Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભાની ચૂંટણી સુધી ભાજપાના કોંગ્રેસને જોર કા ઝટકા જોર સે આપવાના આયોજન

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2014 (12:51 IST)
P.R
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજયસભાની ચૂંટણીના માહોલમાં જ એવો ફટકો મારી દીધો છે જેની કળ કમસેકમ લોકસભાની ચૂંટણી સુધી કોંગ્રેસને નહીં વળે. કોંગ્રેસના બોલકા ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડના કેસરિયા સાથે જ નવેસરથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મિશન 'કોંગ્રેસ સબોટેજ'ની શરૂઆત થઇ ગઇ છે. હવે જીપીપીના નામના જ રહ્યા છે તેવા ધારાસભ્ય નલિન કોટડિયાને પણ ભાજપમાં સત્તાવાર રીતે લઇ અવાશે. તે પછી કોંગ્રેસના રાઘવજી પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. તે સાથે કેટલાક સહકારી અગ્રણીઓ પણ ભાજપના નિશાના પર છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસને હરાવવાની આ પક્ષાંતરની ચાલથી ભાજપની છાવણી ફોર્મમાં છે તો કોંગ્રેસ માટે મ્હોં સંતાડવા જેવી સ્થિતિ છે. મોદી જેમને સીધો સંપર્ક કરીને લઇ આવ્યા તેવા ઉંધાડના ભાજપ પ્રવેશથી કોંગ્રેસને ફટકો તે નવી વાત નથી પરંતુ ભાજપ અમરેલી જિલ્લામાં ફરી પક્કડ મજબૂત બનાવશે અને એક નવો પાટીદાર ચહેરો ભાજપ માટે કામ કરશે તે ગણિત કોંગ્રેસને ભારે પડી શકે છે.

જે ઉંધાડે ભરી વિધાનસભામાં પેટ ભરીને મોદીને તાનાશાહ કીધા હતા અને ભાજપના ધારાસભ્યોને નૈતિકતા વગરના કહ્યા હતા તેમને ભાજપમાં લીલા તોરણ બાંધીને પાછા લેવાયા છે. કોંગ્રેસમાં કોઇ ટકતું કેમ નથી તેવો સવાલ ઉભો થાય છે તો ભાજપને ચૂંટણી પહેલા કોંગ્રેસીઓને કેમ લેવા પડે છે તે પણ પ્રશ્ન છે. લોકસભાની ચૂંટણીને માંડ ત્રણ મહિના પણ રહ્યા નથી ત્યારે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ભાજપમાં જતા રહે તે કોંગ્રેસના કાર્યકરો માટે મોરલ તોડવા સમાન ઘટના છે. તો ભાજપને પણ ચૂંટણી વખતે કોંગ્રેસના નેતાઓની જરૂર પડે જ છે સ્પષ્ટ થઇ ગયું છે. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા આવી જ રીતે કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય તેવા નરહરિ અમીન, વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા વિગેરે ભાજપમાં જોડાઇ ગયા હતા. તાજેતરમાં કેશુભાઇના પુત્ર ભરત પટેલ પણ ભાજપમાં જોડાઇ ગયા છે. ચૂંટણીઓ વખતે જીત નિશ્વિત કરવા ભાજપ પણ કેટલી હદે બાંધછોડ કરે છે તેનું પણ આ ઉદાહરણ છે.

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને હતપ્રભ કરવા માટેની આ ચાલથી ભાજપના કેટલાક અગ્રણીઓ પણ બાજુમાં મૂકાઇ જશે તેવી શકયતા છે. ખાસ કરીને ગત વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી દ્વારા કથિત રીતે સરકારી લાભ લેવામાં જે સગાવાદ ચલાવવામાં આવ્યો હતો અને તે પછી તેઓ હારી ગયા હતા તેના કારણે ભાજપની ઇમેજને ભારે ફટકો પડયો હતો. અહીં કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી સામે ભૂતકાળમાં પરસોતમ રૂપાલા પણ હારી ગયેલા છે. રૂપાલા છેલ્લા કેટલાક વખતથી રાષ્ટ્રીય કક્ષાએ નેતા તરીકે ઉભર્યા છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં મોદી માટે પ્રચાર કરવામાં તેઓ અગ્રેસર હતા. રાજયસભાના ત્રણ ઉમેદવાર જાહેર કરાયા તેમાં પણ તેમનું નામ કટિંગ થઇ ગયું છે. તેમણે રાજયસભામાં રિપિટ થવા ભરચક પ્રયાસ અને લોબિંગ કર્યું હતું તે વાત ખુદ ભાજપના વર્તુળોમાં જ ચર્ચામાં રહી હતી. આ સ્થિતિમાં તેમને બાજુએ મૂકીને ઉંધાડને આગળ કરાયા છે. અમરેલી વિસ્તાર અને પટેલ સમાજ એ બન્નેમાં ભાજપનું પ્રતિનિધિત્વ બાવકુ ઉંધાડ વધુ સ્વીકાર્ય બનાવશે તેવી ગણતરી રહેલી છે. તે સાથે ભાજપમાંથી સાઇડલાઇન કરાયા છે તેવી અટકળો ચાલી રહી છે તેવા રૂપાલા અને સંઘાણીને પણ કટ ટુ સાઇઝ કર્યા હોવાનો સંકેત આપી દેવાયો છે.

