ગુજરાતમાં પાકિસ્તાનમાંથી દરિયાઈ માર્ગે થઈ રહેલી ઘૂસણખોરીના સમાચારોને લઈને સુરક્ષા કર્મીઓ સચેત થઈ ગયાં છે. ત્યારે મૂળ પાકિસ્તાનનો એક પરિવાર છેલ્લા 13 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ઇસનપુર ગામ રહેવા લાગ્યો હતો. આ પરિવારના છેલ્લા વીઝા નીકળ્યા ત્યારે તેમને મોરબી જિલ્લા પૂરતા જ વીઝા આપવામાં આવ્યા હતા. ત્યારે આ પરિવાર પોલીસને જાણ કર્યા વિના છેલ્લા 20 દિવસથી ગાંધીધામમાં પોતાના સગા સબંધીને ત્યાં રહી રહ્યા હતા. જે અંગેની જાણ થતાં ગાંધીધામ પોલીસ મથકે 7 શખ્સો સામે ફરિયાદ થઇ હતી. આથી મોરબી એસ.ઓ.જી.પોલીસે સાત શખ્સોને ઝડપી પાડી હળવદ પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતાં. કચ્છ રણની સરહદે હળવદ તાલુકો આવેલો છે. આથી પાકિસ્તાન સાથે સરહદે રહેતા લોકોનો સંબંધો વિકસ્યા હોય છે. મોરબી એસ.ઓ.જી. પી.એસ.આઈ. જે.પી.ધોળીની ટીમે પરિવારના દામુનભાઈ હીરાભાઈ, વાનીબેન દામુનભાઈ, કિશોરભઈ દામુનભાઈ, રવિભાઈ દામુનભાઈ, કૈલાશબેન દામુનભાઈ, અવિનાશ દામુનભાઈ, વાસ્તો જીવણભાઈની અટકાયત ગાંધીધામથી કરી હતી. ત્યારબાદ આ શખ્સોને હળવદ પોલીસના હવાલે કરી દીધા હતાં. જોકે દેશની સુરક્ષાને અસર કર્તા હોવાનું ધ્યાને લઇને વીઝા ન હોવા છતાં મોરબી જિલ્લો છોડવા બદલ સાતેય શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે તમામ સામે પૂછપરછ કરીને કેમ જિલ્લો છોડ્યો તે અંગેની વિગતો મેળવવા પોલીસે ધમધમાટ શરૂ કરૂ દીધો છે.