જાણો શું છે સ્ટોરી? નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશને બનાવેલી આ ફિલ્મ ત્રણ પાત્રોની પૅરૅલલ સ્ટોરી રજૂ કરે છે અને તેઓ એકબીજા સાથે કોઈ રીતે રિલેટ થતાં નથી. પપ્પુ (શામજી કેરસિયા) ટ્રક-ડ્રાઇવર છે અને માંડ-માંડ તેના પરિવાર માટે રોજીરોટી રળે છે. ઍક્સિડન્ટમાં ટ્રક-ડ્રાઇવર જાન ગુમાવે તો સારું વળતર મળે છે એવી જાણ થતાં તે ખોટેખોટો ઍક્સિડન્ટ કરીને પોતાને મારી નાખવા માગે છે જેથી તેના પરિવારને વીમા-કંપની પાસેથી મોટી રકમનું વળતર મળી શકે. કિરણ (સોનાલી કુલકર્ણી) અને ડેવિડ (અજય ગેહી) કારમાં જઈ રહ્યાં છે અને હાઇવે પર એક ઢાબા પર ડેવિડ સિગારેટ લેવા ઊતરે છે ત્યારે તેમનો આઠ વર્ષનો પુત્ર આદિત્ય (કેવલ કાત્રોદિયા) અચાનક કારમાંથી ઊતરીને ખોવાઈને પપ્પુની ટ્રકમાં ચડી જાય છે. ડેવિડ અને કિરણ તેને આખી રાત અને દિવસ શોધે છે. પૂનમ (પૂનમ રાજપૂત) નામની નાની છોકરી તેની દાદીના ઘરે જવા નીકળી હોય છે અને તે બસ ચૂકી જતાં હાઇવે પર એક એવી જગ્યાએ પહોંચી જાય છે જે દેહવ્યાપાર કરતી મહિલાઓનો અડ્ડો હોય છે. આમ એક જ હાઇવે પર ત્રણ પાત્રોને નજરમાં રાખીને લખવામાં આવેલી સ્ટોરીમાં આ હાઇવે તેમને માટે સારો પુરવાર થાય છે.
કચ્છનું સુંદર ચિત્રણ આ ફિલ્મમાં કચ્છનું સુંદર રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને બન્નીના રણનાં દૃશ્યો ઝીલવામાં આવ્યાં છે. મોટા ભાગનું શૂટિંગ કચ્છના ભિરાંદિયાર ગામ પાસે કરવામાં આવ્યું છે.
ચમકારા € ૧૯૯૩માં ઉપેન્દ્ર ત્રિવેદી દ્વારા અભિનીત અને પન્નાલાલ પટેલની વાર્તા પરથી બનાવવામાં આવેલી ફિલ્મ ‘માનવીની ભવાઈ’ને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો અને એનાં ૨૦ વર્ષ બાદ આ ગુજરાતી ફિલ્મને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો.
€ આ ગુજરાતી ફિલ્મમાં અંગ્રેજીમાં સબ-ટાઇટલ્સ આપવામાં આવ્યાં હતાં.
€ ફિલ્મ જુલાઈ મહિનામાં રિલીઝ થઈ હતી અને એને મોળો પ્રતિસાદ મળ્યો હતો. એ વખતે મોટા ભાગનાં થિયેટરોમાં કાગડા ઊડતા હતા. અનેક શો કૅન્સલ કરવા પડ્યા હતા અને ફિલ્મ એક અઠવાડિયું પણ નહોતી ચાલી.
મુંબઈમાં વિરોધ આ ફિલ્મમાં ટીનેજ છોકરીઓને પ્રોસ્ટિટ્યુટ તરીકે દર્શાવવામાં આવી હતી અને જ્યારે આ ફિલ્મ મુંબઈમાં રિલીઝ થઈ ત્યારે કચ્છના લોકોએ એનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ રીતે ટીનેજ છોકરીઓ કચ્છમાં પ્રોસ્ટિટ્યુટ નથી હોતી. આ ફિલ્મના આવા ઘણા સીન મુખ્ય સ્ટોરીલાઇન સાથે મેળ ખાતા નહોતા એને દૂર કરવા જોઈતા હતા.
અશ્લીલ સંવાદોને કારણે ઍડલ્ટ ફિલ્મ આ કદાચ પહેલી ઍડલ્ટ ગુજરાતી ફિલ્મ હતી. જોકે એમાં સેક્સ જેવું કાંઈ જ નહોતું પણ એનાં વિવિધ પાત્રો દ્વારા બોલવામાં આવતી ભાષા અશ્લીલ હતી. વાર્તા આઠ વર્ષના આદિત્ય નામના બાળકની આસપાસ ફરે છે, પણ એમાં એક ડઝનથી વધુ ટીનેજ છોકરીઓને પ્રોસ્ટિટ્યુટ દર્શાવવામાં આવી છે અને તેમને ખૂબ જ ગંદી ભાષામાં વાતચીત કરતી દર્શાવાઈ છે.