ઉંધાડને ભાજપ પ્રવેશ પછી ફરી વાર લાઠી વિધાનસભામાંથી જ ચૂંટણી લડશે અને તે પછી તેઓ જીતે તો તેમને ફરીથી મંત્રી બનાવાય તેવી શકયતા વધુ છે. તે સાથે વિધાનસભામાં ભાજપને જે બહુમતી મળી છે તેનો ઉપયોગ રાજકીય તડજોડ કરવામાં અને પાટલી બદલુઓને લલચાવવા માટે કેવો થાય છે તેનો પણ આ દાખલો છે. લોકતંત્ર કે ગણતંત્રમાં ચૂંટણી જીતવા માટેની આ રાજરમત આમ આદમીને ઝડપથી સમજાય તેમ નથી પરંતુ દર વખતે એકની એક ચાલ સફળ થશે કે કેમ તે સમય જ કહેશે. જો કે આગામી લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં ઉંધાડનો મહતમ ઉપયોગ કરવામાં આવશે. ટૂંક સમયમાં તેમના માટે એક સંમેલન પણ યોજાશે.

૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ધીમે ધીમે કેશુભાઇ પટેલ સહિત અનેક ધારાસભ્યો પણ તેમના વિરોધી બન્યા હતા. તે સમયે સુરતમાં પાટીદાર સમાજના નેજા હેઠળ એક વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં તે વખતના કેશુભાઇ જૂથના વર્તમાન ધારાસભ્યો અને અગ્રણીઓ બાલુભાઇ તંતી, ધીરૂ ગજેરા, જીવરાજ ધારૂકાવાળા, રમિલાબહેન દેસાઇ, બેચર ભાદાણી અને બાવકુ ઉંધાડ સહિત અનેક પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મોદીના વિરોધમાં હતા. પૂર્વ સાંસદ ડો. એ. કે. પટેલનો પણ તે સમયે સમાવેશ થયો હતો. સુરતમાં એક લાખ જેટલા પટેલ સમાજના લોકો આવ્યા હતા. જેને કેશુભાઇનું શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવતું હતું પરંતુ રાબેતા મુજબ કેશુબાપા અહીં પણ છેલ્લી ઘડીએ આવવામાં પ્લેન મોડું પડયું તેમ કહીને ફસકી પડયા હતા. તે વખતે ભાજપમાં રહેલા પણ કેશુભાઇ જૂથના ગણાઇ ગયેલા આ અગ્રણીઓની હાલત કફોડી થઇ ગઇ હતી. તે પછી ઉંધાડ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. તે પછી કોંગ્રેસ દ્વારા આ અગ્રણીઓમાંથી અનેકને વિધાસભાની ટિકિટ પણ આપવામાં આવી હતી પરંતુ બાવકુભાઇ જ તેમાં ચૂંટાઇ શકયા હતા.

