Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા થયો

અઠવાડિક ડેથ રેટ ૬.૫૦ ટકાથી ઘટીને ૧.૫૦ ટકાએ પહોંચ્યો

Webdunia
ગુરુવાર, 16 જુલાઈ 2020 (10:45 IST)
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, તબીબી સ્ટાફ, નર્સિંગ તથા પેરા મેડિકલ સ્ટાફ સહિતના કોરોના વૉરિયર્સના અથાગ પ્રયત્નો તથા નાગરિકોના સતત મળી રહેલા સહકાર ઉપરાંત સારી, ઝડપી અને સમયસર સારવાર તથા એક્ટિવ સર્વેલન્સના કારણે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ (સાજા થવાનો દર) ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા જયારે અઠવાડિક ડેથ રેટ (મૃત્યુ દર) ૬.૫૦ ટકાથી ઘટીને ૧.૫૦ ટકા એ પહોંચ્યો છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું. 
 
રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક્સપર્ટ ગ્રૃપ ઓફ ડૉકટર્સની કમિટી મારફતે મળતા સતત માર્ગદર્શન તેમજ આરોગ્ય વિભાગના સક્રીય પ્રયત્નોથી ડેથ રેટ ઉપરાંત ડબલિંગ રેટ પણ ખૂબ જ નિયંત્રણ હેઠળ આવ્યો છે તેમ જણાવતા નીતિન પટેલે ઉમેર્યું હતુ કે, રાજ્યમાં અગાઉ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા જે ૯ દિવસે બમણી થતી હતી તે હવે ૩૨ દિવસે બમણી થાય છે નોંધપાત્ર બાબત છે. 
 
એટલું જ નહીં કોરોના સંક્રમણ ઘટાડવા મુખ્યમંત્રીના નિવાસસ્થાને દરરોજ કોર ગ્રૃપની બેઠક યોજવામાં આવે છે જેમાં સંબંધિત જિલ્લાઓની પરિસ્થિતિનો રિવ્યુ કરી જરૂરી માર્ગદર્શન-આદેશો આપવામાં આવે છે. કોરોના સંક્રમણ ઉપર નિયંત્રણ લાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં એક-એક સિનિયર અધિકારીઓને વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ. 
 
નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોવીડ-૧૯ રોગચાળા દરમ્યાન રાજ્યમાં તા.૧૪મી જુલાઈ ૨૦૨૦ સુધીમાં કુલ ૪૩,૭૨૩ કેસ પોઝિટીવ નોંધાયેલ છે જેમાંથી ૩૦,૫૫૫થી વધુ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપવામાં આવેલ છે. આમ, રાજ્યમાં કોવીડ-૧૯ના દર્દીઓનો સાજા થવાનો દર ૭૦ ટકાએ પહોંચ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા કોવીડ-૧૯ના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર મળી રહે તે માટે રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં ૫૦ ટકા બેડ આરક્ષિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયેલો છે. જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે. 
 
આ સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા પેકેજ તૈયાર કરવામાં આવ્યુ છે. ગુજરાત સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયની નામ. સુપ્રિમકોર્ટ દ્વારા સકારાત્મક નોંધ લઈ અન્ય રાજ્યોમાં પણ ગુજરાત મોડલને અનુસરવા સૂચન કરવામાં આવ્યું છે. 
 
રાજ્યના તમામ નાગરિકોને ઘરઆંગણે તેઓના વિસ્તારમાં જ સારવાર મળી રહે તે માટે તમામ જિલ્લા/કોર્પોરેશનમાં ધન્વતરી આરોગ્ય રથ શરુ કરવામાં આવ્યા છે. જેમાં કોવીડ-૧૯ ઉપરાંત અન્ય તમામ રોગોની જરૂરી સારવાર કરવામાં આવી રહી છે. ધન્વતરી રથ અંગે વધુ માહિતી આપતા નીતિન પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ૪૧ જિલ્લા/કોર્પોરેશનમાં કુલ-૯૫૩ ધન્વતરી આરોગ્ય રથ દ્વારા ૩,૬૪૩ જેટલા વિસ્તારોમાં સેવા આપવામાં આવી રહી છે. રાજ્યમાં ૯૨૫ થી વધુ ધન્વતરી રથ દ્વારા દરરોજ અંદાજે સવા લાખ જેટલાં નાગરિકોની ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવે છે. જે દર્દીઓને વધુ સારવારની જરૂરીયાત જણાય તેમને હોસ્પિટલમાં રીફર કરી સર્વશ્રેષ્ઠ સારવાર આપવામાં આવી છે.
 
આ પરિણામ સુધી પહોંચવા પાછળ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સર્વેલન્સ કામગીરી ખૂબ જ અગત્યની સાબિત થઇ છે.  ધન્વતરી રથ સિવાય આરોગ્ય વિભાગની વિવિધ ૪૯૧૦ જેટલી ટીમો સર્વેલન્સ કામગીરી માટે હાલ કાર્યરત છે. આ ટીમમાં ૨ આરોગ્ય કર્મી, ૧ આશાવર્કર તથા ઉપલબ્ધિ હોય તો આયુષ ડૉક્ટરનો સમાવેશ કરવામાં આવે છે. આ ટીમ ડોર ટુ ડોર સર્વેલન્સ કરે છે. એટલુ જ નહીં તેમને પલ્સ ઓક્સિમીટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે જે દર્દીને ઓક્સિજન ઓછા પ્રમાણમાં મળતો હોય તેવું ધ્યાને આવે તો તાત્કાલિક તેમને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. 
 
રાજ્યમાં હાલના તબક્કે કુલ ૩૬૪૪ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયેલા છે. આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નાગરિકોના અવરજવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે. કોરોના સંક્રમણની સાંકળ તૂટે અને સંક્રમણ વધતુ અટકે તે માટે કન્ટેન્ટમેન્ટ ઝોન પર કડક નિયંત્રણ જરૂરી છે. જેને કારણે કન્ટેન્ટમેન્ટ ઝોન વાળા વિસ્તારોમાં  લોકડાઉનની જેમ જ કડકાઇથી અમલવારી કરાવવામાં આવી રહી છે.  
 
સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે ૫૯૭ હોસ્પિટલ /કોવીડ કેર સેન્ટર ખાતે કુલ ૪૨,૦૫૧ આઈસોલેશન બેડ કોવીડ-૧૯ના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સાથોસાથ કોવીડ-૧૯ ડેજીગ્નેટેડ હોસ્પિટલો ખાતે ૩,૨૫૦ આઈ.સી.યુ. બેડ અને ૨,૨૩૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. રાજ્યનો એક પણ જિલ્લો આ સુવિધાથી બાકાત નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

LIVE Gujarati Todays News- ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મ તેમજ પોલીસ ફરિયાદ

26/11 તાજની ઘટના - જ્યારે પણ આવે છે યાદ તો દેશને ધ્રુજાવી જાય છે

Indian Constitution Day : તમને કયા-કયા અધિકારો બંધારણે આપ્યા?

કુનો નેશનલ પાર્કમાંથી સારા સમાચાર, ચિતા નીરવે 4 બચ્ચાને જન્મ આપ્યો

આગળનો લેખ
Show comments