શાંતિ આપે.”
 
“આ સાથે જ હું બધાને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરું છું. સરકારે સંવેદનશીલત દર્શાવવી જોઈએ અને અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક યોગ્ય વળતર આપવું જોઈએ. પરિવારને ઝડપથી ન્યાય પણ મળવો જોઈએ.”
 
બે વિદ્યાર્થીની માથાકૂટનો મામલો શું છે?
ઉદયપુરના સોરાડપોલ થાણા વિસ્તારમાં રાજકીય ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ભટ્ટિયાની ચૌહટ્ટામાં શુક્રવારે અંદાજે સવારે સાડા દસ વાગ્યે બે વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ હતી, જે દરમિયાન એક સ્ટુડન્ટે બીજાને ચાકુ મારી દીધું હતું.
 
શિક્ષકોએ ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.
 
આ ઘટના વિશે માહિતી મળતા હિંદુવાદી સંગઠનો રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને વિરોધપ્રદર્શન કર્યું હતું.
 
દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને પથ્થરમારો કરવા લાગ્યા હતા. અનેક ગાડીઓમાં તોડફોડ કરી આગ ચાંપી દેવાઈ.
 
જે હૉસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીને દાખલ કર્યો હતો ત્યાં શનિવારે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
 
શુક્રવારે રાત્રે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું ઑપરેશન કરવામાં આવ્યું અને તેની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવાઈ રહ્યું હતું.
 
સંસદસભ્ય તથા ધારાસભ્યો પણ હૉસ્પિટલે પહોંચ્યા હતા અને ઘાયલ વિદ્યાર્થીના ખબરઅંતર પૂછ્યા હતા.
 
કૉપી-પુસ્તક માગતા વિવાદ થયો
રાજસ્થાન પોલીસના એક ઉચ્ચ અધિકારીએ નામ ન છાપવાની શરતે બીબીસીને જણાવ્યું, "બંને છોકરા એક જ ધોરણમાં અભ્યાસ કરે છે. બંનેની વચ્ચે બુકની આપલે મુદ્દે બોલાચાલી થઈ હતી, જે વકરી ગઈ હતી."
 
"એ પછી તે એકબીજાની પારિવારિક પૃષ્ઠભૂમિ સુધી પહોંચી હતી. એ પછી બંને છોકરા વચ્ચે ઝઘડો થયો અને એક વિદ્યાર્થીએ બીજા પર ચાકુથી હુમલો કરી દીધો હતો."
 
બંને વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી માથાકૂટ ચાલી રહી હતી, જેણે શુક્રવારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.
 
જોત-જોતામાં આ ઘટના પછી શહેરમાં અલગ-અલગ સ્થળોએ પથ્થરમારો, તોડફોડ તથા આગચંપીની ઘટનાઓ નોંધાઈ હતી.
 
રક્ષાબંધન, વિકેન્ડ તથા સ્વતંત્રતા દિવસને કારણે અલગ-અલગ રાજ્યોમાંથી પર્યટકો અહીં પહોંચ્યા હતા, જેઓ સલામતીને ખાતર શહેર છોડી ગયા હતા.
 
આ ઘટના વિશે માહિતી બહાર આવતા હિંદુવાદી સંગઠનોએ હાથીપોળ, દિલ્હી ગેટ, ચેતક સર્કલ સહિત અનેક વિસ્તારમાં બજારો બંધ કરાવી દીધી હતી.
 
આ વિસ્તારના એક શૉપિંગ મૉલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગાડીઓમાં તોડફોડ તથા આગચંપી પણ થઈ. ચોક્કસ ધર્મનાં સ્થાનોએ પણ ભીડે ઉપદ્રવ ફેલાવ્યો હતો.
 
આ ઘટનાના અનેક વીડિયો બહાર આવ્યા છે, જેમાં ઉગ્ર ભીડ નારેબાજી સાથે તોડફોડ કરતી નજરે પડે છે.
 
તોડફોડ અને પથ્થમારો અને શાંતિની અપીલ
આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેતા વિવાદ પણ થયો હતો.
 
જે વિદ્યાર્થી પર ચાકુ મારવાનો આરોપ છે, તેનું ઘર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોવાનું જણાવીને ઉદયપુર નગરનિગમ અને વનવિભાગની ટીમે તેના પર બુલડોઝર ચલાવી દીધું છે. આવું પોલીસની હાજરીમાં થયું છે.
 
બીબીસી સાથેની વાતચીતમાં ઉદયપુર શહેરના ભાજપના સંસદસભ્ય ડૉ. મન્નાલાલ રાવતે કહ્યું કે માહિતી મળી છે કે અહીં ગેરકાયદે કબજો કર્યા બાદ નિર્માણ કરાયું હતું.
 
ડુંગરપુર-બાંસવાડાના સંસદસભ્ય રાજકુમાર રોતે બુલડોઝર ચલાવવાની કાર્યવાહી પર સવાલ કર્યો છે.
 
રાજકુમાર રોતે બીબીસીને કહ્યું, "ઉદયપુર શહેરમાં શાળાનાં બાળકોમાં ચાકુબાજીની ઘટના નિંદનીય છે. દોષીને કાયદાકીય રીતે થતી સજા મળવી જોઈએ. આજે ભાજપ સરકારે સગીરના ઘર પર બુલડોઝર ચલાવીને ધર્મવાદનું ઝેર ઘોળવાનું કામ કર્યું છે."
 
ઉદયપુરના વરિષ્ઠ પત્રકાર ઉગ્રસેન રાવના કહેવા પ્રમાણે, "આ બાળકો વચ્ચે માથાકૂટનો મામલો હતો, જેને કોમી સ્વરૂપ આપી દેવાયું. તેમાં વહીવટીતંત્રની નિષ્ફળતા હતી, કારણ કે સવારથી જ આશંકા હતી કે માહોલ બગડી શકે છે. એટલે તત્કાળ કાર્યવાહી કરવાની જરૂર હતી, પરંતુ તેમાં ઢીલ થઈ."
 
દેશવિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો 'સરોવરોના શહેર' તરીકે ઓળખાતા ઉદયપુરમાં આવે છે. તહેવાર તથા લાંબી રજાઓના સમય દરમિયાન શહેરમાં પર્યટકોની વિશેષ ભીડ રહે છે, પરંતુ તાજેતરની હિંસા બાદ પર્યટકો પરત ફરી રહ્યા છે.
 
ચાકુબાજીની ઘટના બાદ રાજસ્થાનના માધ્યમિક શિક્ષણના ડાયરેક્ટર આશિષ મોદીએ માર્ગદર્શિકા બહાર પાડીને શાળામાં ધારદાર કે અણિવાળાં હથિયાર લાવવાં પર પ્રતિબંધ મૂક્યો છે.
 
રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ઉદયપુરના રેન્જ આઈજી સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
 
તેમણે ઉદયપુરમાં સાંપ્રદાયિક તણાવને ચિંતાજનક ગણાવીને તમામ વર્ગોને અફવા પર ધ્યાન ન આપવા તથા શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
 
તો રાજસ્થાનના મુખ્ય મંત્રી ભજનલાલ શર્માની મીડિયા ટીમે બીબીસીને મોકલેલા એક નિવેદનમાં કહ્યું કે ઉપદ્રવ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction: શોર્ટલિસ્ટેડ ખેલાડીઓમાં વધુ એક ની એન્ટ્રી, કરોડો રૂપિયાની લાગી શકે છે બોલી

Pakistan terrorist attack - પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત ગોળીબાર, અત્યાર સુધીમાં 50 લોકોના મોત

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments