Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો- inspiring stories from Gandhi's life

Webdunia
સોમવાર, 30 સપ્ટેમ્બર 2024 (12:36 IST)
1) ‘તેથી એકલો આવ્યો છું’ inspiring stories from gandhi's life
ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
કોઇએ બાપુને કહ્યું, “અહીંનો અમુક નીલવર સૌથી દુષ્ટ છે. તે આપનું ખૂન કરાવવા માગે છે ને તેને માટે તેણે મારા રોક્યા છે.”
આ સાંભળીને બાપુ એક દિવસ રાત્રે એકલા પેલા ગોરાને બંગલે પહોંચ્યા ને કહેવા લાગ્યા: “મેં સાંભળ્યું છે કે મને મારી નાખવા માટે તમે ગોરાઓ રોક્યા છે, એટલે કોઇને કહ્યા 
વગર હું એકલો આવ્યો છું.”
પેલો બિચારો સ્તબ્ધ થઇ ગયો.
આ પ્રસંગથી જાણો કેવી રીતે ગાંધીજી જણાવ્યો શું છે 
 
2).સ્વચ્છતાનું મહત્વ inspiring stories from gandhi's life
બિરલા કુટુંબ સાથે ગાંધીજીને ઘણો જ ગાઢ સંબંધ હતો. દિલ્હીમાં તેઓ બિરલા ભવનમાં જ ઊતરતા. તેમના જેવા મૂડીવાદીને ત્યાં ગાંધીજી રહેતા તેથી પ્રજાના એક વર્ગને એ 
ગમતું નહીં. બિરલા ગાંધીજીનો ખોટી રીતે લાભ ઉઠાવે છે એવું પણ એ વર્ગ કહેતો. તેમને ગાંધીજી વિનોદમાં કહેતા કે, ‘હું પાકો વાણિયો છું. બિરલાજી મને વટાવી શકે એમ નથી.’
એક વાર બિરલા ભવનમાં ગાંધીજીનો વસવાટ હતો. સવારમાં તેઓ સ્નાનની તૈયારીમાં હતા. પણ નાહવાની ઓરડીમાં બિરલાજી સ્નાન કરતા હતા. તેઓ સ્નાન કરીને બહાર આવ્યા પછી ગાંધીજી અંદર ગયા. અંદર જઈને જોયું તો બિરલાજીનું ભીનું ધોતિયું પડેલું હતું. તેને બાજુએ મૂકીને સ્નાન કરવા કરતાં ગાંધીજીએ તે જાતે જ ધોઈ નાખ્યું અને પછી નાહવા બેઠા. બિરલાજીનો નોકર ધોતિયું લેવા આવે તે પહેલાં તો દ્વાર બંધ થઈ ગયેલું. ગાંધીજીએ પોતાનો કચ્છ પણ જાતે જ ધોઈ નાખ્યો. એ બંને કપડાં લઈ તેઓ બહાર આવ્યા અને દોરીએ સૂકવતા હતા તે દરમિયાન બિરલાજી ઉતાવળા આવી પહોંચ્યા :
‘અરે બાપુ ! બાપુ ! આ શું કરો છો ?’ કહી પોતાનું ધોતિયું ગાંધીજીના હાથમાંથી ખેંચવા લાગ્યા. આ બનાવથી તેમને માઠું લાગ્યું.
ધોતિયું સૂકવતા સૂકવતા ગાંધીજી બોલ્યા : ‘મેં ધોયું તેથી બગડી શું ગયું ? અંદર પડેલું હતું. તેના પર કોઈનો મેલો પગ પડે તેના કરતાં ધોઈને સ્વચ્છ કર્યું એ તો સારું જ થયું ને ?’
‘બાપુ…..’ બિરલાજી ગણગણ્યા. ગાંધીજી જેવા મહાપુરુષે પોતાનું ધોતિયું ધોયું તેનો ખેદ અને નાહવાની ઓરડીની તરત સાફ કરવાની બેદરકારી માટે બિરલાજીને પશ્ચાત્તાપ થવા લાગ્યો. શું બોલવું તે તેમને સમજાયું નહીં. પછી થોડી વારે તેઓ બોલ્યા : ‘આટલો બધો કામનો બોજો હોવા છતાં બાપુ ! તમે એ શા માટે ધોયું ?’
ગાંધીજી : ‘જીવનમાં સ્વચ્છતાના કાર્ય સિવાય વળી બીજું મોટું કાર્ય કયું ?’
બિરલાજી શું બોલે ?
સ્વચ્છતા વિશે ગાંધીજીના કડક આગ્રહનો ખ્યાલ બિરલાજીને હતો જ પણ સ્વચ્છતાની આટલી ઊંચી માત્રાનો અનુભવ તો આ પ્રસંગે જ થયો.
3.
મનુબહેન ગાંધી
નોઆખલી ને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી 1947ની 30મી માર્ચના રોજ બાપુજીને લૉર્ડ માઉંતબૅટનને મળવા જવાનું થયું. વાઇસરૉયે તો બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. પણ “જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય?” એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો. અને “ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, એટલે હું તો આગગાડીમાં જ આવીશ.” એવો નિશ્ચય કર્યો.
ગરમી અસહ્ય હતી. ચોવીસ કલાકનો રસ્તો હતો. એમણે મને બોલાવીને કહ્યું; “ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો.”
 
