ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના પરિણામ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં એક સાથે જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યનું કુલ પરિણામ 79.3 ટકા જાહેર કરાયું છે. જેમાં સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લામાં અને સૌથી ઓછું લીમખેડાનું રહ્યું છે.આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થી સામે મેદાન મારી ગઈ છે. આજે જાહેર થયેલાં પરિણામમાં વિદ્યાર્થિનીઓનું કુલ પરિણામ 80.97 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું કુલ પરિણામ 77.97 ટકા આવ્યું છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. માર્ચ 2016માં લેવાયેલી ધો.12 સાયન્સની પરીક્ષામાં આ વર્ષે રાજ્યભરમાંથી 1.38 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટ માટે 67,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.. આ વર્ષે ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય ઝડપથી પૂર્ણ કરવાનું બોર્ડ દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા 22મેએ જાહેર થનાર સામાન્યપ્રવાહના પરિણામની તારીખ રવિવાર હોવાના કારણે બદલવામાં આવી છે અને ધોરણ 10નું પરિણામ 24મેના રોજ જાહેર કરાયું છે. ત્યારબાદ ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થતાં જ હવે ઇજનેરી અને મેડિકલ કોલેજોમાં પ્રવેશનો ધમધમાટ શરુ થશે. સાયન્સમાં બી ગ્રુપ રાખનારા વિદ્યાર્થીઓ માટે જોકે લટકતાં ગાજર જેવી સ્થિતિ સર્જાશે કારણ કે નીટ વિના તેમણે મેડિકલમાં પ્રવેશ મળનાર નથી ત્યારે ગુજકેટના પરિણામનો કોઈ અર્થ રહેતો નથી.