Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટનાને નજરે જોનારા લોકોએ શું કહ્યું?

Webdunia
રવિવાર, 26 મે 2024 (10:05 IST)
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનામાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયાં છે અને હજુ મૃત્યુઆંક સતત વધતો જઈ રહ્યો છે. મૃતકોમાં બાળકોની પણ મોટી સંખ્યા છે.
 
બીબીસીના સહયોગી પત્રકાર બિપીન ટંકારિયાના જણાવ્યા અનુસાર આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર દૂરથી પણ ધુમાડો જોઈ શકાતો હતો.
 
તેમણે આપેલી માહિતી અનુસાર ગેમ ઝોનમાં બહાર જવાનો રસ્તો નહોતો અને એટલે ઘણા લોકો અંદર ફસાઈ ગયા હતા. તથા મૉલના ગેમ ઝોનમાં વૅલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં શૉર્ટ-સર્કિટની ઘટના ઘટી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાઈ રહ્યું છે.
 
દુર્ઘટનાના સ્પષ્ટ કારણો હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ ઘટનાસ્થળે હાજર લોકો સાથે બીબીસીએ વાત કરીને કારણો જાણવાનો પ્રયાસ કર્યો હતો.
 
"ગેમ ઝોનનાં ટાયરોથી આગ ફેલાઈ હોવાની સંભાવના"
ઘટનાસ્થળે હાજર કશ્યપ ભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “અમે અહીં પહોંચ્યા ત્યારે આજુબાજુની સોસાયટીના લોકો અહીં બચાવકામગીરી માટે આવી પહોંચ્યા હતા. ગેમ ઝોનમાં ટાયરોની એક બૉર્ડર બનાવવામાં આવી હતી તે સળગતાં આગ વધારે ફેલાઈ હતી.”
 
તેઓ કહે છે, “ગેમ ઝોનના ઉપરના માળે બૉલિંગ માટેની જગ્યામાં જવા-આવવા માટેનો એક જ રસ્તો હતો. આ રસ્તો ધક્કામુક્કી અને ભાગદોડને કારણે બંધ થઈ ગયો હશે એટલે વધુ લોકોનાં મૃત્યુ થયાં હોય એવું બની શકે છે.”
 
"ગુજરાતમાં માનવજિંદગીની કિંમત માત્ર ચાર લાખ રૂપિયા છે"
દુર્ઘટના સમયે નાના મવા રોડ પરથી પસાર થઈ રહેલા દિલીપસિંહ વાઘેલા આગ લાગી ત્યારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
 
તેમણે બીબીસીને જણાવ્યુ, “હું આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને ધુમાડાના ગોટેગોટા દેખાયા. એટલું હું અહીં જોવા આવ્યો કે આગ ક્યાં લાગી છે? હું અહીં પહોંચ્યો ત્યારે મેં આગી લપટો જોઈ ત્યારે મને થયું કે આ બહુ વિકરાળ આગ છે. એટલે હું અહીં રોકાઈ ગયો. એ વખતે પોલીસની બે ગાડીઓ અને બે 108ની ઍમ્બુલન્સ ઊભી હતી, પણ ત્યાં સુધી ફાયર બ્રિગેડની એક પણ ગાડી આવી નહોતી. ફાયર બ્રિગેડની ગાડીને અહીં પહોંચતા 45 મિનિટ જેટલો સમય લાગ્યો હતો.”
 
તેમણે તેમના મોબાઇલમાં આગનાં દૃશ્યોનું રેકર્ડિંગ કર્યું હતું તે બતાવીને કહ્યું, “આ રેકર્ડિંગ મેં લગભગ 5:50 મિનિટે કર્યું હતું, ત્યાં સુધી ફાયર બ્રિગેડની ગાડી અહીં પહોંચી નહોતી. અહીં એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે નજીક શકાય તેવી કોઈ પરિસ્થિતિ નહોતી. આગ એટલી બધી વિકરાળ રીતે પકડાઈ ગઈ હતી કારણ કે પવન હતો અને અહીં જે સ્ટ્રક્ચર છે તેમાં પુષ્કળ પ્રમાણમાં ટાયરો હતાં. ઉપરની છતમાં પણ થર્મોકોલની શિટ્સ લગાવેલી હતી. એના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.”
 
