Dharma Sangrah

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર શુ થશે અસર ?

Webdunia
બુધવાર, 27 નવેમ્બર 2024 (19:06 IST)
ભારત પર ચોમાસું ગયા બાદ ફરીથી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે. જેનું નામ ફેંગલ હશે.
 
ચોમાસા બાદ બંગાળની ખાડીમાં આ બીજું વાવાઝોડું સર્જાયું છે. આ પહેલાં ઑક્ટોબર મહિનામાં 'દાના' નામનું વાવાઝોડું સર્જાયું હતું. જે ઓડિશાના દરિયાકિનારે ટકારાયું હતું.
 
હાલ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ફેંગલ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતનાં રાજ્યોને થવાની શક્યતા છે.
 
શ્રીલંકાની પાસેથી થઈને આ સિસ્ટમ તામિલનાડુના દરિયાકિનારા પાસે પહોંચશે, જેના કારણે અહીં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ખૂબ ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતા છે.
 
આ સિસ્ટમને કારણે ભારતના અન્ય વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધે તેવી પણ શક્યતા છે.
 
કેટલાંક હવામાનનાં મૉડલો અનુસાર બંગાળની ખાડીમાંથી આગળ વધીને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે. જે બાદ ફરીથી અહીં મજબૂત બને તેવી શક્યતા છે.
 
જોકે, વાવાઝોડું કઈ તરફ જશે એ મામલે તમામ મૉડલો એક નથી અને હવામાન વિભાગે પણ હજી તેનો આગળનો ટ્રેક જારી કર્યો નથી. ગુજરાતના પાડોશી રાજ્ય સુધી તેની અસર થવાની શક્યતા છે.
 
ફેંગલ વાવાઝોડું કયા વિસ્તારો પર ત્રાટકશે?
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ વાવાઝોડું દરિયામાં છે અને દક્ષિણ ભારતના દરિયાકિનારાથી દૂર છે. આ સિસ્ટમ અઠવાડિયાના અંતમાં તામિલનાડુના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું પુડુચેરી અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટકે તેવી સંભાવના છે. જોકે આ સિસ્ટમ સતત તેનો રસ્તો બદલી રહી છે અને તમામ મૉડલો આ મામલે એકમત નથી.
 
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આ સિસ્ટમ છેલ્લા 6 કલાકોમાં 13 કિમીની ઝડપે આગળ વધી રહી છે. જેની અસર ભારતના પાડોશી દેશ શ્રીલંકા પર પણ થઈ રહી છે.
 
27 નવેમ્બરના બપોરે આ વાવાઝોડું તામિલનાડુના ચેન્નઈથી 600 કિમી જેટલું દૂર હતું. આગામી બે દિવસો સુધી તે શ્રીલંકાની પાસેથી થઈને તામિલનાડુ તરફ આગળ વધશે.
 
હવામાનનાં કેટલાંક મૉડલ દર્શાવી રહ્યાં છે કે આ વાવાઝોડું ભારતના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ધીરેધીરે વળાંક લેશે અને દરિયાકાંઠાની પાસે જ બંગાળની ખાડીમાં આગળ વધશે. જોકે, આ મામલે હજી વધારે માહિતી આગામી 24 કલાક બાદ જ સ્પષ્ટ થવાની શક્યતા છે.
 
ફેંગલ વાવાઝોડાની ગુજરાત પર અસર થશે?
ગુજરાત પર અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાની સીધી અસર થતી હોય છે, જ્યારે બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાની સીધી અસર થતી નથી.
 
જોકે, બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંની પરોક્ષ અસર ગુજરાતને થતી હોય છે. એટલે કે વાવાઝોડું ભારતના વિસ્તાર પર ત્રાટક્યા બાદ તેની નબળી પડેલી સિસ્ટમ ગુજરાત પર આવે અથવા અસર કરી શકે છે.
 
હાલનું આ વાવાઝોડું દક્ષિણ ભારતના વિસ્તારો પર ત્રાટકે તેવી સંભાવના છે અને કદાચ તેની નબળી પડેલી સિસ્ટમ અરબી સમુદ્રમાં આવે તો પણ તેની વધારે અસર ગુજરાતને થાય તેવી શક્યતા નથી.
 
હવામાનનાં કેટલાંક મૉડલો અનુસાર આ સિસ્ટમ મુંબઈ સુધી અસર કરે તેવી સંભાવના છે, તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાશે અને વાદળો જોવા મળે તેવી સંભાવના છે.
 
વાવાઝોડા કે હવામાનની બીજી સિસ્ટમો અંગે લાંબાગાળાની આગાહીમાં ફેરફારો થતા હોય છે, જેના કારણે તેની અસરમાં પણ ફેરફાર થાય છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.
 
ફેંગલ વાવાઝોડાનું નામ કોણે આપ્યું?
ભારતની આસપાસ એટલે કે ઉત્તર હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાનાં નામ કુલ 13 દેશો દ્વારા આપવામાં આવે છે.
 
જેમાં ભારત, બાંગ્લાદેશ, ઈરાન, માલદિવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલૅન્ડ, યુનાઇટેડ આરબ અમિરાત અને યમનનો સમાવેશ થાય છે.
 
આ તમામ દેશો આગામી દિવસોમાં સર્જાનારાં સંભવિત વાવાઝોડાં માટે પોતાના તરફથી નામનું લિસ્ટ મોકલાવે છે. આ તમામ નામોનું એક લિસ્ટ બનાવવામાં આવે છે.
 
આ લિસ્ટમાંથી એક બાદ એક વાવાઝોડાને નામ આપવામાં આવે છે, હાલની જે વાવાઝોડું સર્જાયું છે તેને ફેંગલ નામ આપવામાં આવ્યું છે જે સાઉદી અરેબિયાએ સૂચવ્યું છે. હવે પછી જે વાવાઝોડું સર્જાશે તેને શ્રીલંકાએ સૂચવેલું નામ આપવામાં આવશે.
 
તમામ દેશો પોતાના તરફથી 13 નામ આપે છે અને તેને 13 કૉલમમાં ગોઠવવામાં આવે છે. હાલ જે નામો આપવામાં આવી રહ્યાં છે તે 2020માં મંગાવેલા લિસ્ટમાંથી અપાય છે.

28મી નવેમ્બરે વાવાઝોડાની અસર
ફેંગલ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં 28 અને 29 નવેમ્બરે શ્રીલંકાના દરિયાકાંઠાને ઘેરી લીધા બાદ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે. જે સ્થળોએ ભારે વરસાદ થશે તેમાં ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુ સહિત તમિલનાડુના શહેરોના નામ સામેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -પ્રેમના બંને પ્રતીકો

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

આગળનો લેખ
Show comments