અમેરિકામાં ન્યૂ ઓર્લિયન્સની વિખ્યાત બોર્બન સ્ટ્રીટમાં નવા વર્ષની ઉજવણી ચાલતી હતી ત્યારે લોકોનાં ટોળાંમાં એક ટ્રક ધસી આવ્યો અને લોકોને કચડી નાખ્યા.
પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાં છે અને 35 લોકો ઘાયલ થયા છે.
પોલીસનું કહેવું છે કે ડ્રાઇવરે ઈરાદાપૂર્વક ટ્રકને ભીડમાં ઘુસાડી દીધી અને પછી વાહનની અંદરથી ગોળીબાર શરૂ કર્યો હતો. અમેરિકન મીડિયા મુજબ શંકાસ્પદ ટ્રક ડ્રાઇવરને પોલીસે ઠાર માર્યો છે.
સ્થાનિક પોલીસવડા એની કિર્કપેટ્રિકે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ ખૂબ જ ઝડપથી પીકઅપ ટ્રક ચલાવી રહી હતી અને શક્ય તેટલા લોકોને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી હતી.
તેમના જણાવ્યા મુજબ, "આ ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 3:15 વાગ્યે બની હતી. ટ્રકે સૌથી પહેલા બેરિકેડ પર ટક્કર મારી અને પછી ગોળીબાર કર્યો અને બે પોલીસ અધિકારીઓને ઘાયલ કર્યા."
હવે એફબીઆઈ આ ઘટનાની તપાસ કરે છે અને આ આતંકવાદી હુમલો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
દરમિયાન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, "હું પહેલેથી કહેતો હતો કોઈ બહારથી આવતા ગુનેગારો આપણા દેશના ગુનેગારો કરતા ખતરનાક છે, પરંતુ ડેમોક્રેટ્સ અને બનાવટી ન્યૂઝ મીડિયા મારી વાત માનતા ન હતા. હવે મારી વાત સાચી સાબિત થઈ છે."