Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાંદીપુરા વાઇરસના ફેલાવા વચ્ચે બાળકોમાં જોવા મળતો 'હૅન્ડ ફૂટ માઉથ રોગ' શું છે, કેવી રીતે બચવું?

જયદીપ વસંત
સોમવાર, 22 જુલાઈ 2024 (08:38 IST)
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનાં બાળકોમાં ચાંદીપુરા વાઇરસની બીમારી જોવાં મળી રહી છે, જે કેટલાક કિસ્સામાં જીવલેણ નીવડી શકે છે અને અત્યારસુધીમાં 16 જેટલાં બાળકોનાં મૃત્યુ થયાં છે. જોકે હજુ એક જ મૃત્યુ ચાંદીપુરા વાઇરસને કારણે થયું હોવાની પુષ્ટિ થઈ છે.
 
એવામાં સૌરાષ્ટ્રના તથા ગુજરાતના અમુક વિસ્તારનાં બાળકોમાં હૅન્ડ, ફૂટ ઍન્ડ માઉથ ડિસીઝ જોવા મળી રહ્યો છે. ચેપને કારણે બાળકોને મોંમાં ચાંદી પડી શકે છે, જેના કારણે તે ભોજન નથી લઈ શકતું અને અન્ય આનુષંગિક સમસ્યાઓ થઈ શકે છે.
 
આ સિવાય શરીરના અન્ય ભાગોમાં પણ તેની અસર જોવાં મળી શકે છે. વધુ ગંભીર સ્થિતિમાં હૃદય અને મગજને અસર પહોંચાડી શકે છે.
 
સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં આ બીમારી જોવા મળે છે અને લગભગ દસેક દિવસ સુધી તેની અસર રહે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત દિલ્હીમાં પણ એચએફએમ દેખાયો છે.
 
 
એચએફએમનાં લક્ષણો
હૅન્ડ, ફૂટ ઍન્ડ માઉથ ડિસીઝએ ચેપી બીમારી છે, જે ઍન્ટ્રો તથા કૉક્સાકી પરિવારના વાઇરસને કારણે થાય છે, જેને ટૂંકમાં એચએફએમ તરીકે ઓળખવામાં આવે છે. મોરબીસ્થિત બાળરોગ નિષ્ણાત મનિષ સનારિયાના કહેવા પ્રમાણે :
 
"સાતેક વર્ષ સુધીનાં બાળકોને એચએફએમ થઈ શકે છે, તેમાં પણ પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને બહારથી તેનો ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. આ બીમારીના વાઇરસ હવાથી ફેલાય છે."
 
"આ રોગથી પીડાતાં બાળકોને સામાન્ય તાવ રહે છે, બાળકને ગળામાં દુખાવો થાય છે અને મોંમાં ચાંદાં પડે છે. જેના કારણે તે જમી નથી શકતું. ડિહાઇડ્રૅશન થવાની પણ શક્યતા રહે છે."
 
"બાળકોનાં હાથ, પગ, હથેળી, પગનાં તળિયાંમાં નાની ફોડલી કે ફોડલાં જોવા મળે છે. કેટલાંક બાળકોમાં ઢિંચણ, કોણી કે મળદ્વારમાં લાલ ફોડલી જોવાં મળે છે."
 
ડૉ. સનારિયા ઉમેરે છે, "અમુક કેસમાં જો જટિલતા વધી જાય તો હૃદય ઉપર સોજો આવી શકે છે, મગજને ચેપ લાગી શકે છે કે પૅરાલિસિસ પણ થઈ શકે છે."
 
જીવલેણ ચાંદીપુરા વાઇરસ ફેલાવતી માખી કેવી રીતે પેદા થાય છે, ઘરમાં કઈ જગ્યાએ રહે છે?
 
શું કરવું, શું ન કરવું?
સામાન્ય રીતે અઠવાડિયા 10 દિવસમાં આ બીમારીનાં લક્ષણો દૂર થઈ જાય છે. આ ગાળા દરમિયાન નેશનલ હૅલ્થ સર્વિસ દ્વારા ગળા અને મોઢામાં રાહત માટે પેય પદાર્થો લેવાની ભલામણ કરવામાં આવે છે. ફ્રૂટ જ્યૂસ જેવા ઍસિડિક પીણાં નહીં લેવાની સૂચના આપવામાં આવે છે.
 
