જૂનાગઢના પત્રકાર કિશોરભાઇ દવેની કરાયેલ નિર્મમ હત્યાને ગોંડલ પત્રકાર સંઘે સખ્ત શબ્દોમાં વખોડી આકરી સજા આપવા માંગ કરીને કહ્યું છે કે રાજય સરકારે આ અંગે ગંભીરતા દાખવવી જરૂરી બન્યું છે. તો બીજી બાજુ અમદાવાદમાં પણ પત્રકારો દ્વારા આ હત્યાને લઈને ગાંધી આશ્રમ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અને પત્રકારોની સુરક્ષાની માંગણી કરી હતી. આશરે 85 જેટલા પત્રકારોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
વધુ વિગતે જોતાં જૂનાગઢનાં પત્રકાર કિશોર દવેની હત્યાનો ભેદ પોલીસે ગણતરીનાં જ કલાકોમાં ઉકેલી અને ચોબારીનો ફિરોજ હાણા, મોરબીનો આનીફ અને જૂનાગઢના સંજય નામનાં શખ્સોની ધરપકડ કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે. જૂનાગઢના પત્રકાર કિશોરભાઇ દવેની સોમવારની રાત્રે હત્યા કરીને અજાણ્યા શખ્સો નાસી ગયા હતાં. આ હત્યામાં પોલીસે મૃતક પત્રકારનાં ભાણેજ યજ્ઞેશ રમેશભાઇ ભટ્ટની ફરીયાદ લઇ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ને તપાસ હાથ ધરી હતી. ડીવાયએસપી એ. વી. ગળચરનાં માર્ગદર્શન હેઠળ બી. ડીવીઝન પી. આઇ. એમ. એમ. મકવાણા અને એસ. ઓ. જી. પી. એસ. આઇ. એન. એસ. ગોહીલ વગેરેની તપાસ ટીમ રચી હત્યારાઓ સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી હતી. એસ. પી. શ્રી જાજડીયાનાં માર્ગદર્શનમાં તેમની પોલીસ ટીમોએ મોડી રાત્રે મહત્વની સફળતા હાંસલ કરીને ગણતરીનાં જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. જાજડીયાએ જણાવેલ કે, પકડાયેલા શખ્સો અન્ય ગુનામાં સંડોવાયા છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે અને કિશોર દવેની હત્યાની વધુ તપાસ માટે ત્રણેય જણાને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ ઉપર મેળવવામાં આવશે.