મેં સામાન તો ઓછામાં ઓછો લીધો. પણ સ્ટેશને સ્ટેશને બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીયે એમને આરામ નહીં મળે; આમ વિચારીને મે બે ખાનાંવાળો ડબ્બો પસંદ કર્યો.એકમાં સામાન રખાવ્યો અને બીજામાં બાપુજીને સૂવાબેસવાનું રાખ્યું.
પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9-30 વાગ્યે ઊપડે. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. હું બીજા ખાનામાં જઇ સામાન ખોલી બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઇ. થોડી વારે બાપુજીવાળા ખાનામાં આવી. બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું.”ક્યાં હતી?” મેં કહ્યું, “અહીં ખાવાનું તૈયાર કરતી હતી.” તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો:”આ બીજા ખાનાનું તેં કહ્યું હતું ?”
મેં કહ્યું :”હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું-સ્ટવ પર દૂધ ગરમ કરું,વાસણો સાફ કરું, તેથી આપને તકલિફ પડશે એમ જાણીને મેં બીજા ખાનાનું કહ્યું.” “કેવો લૂલો બચાવ છે ! આંધળો પ્રેમ તે આનું નામ. એક સ્પેશિયલ પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઇ પડે? એ મને કેમ પોસાય? હું જાણું છું કે તું આ 
બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઇને કરે છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી, એ તારે સમજવું જોઇએ. અને સમજી હો તો હું તને કહી રહ્યો છું અને તારી આંખમાંથી પાણી પડી રહ્યાં છે તે ન પડવાં જોઇએ. હવે એનું પ્રાયશ્ચિત્ત એ જ કે, તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન-માસ્તરને મારી પાસે બોલાવજે.”
હું તો થરથર કાંપતી હતી. સામાન તો ખસેડ્યો, પણ અમને બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે?વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ !જેટલું ઘરમાં બેઠાં કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે !
અંતે સ્ટેશન આવ્યું. સ્ટેશન-માસ્તરને બોલાવ્યા. બાપુજીએ એને મારું પરાક્રમ કહ્યું કે, “આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે. હજુ મને કદાચ સમજી નહીં હોય, 
તેથી જ આ બે ખાનાં પસંદ કર્યાં.એમાં એનો દોષ નથી. દોષ મારો જ. મારી કેળવણી એટલી અધૂરી હશે ને? હવે મારે અને એણે બંની પ્રાયશ્ચિત્ત કરવું રહ્યું. એટલે આ ખાનું ખાલી 
 
કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પૅસેંજર લટકે છે તેને માટે કરો; તો જ મારું દુ:ખ હળવું થશે.”
સ્ટેશન-માસ્તરે ઘણી આજીજી કરી,પણ બાપુજી ક્યાં માને તેવા હતા? સ્ટેશન-માસ્તરે ત્યાં સુધી કહ્યું કે, “હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી લઉં.”
 
બાપુએ કહ્યું:’બીજો ડબ્બો તો જોડવો જ જોઇએ, પણ આનો ઉપયોગ કરી લો. જે ન જોઇતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું, તેમાં હિંસા છે. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો?” બિચારા સ્ટેશન-માસ્તર ઝંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું.
 
 
4) નાની નાની બાબતો
 
એક દિવસ ચંપારણથી બાપુનો પત્ર આવ્યો. અમારો આશ્રમ તે વખતે કોચરબમાં ભાડાના બંગલામાં હતો. પત્રમાં લખ્યું હતું:
 
