કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર રેપ અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયને કોર્ટે મૃત્યુ સુધી આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સજાની જાહેરાત કરતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસે કહ્યું કે આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં નથી, તેથી આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી રહી છે.
આજીવન કેદ બાદ કોર્ટે રાજ્ય સરકારને પીડિતાના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જો કે, પીડિતાના માતા-પિતાએ કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારનું વળતર ઈચ્છતા નથી. સંજય રોયને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 64, 66 અને 103 (1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કલમો હેઠળ ગુનેગાર માટે મહત્તમ સજા મૃત્યુ અથવા આજીવન કેદ હોઈ શકે છે, પરંતુ ન્યાયાધીશે તેને આજીવન કેદની સજા ફટકારી છે.