દિવાળીના તહેવારો નજીક આવતાં જ શહેરના બજારોમાં મુખવાસની અનેક વરાયટી જોવા મળી રહી છે. પરંતુ ગત વર્ષની તુલનાએ આ વર્ષે મુખવાસના ભાવોમાં સીધો ૩૦ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. ગત વર્ષે જ નહીં બે માસ પૂર્વે મુખવાસનો ભાવ રૂ.ર૦૦થી ૪૦૦ વચ્ચે પ્રતિ કિલો હતો જે વધીને હવે રૂ.૪૦૦ થી ૬૦૦ સુધી પહોંચી ગયો છે. બેસતું વર્ષ, ભાઇબીજ, લાભપાંચમ સહિતના દિવાળીના તહેવારોમાં મહેમાનોને મ્હોં મીઠું કરાવ્યાની ટ્રેડિશન મુજબ ત્યારબાદ મુખવાસ આપવાનું ચલણ પ્રચલિત છે. તેથી જ દિવાળીના આગમનની સાથે જોધપુરી, જયપુરી, કલકત્તી, આમળાં, પાન, ગોટલી સહિતના અનેકવિધ મુખવાસ બજારમાં મળે છે. હાલમાં સ્વીટ આમળાં, સોલ્ટેડ, ચોકલેટી આમળાં, હીંગવટી, ખારેક, દ્રાક્ષાદિવટી, સૂંઠ અળસી, જામનગરી મુખવાસ, પાન ચોકલેટ, પાન પિપર કલકત્તી પાન ટુકડા, અજમા-સવા મિકસ, અમદાવાદી મિકસ, રોસ્ટેડ પાન, પંજાબી મિકસ સહિતના મુખવાસની વરાઇટી બજારમાં મળી રહી છે. આ અંગે શોભા મુખવાસ સેન્ટર, નારણપુરાના મુખવાસનું વેચાણ કરતાં શોભાબહેન રાવલ જણાવ્યું હતું કે, મુખવાસ આ વર્ષે થોડા મોંઘા હોવાનું કારણ રો-મટીરિયલ મોંઘું હોવાનું છે. ઉપરાંત સિઝન બાદ લાંબો સમય મુખવાસ ટેસ્ટમાં સારો રહી શકે નહીં. જેથી સિઝન પછી થનારા મુખવાસના નુકસાનની ગણતરી કરવી પડે. હાલમાં ખારા મુખવાસનું વધુ વેચાણ થઇ રહ્યું છે. ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ વગેરે રોગ ધરાવતા લોકો માટે મીઠાઇ અને ફરસાણની માફક આર્યુવેદિક મુખવાસ પણ બજારમાં ઉપલબ્ધ છે.