“હવે ત્યાં વરસાદ શરૂ થયો હશે, નહીં થયો હોય તો થશે. હવાની દિશા હવે બદલાઇ જશે. એટલે આજ સુધી જે ખાડાઓમાં પાયખાનાના ડબા ખાલી કરતા તેમાં ન કરવા. નહીં તો એ દિશામાંથી દુર્ગંધ આવવાનો સંભવ છે. એટલે જૂના ખાડા પૂરી દઇને અમુક જગ્યાએ નવા ખાડા ખોદવા.”આ પત્રની મારા મન પર ઊંડી અસર થઇ. બાપુ ચંપારણમાં તપાસનું કામ કરે છે, છતાં આશ્રમની આવી નાની નાની બાબતોની પણ કાળજી રાખે છે !‘જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુધ્ધમાં વિજયી થાય છે.’ એ મતલબનાં નેપોલિયનનાં વચનો મને યાદ આવ્યાં.
5) ગાંધીજી અને બાળકો
ગાંધીજીનું જીવન બાળકોના જેવું નિર્દોષ, સાદું અને નિષ્પાપ હતું. બાળકોની વચ્ચે તેઓ બેઠા હોય કે તેમની સાથે ફરતા હોય ત્યારે તેઓ મહાત્મા છે એવું કોઈને લાગતું પણ ન હતું. રાષ્ટ્ર અને દુનિયાના જટિલ સવાલોનો બોજો તેમના શિરે હંમેશાં રહેતો છતાં બાળકોની હાજરીમાં તેઓ આનંદી અને હસમુખા જ જણાતા હતા. સંધ્યાસમયે ફરવા જવાનો ગાંધીજીનો ખાસ નિયમ હતો. તે વેળા બાળકો સાથે ગમ્મત કરવાની તક ગાંધીજી જવા દેતા નહીં.હંમેશા મુજબ ગાંધીજી એક વાર સાંજે ફરવા નીકળ્યા હતા. તેમની સાથે એક સ્ત્રી પોતાનું નાનું બાળક હાથમાં લઈને ફરતી હતી. સાથે તેનો બીજો બાળક પણ પાછળ પાછળ ચાલતો હતો. ચાલતાં ચાલતાં પેલી સ્ત્રીના હાથમાંનું બાળક રડવા લાગ્યું. તેને છાનું રાખવા પેલી સ્ત્રીએ માતાની બધી કળા અજમાવી પણ બાળક રડતું બંધ થયું નહીં ! એટલે ગાંધીજીનું ધ્યાન તે તરફ ગયું. બીજા એક અંતેવાસીને પોતાની લાકડી સોંપી ગાંધીજીએ માતા પાસેથી બાળક પોતાના હાથમાં લઈ લીધું. બાળકના મૃદુ ગાલ પર ગાંધીજીએ 
વહાલથી પોતાનો હાથ ફેરવ્યો અને પ્રેમભરી આંખે બાળક તરફ જોઈ હસવા લાગ્યા. બાળક શાંત થયું અને ગાંધીજીના વાત્સલ્યનો જાણે જવાબ આપતું હોય તેમ સ્નેહનીતરતી ગાંધીજીની આંખો તરફ જોઈને હસવા લાગ્યું. માતૃત્વનો આવો ગુણ જોઈ પેલી સ્ત્રી ગાંધીજી તરફ આશ્ચર્યમુગ્ધ થઈને જોઈ રહી હતી ત્યાં પાછળ ચાલતો બીજો બાળક ગાંધીજી પાસે દોડી આવ્યો અને ગાંધીજીનો એક હાથ પકડી ફૂલો હતાં ત્યાં ખેંચી ગયો. ફૂલોની નજીક જઈને તે બાળક બોલ્યો : ‘બાપુ ! આ કેવાં સુંદર ફૂલો છે !’
ગાંધીજી : ‘હા, ઘણાં જ સુંદર ફૂલો છે.’
એટલામાં ત્યાંથી પસાર થતા એક કૂતરા તરફ બાળકનું ધ્યાન ગયું. તેને જોઈ તે બોલી ઊઠ્યો : ‘બાપુ ! પેલો કૂતરો જાય છે.’
ગાંધીજી : ‘હા, એ કૂતરાને જોયો.’
બાળક (કુતૂહલથી) : ‘બાપુ ! એને પૂંછડી પણ છે !’
ગાંધીજી : ‘હેં હેં ! એને પૂંછડી પણ છે ? તને પૂંછડી છે કે ?’
ગાંધીજીના અજ્ઞાન પ્રત્યે જાણે હસતો હોય તેમ બાળક બોલ્યો : ‘બાપુ ! તમે તો ઘણા મોટા થયા છો અને એટલું પણ નથી સમજતા કે માણસને પૂંછડી હોતી નથી ! તમે તો કંઈ જ જાણતા નથી.’
ગાંધીજી વિશેનો બાળકનો અભિપ્રાય સાંભળી આખી મંડળી હસી પડી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકન પોલીસની કસ્ટડીમાં, જાણો શું છે ભારતની માંગ?

માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે

જેના મૃત્યુ પર તેઓ શોક વ્યક્ત કરી રહ્યા હતા તે જીવતો પાછો ફર્યો ત્યારે પરિવાર ડરી ગયો

બહેનની ડોલી પહેલાં ભાઈની અર્થી ઉઠી, લગ્નમંડપમાં જતાં બદમાશોએ તેને ઘેરી લીધો

Maharashtra Election: રાહુલ ગાંધીનો મોટો આરોપ, બોલ્યા - મહારાષ્ટ્રના પ્રોજેક્ટ છીનવીને બીજા રાજ્યને આપ્યા

આગળનો લેખ
Show comments