છાશ, નાળિયારપાણી કે દહીં લઈ શકાય, પરંતુ નમકીન, ગરમ અને તેજાનાવાળો ખોરાક ટાળવાની ભલામણ કરવામાં આવે છે.
 
બાળકો વારંવાર સાબુ અને પાણીથી હાથ ધુએ, વિશેષ કરીને ટૉઇલેટ ગયા પછી, નાક, મોઢા અને આંખને વારંવાર સ્પર્શે નહીં તેવી ભલામણ પણ કરવામાં આવે છે.
 
થૂંકના કણ, છીંક, ઉધરસ, સ્પર્શ કે રોગગ્રસ્તે અડકેલાં રમકડાં કે અન્ય રીતે સંપર્કમાં આવવાથી પણ બાળકને ચેપ લાગી શકે છે.
 
છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકા સહિત સૌરાષ્ટ્ર તથા ગુજરાતના અન્ય ભાગોમાં એચએફએમડીનો વ્યાપ વધ્યો છે.
 
ડૉ. સનારિયાના કહેવા પ્રમાણે, "હજુ દસ કે પંદર દિવસ પહેલાં દિવસના એક કે બે કેસ ઓપીડીમાં આવતા હતા આ સંખ્યા વધીને વધીને આઠથી 10 થઈ ગઈ છે."
 
છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા વાઇરસે ગુજરાતમાં દેખા દીધી છે, જે બાળકોમાં થાય છે. આ બીમારીને કારણે 14 જેટલાં બાળકોનાં મૃત્યુ થયાં છે. ત્યારે એચએફએને કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
 
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય અધિકારી (સેન્ટ્રલ) ડૉ. જયેશ વકાણીના કહેવા પ્રમાણે, "સામાન્ય રીતે ચોમાસાની સિઝનની શરૂઆતના દિવસો દરમિયાન બાળકોને તેનો ચેપ લાગતો હોય છે. તેમાં મૉર્ટાલિટી નથી થતી એટલે લોકોએ તેનાથી ગભરાવું ન જોઈએ."
 
ડૉ. વકાણી ઉમેરે છે કે આ 'નૉટિફાયેબલ ડિસીઝ' નથી, જેના કારણે તેના કેટલા પૅશન્ટ છે, તેના વિશે ચોક્કસ માહિતી ન મળી શકે, છતાં તેની સ્થિતિ ઉપર તંત્રની નજર છે.
 
ડૉ. સનારિયાના કહેવા પ્રમાણે, "જો બાળકને એચએફએમનો ચેપ લાગ્યો હોય તો ફોલ્લી રૂઝાય ન જાય, ત્યાર સુધી તેને નર્સરી કે શાળાએ ન મોકલવું જોઈએ અને લક્ષણ વધુ ગંભીર જણાય તો તબીબને દેખાડવું જોઈએ. જે લશ્રણોને નાથવા માટે દવા, સિરપ કે લૉશન પ્રિસ્ક્રાઇબ કરશે."
 
જાણકારો ઉમેરે છે કે આ સિઝનની શરૂઆતનો સમય છે અને જેમજેમ ચોમાસું આગળ વધે તેમતેમ તેના કેસ વધી શકે છે, ત્યારે કાળજી રાખવાથી બચાવ થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

IND vs AUS 1st Test Day- ભારતની પહેલી ઇનિંગ 150માં આટોપાઈ

Live 22 નવેમ્બરની અપડેટ- વડોદરામાં રસ્તા રોકતા દબાણો હટાવવા દરમિયાન કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ

WhatsApp લાવ્યો નવુ ફીચર હવે વાઈસ નોટને બદલી શકશો ટેક્સટમાં જાણો કેવી રીતે કામ કરશે.

ભારતીય સૈનિકો દુર્વ્યવહારના આરોપો થયા હોવાના અહેવાલ

આગળનો લેખ
Show comments