તેમણે આ ઘટનાને મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના અને સુરતમાં થયેલી તક્ષશિલા કૉમ્પ્લેક્સની આગની દુર્ઘટના અને તેમાં માર્યા ગયેલા લોકનાં મૃત્યુ સાથે સરખાવી હતી. તેમણે કહ્યું, “આ સ્થળે હજી ફાયર સેફ્ટીનાં સાધનોનું ફિટિંગ ચાલું છે.” તેમણે કહ્યું, “લોકોના જીવની સાથે રમત રમવી એ આ તંત્રની આદત બની ગઈ છે. જ્યારે હોય ત્યારે આ તંત્ર ખાલી લાગણી અને દુખ વ્યક્ત કરે છે અને માનવજિંદગીની કિંમત ગુજરાતની અંદર માત્ર ચાર લાખ રૂપિયા છે. જ્યારે હોય ત્યારે મુખ્ય મંત્રી સાહેબ અથવા તો સરકારી તંત્ર ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરીને પોતાના આત્માથી સંતોષ માની લે છે.”
 
સ્થાનિકોએ ગેમ ઝોનની વારંવાર ફરિયાદ કરેલી
ગેમ ઝોન નજીકની એક સોસાયટીમાં રહેતા કેતનસિંહ પરમારે કહ્યું હતું કે, “અમે વારંવાર દર અઠવાડિયે આ ગેમ ઝોનની ફરિયાદ કરી છે. કમિશનરને પણ આ અંગે ઈમેલ કરેલો છે. પરંતુ અહીં રાત્રે એક વાગ્યે પણ પૈસા લઈને અને પાંચ-છ છોકરાઓ લઈને લોકો આવે તો રાત્રે પણ ગેમ ઝોન શરૂ કરવામાં આવે છે અને લોકો ગાડીઓ ફેરવે છે.”
 
તેમણે વધુમાં કહ્યું હતું કે, “આ ગેમ ઝોન એટલો ખરાબ છે કે અમે અહીં રહીએ છીએ તેમ છતાં ક્યારેય અમારાં સંતાનોને અહીં મોકલ્યાં નથી. અમે ખૂબ ફરિયાદો કરી છે.”
 
આગ ક્યારે લાગી હતી?
રાજકોટના મવા રોડ પર આવેલા ગેમ ઝોનમાં સાંજે સાડા ચાર વાગ્યે આગ લાગી હતી.
 
જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, સાંજે સાડા ચાર આસપાસ કંટ્રોલ રૂમમાં આવેલા ફોન પછી તરત જ ઘટનાસ્થળે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
 
જોકે, પવનની ગતિએ આગ વિકરાળ બનાવી હતી અને તેના કારણે હંગામી સ્ટ્રક્ચર તૂટી પડ્યાં હતાં અને અનેક લોકો કાટમાળમાં ફસાયા હતા.
 
રાજ્યના મુખ્ય મંત્રીએ તત્કાળ મૃતકોને સહાયની જાહેરાત કરી હતી અને એસઆઈટીના ગઠનની જાહેરાત કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

AAm AAdmi Party- કેજરીવાલે દિલ્હીની તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા બાદ કહ્યું હતું કે ભાજપ પાસે ન તો સીએમ ચહેરો છે કે ન કોઈ ટીમ.

મુંબઈમાં બેસ્ટ બસ સાથે બીજો અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત

મુંબઈના વરલીમાં પૂનમ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી, 5 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર

"જો સરકાર બનશે તો અમે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપીશું", તેજસ્વી યાદવે કરી મોટી જાહેરાત

19 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા ખેડૂત નેતાએ કેન્દ્ર સરકારને આપી ચેતવણી

આગળનો લેખ
Show comments