કોંગ્રેસમાં મોટા માથાની આવનજાવન નવી વાત નથી. જો કે કોંગ્રેસના વર્તુળો એમ કહી રહ્યા છે કે, જેટલા ભાજપ, રાજપા કે જનતા દળમાંથી આવ્યા હતા તે વહેલા-મોડા જતાં રહેશે તે નિશ્વિત છે. ભાજપ, જનતા દળ કે રાજપાના હોય અને કોંગ્રેસ છોડી દીધી હોય તે યાદીમાં વિઠ્ઠલ રાદડિયા, નરહરિ અમીન, મણિભાઇ પટેલ, ગીરીશ પરમાર, માધુભાઇ ઠાકોર અને ઉંધાડ સહિત અનેક મોટા માથાનો સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતાઓ જો કે હજુ પણ સબસલામત હોવાનું જ માની રહ્યા છે. તેમના કહેવા મુજબ કોંગ્રેસની વિચારધારામાં નહીં માનતા હોય તેમની આવનજાવનથી કોઇ ફરક પડતો નથી. ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્તરે પણ શરદ પવાર, વી. પી. સિંહથી લઇને અનેક દિગ્ગજો કોંગ્રેસ છોડી ગયા હતા છતાં કોંગ્રેસ સત્તામાં છે.

બાવકુ ઉંધાડ સરકાર પર તેમના તીખા પ્રહારો માટે જાણીતા છે. ખાસ કરીને વિધાનસભા અને કોંગ્રેસના જાહેર કાર્યક્રમોમાં પણ તેઓ વર્ષોથી ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને શાબ્દિક હુમલો કરતા હતા. મોદીને તાનાશાહ કહેવાથી લઇને ભાજપના ધારાસભ્યોને મજબૂર કહેનારા ઉંધાડને હવે માતૃપક્ષ માટે મમતા જાગી છે અને મોદી વડાપ્રધાન બને તેને ગૌરવરૂપ ગણાવે છે. તેમણે અગાઉ કરેલા સંખ્યાબંધ ઉચ્ચારણો એવા કર્યા હતા જે સાંભળીને વિધાનસભા ગૃહમાં ભાજપના સભ્યો રીતસર ઉશ્કેરાઇ જતા હતા. જો કે ઉંધાડ માતૃપક્ષમાં પરત ફર્યા છે તેવા મનોમન સંતોષ સાથે બધાને મ્હોં સીવી લેવા પડશે. ઉંધાડે તો એટલે સુધી કહ્યું હતું કે, મુંબઇમાં તાજ હોટલ પર હુમલો થયો ત્યારે તત્કાલીન કેન્દ્રીય ગૃહ મંત્રી શિવરાજ પાટીલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિગેરે રાજીનામુ આપ્યું હતું તો ગાંધીનગરમાં અક્ષરધામ પર હુમલો થયો ત્યારે મુખ્યમંત્રી મોદીએ રાજીનામુ કેમ ન આપ્યું? ધારાસભ્યો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ભાજપના તમામ ધારાસભ્યો નો રિપીટ થીયરીના ભયથી મજબૂર છે. કેટલીક રાજકીય હત્યાઓ પણ કોની સરકારમાં થઇ હતી તેવો સવાલ ઉઠાવનારા ઉંધાડને પરત લેવાની ફરજ પડી છે.

ઉંધાડ ભાજપમાં જોડાયા તે સાથે તેમને પત્રકારોના અનેક અણિયાળા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને અત્યાર સુધી મોદીની વિરૂધ્ધમાં બોલતા હતા અને હવે કેમ ફરી ગયા તે પ્રશ્નો મુખ્ય હતા. ઉંધાડે એક હદ સુધી તો એમ કહીને પોતાનો બચાવ કર્યો હતો કે, આ મારો માતૃપક્ષ છે અને તેમાં હું પરત ફર્યો છું. ગુજરાતના મુખ્યમંત્રી મોદી વડાપ્રધાન બને તે ગૌરવરૂપ બાબત છે વિગેરે વિગેરે. જો કે પ્રશ્નોનો બોમ્બમારો વધુ ચાલ્યો એટલે પ્રદેશપ્રમુખ ફળદુ અને અન્ય નેતાઓ રૂપાલા, સંઘાણી વિગેરે એક મીટીંગમાં જવું છે તેમ કહીને ઉંધાડને એકલાને પત્રકારોને હવાલે કરીને જતા રહ્યા હતા. ભાજપ પ્રવેશના પ્રથમ કલાકમાં જ તેમને અગાઉના અને અત્યારના ભાજપમાં શું ફરક છે તેની કદાચ ખબર પડી ગઇ હતી. પક્ષ બદલ્યા કરો છો તો આત્મા ડંખે છે કે નહીં તેવો પણ પ્રશ્ન પૂછાતા એક તબક્કે ઉંધાડને જવાબ શોધવામાં રીતસરના ફાંફા પડી ગયા હતા.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments