Webdunia - Bharat's app for daily news and videos

Install App

ICC World Cup : સતત 11 મૅચ હાર્યાં બાદ પાકિસ્તાનને પ્રથમ સફળતા કઈ રીતે મળી?

Webdunia
મંગળવાર, 4 જૂન 2019 (14:50 IST)
વર્લ્ડ કપની મૅચમાં 348નો જંગી સ્કોર નોંધાવ્યા બાદ પાક. બૉલર્સે રંગ રાખ્યો, રૂટ-બટલરની સદી એળે ગઈ જૉ રૂટ અને જૉઝ બટલરે શાનદાર સદી ફટકારી હોવા છતાં પાકિસ્તાને છેક સુધી લડત જારી રાખીને આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પોતાનું ફૉર્મ પરત મેળવીને સોમવારે યજમાન ઇંગ્લૅન્ડ સામે 14 રનથી રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામે જંગી સ્કોર નોંધાવવા છતાં પરાજયનો સામનો કરનારી પાકિસ્તાની ટીમના બૉલર્સે સોમવારે છેક સુધી હિંમત હાર્યા વિના બૉલિંગ કરી હતી, જેને પરિણામે વર્તમાન ટુર્નામેન્ટમાં તેમને પ્રથમ સફળતા હાંસલ થઈ હતી.
 
પ્રથમ બૅટિંગ કરતાં પાકિસ્તાને 50 ઓવરમાં આઠ વિકેટે 348 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ઇંગ્લૅન્ડે 50 ઓવરને અંતે નવ વિકેટે 334 રન કર્યા હતા. મૅચમાં વારંવાર બાજી પલટાતી રહી હતી પરંતુ અંતે પાકિસ્તાને દબાણને વશ થયા વિના પ્રતિકાર કરી જીત મેળવી હતી.
પાકિસ્તાન ફૉર્મમાં પરત
 
આ મૅચ સાથે જ પાકિસ્તાને પોતાનું ફોર્મ પરત મેળવી લીધું હોવાના સંકેત આપી દીધા છે. મૅચના પ્રારંભથી જ ઇંગ્લૅન્ડના ખેલાડીઓ વધુ પડતા આત્મવિશ્વાસમાં હોવાનો ખ્યાલ આવી ગયો હતો.
કૅપ્ટન ઑઇન મૉર્ગને ટૉસ જીતીને બૅટ્સમૅનને યારી આપતી વિકેટ ઉપર પાકિસ્તાનને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાની ઓપનર્સે જે રીતે પ્રારંભ કર્યો હતો તેના પરથી જ ખ્યાલ આવી ગયો હતો કે પીચ આસાન છે. 

 
349 રનના ટાર્ગેટ સામે રમતાં ઇંગ્લૅન્ડે ઓપનર જૅસન રૉયની વિકેટ તો સસ્તામાં ગુમાવી દીધી હતી પરંતુ લડત જારી રાખી હતી. બૅરસ્ટો અને કેપ્ટન ઓઇન મૉર્ગન નોંધપાત્ર યોગદાન આપી શક્યા ન હતા.
બૅન સ્ટૉક્સ આઉટ થયા ત્યારે એમ લાગતું હતું કે ઇંગ્લૅન્ડ આસાનીથી હથિયાર હેઠાં મૂકી દેશે પરંતુ જૉ રૂટ અને જૉઝ બટલરે શાનદાર લડત આપતાં ઇંગ્લૅન્ડ માટે વળતો પ્રહાર કર્યો હતો. આ દરમિયાન એક સિક્સર બચાવવાના પ્રયાસમાં પાકિસ્તાની ફિલ્ડર આસિફ અલી બાઉન્ડ્રી પર ઘાયલ થયા હતા.
 
જૉ રૂટ અને બટલરે પાંચમી વિકેટ માટે 130 રનની ભાગીદારી નોંધાવીને ઇંગ્લૅન્ડની આશા જીવંત રાખી હતી. જૉ રૂટે વન-ડે કારકિર્દીની 15મી સદી ફટકારી હતી. આ અગાઉ સાઉથ આફ્રિકા સામેની મૅચમાં પણ તેણે 51 રન ફટકાર્યા હતા. અંતે 104 બોલમાં 107 રન ફટકારીને તેઓ શાદાબ ખાનની બૉલિંગમાં આઉટ થયા હતા. તેમણે દસ બાઉન્ડ્રી ઉપરાંત એક સિક્સર પણ ફટકારી હતી.
રૂટ-બટલરની સદી એળે ગઈ
 
જૉ રૂટ બાદ જૉઝ બટલરે પણ પોતાની સદી પૂરી કરી હતી. વન-ડે ક્રિકેટમાં આ તેમની નવમી સદી હતી જે તેમણે 75 બૉલમાં પૂરી કરી હતી પરંતુ ત્યાર પછીના જ બૉલે તેઓ પૉઇન્ટ પર વહાબ રિયાઝના હાથે ઝડપાઈ ગયા હતા. બટલરે 76 બૉલમાં નવ બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી 103 રન ફટકાર્યા હતા. પાકિસ્તાન માટે વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર અને શાદાબ ખાને પ્રશંસનીય બૉલિંગ કરી હતી. રિયાઝને ત્રણ તથા બાકીના બંને બૉલરને બે-બે વિકેટ મળી હતી.
 
ટ્રૅન્ટબ્રિજની આસાન બની ગયેલી પીચનો પાકિસ્તાને ભરપુર લાભ ઉઠાવ્યો હતો. પાકિસ્તાને પ્રારંભથી જ પ્રભાવી રમત દાખવી હતી અને 50 ઓવરને અંતે આઠ વિકેટે 348 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
તાજેતરમાં જ બંને વચ્ચે રમાયેલી વન-ડૅ સિરીઝમાં પાકિસ્તાન આ રીતે જંગી સ્કોર નોંધાવ્યા બાદ હારી ગયું હોવાથી આ વખતે પણ ઇંગ્લૅન્ડ પાસેથી આ ટાર્ગેટ વટાવી દેવાની અપેક્ષા રખાઈ રહી હતી પરંતુ તેને યર્થાથ ઠેરવવામાં ઇંગ્લૅન્ડ નિષ્ફળ રહ્યું હતું.
 
મોહમ્મદ હાફિઝના ઝમકદાર 84 રન ઉપરાંત અન્ય ત્રણ બૅટ્સમૅને અડધી સદી ફટકારતાં પાકિસ્તાને 348 રનના વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. અગાઉ પાકિસ્તાન માટે ઓપનર ઇમામ ઉલ હક્ક અને ફખર ઝમાને નોંધપાત્ર પ્રારંભ કરીને 14.1 ઓવરમાં 82 રન ઉમેરી દીધા હતા. બંનેમાં ઇમામ વધારે આક્રમક હતા. તેમણે 58 બૉલમાં 44 રન ફટકાર્યા હતા તો ઝમાને 36 રનનું યોગદાન આપ્યું હતું. આ બંનેની વિકેટ પડ્યા બાદ સળંગ ત્રણ બૅટ્સમેને અડધી સદી ફટકારીને ટીમને જંગી સ્કોર તરફ લઈ જવામાં યોગદાન આપ્યું હતું. બાબર આઝમે તેનું તાજેતરનું ફૉર્મ જાળવી રાખીને 66 બૉલમાં એક સિક્સર તથા ચાર બાઉન્ડ્રી સાથે 66 બોલમાં 63 રન ફટકાર્યા હતા તો ભૂતપૂર્વ સુકાની મોહમ્મદ હાફિઝ વધારે આક્રમક રહ્યો હતો.
 
તેણે 135.48ના સ્ટ્રાઇક રૅટથી બૅટિંગ કરીને આઠ બાઉન્ડ્રી તથા બે સિક્સર સાથે 84 રન ફટકાર્યા હતા. હાફિઝની વિકેટ માટે ઇંગ્લૅન્ડે ઘણા પ્રયાસ કર્યા હતા. 43મી ઓવરમાં માર્ક વૂડના બૉલને બાઉન્ડ્રીની ઉપરથી કૂદાવવાના પ્રયાસમાં હાફિઝે લૉંગ ઑફ પર ક્રિસ વૉક્સને કૅચ આપી દીધો હતો. ઇનિંગ્સમાં વૉક્સે ચાર કૅચ ઝડપ્યા હતા. અગાઉ મોઇન અલીની બૉલિંગમાં બાબર આઝમ પણ આ જ રીતે ઉંચો સ્ટ્રૉક ફટકારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર ઝડપાઈ ગયા હતા. આ વખતે ક્રિસ વૉક્સ લોંગ ઓન પરથી ઘણું લાંબું દોડ્યા હતા.
 
ક્રિસ વૉક્સે આ ઇનિંગ્સમાં ચાર કૅચ ઝડપ્યા હતા. વર્લ્ડ કપના ઇતિહાસમાં એક મૅચમાં ચાર કૅચ ઝડપનારો તેઓ ચોથા ફિલ્ડર બન્યા હતા. કૅપ્ટન સરફરાઝ અહમદ બૅટિંગમાં આવ્યા ત્યારે તેમની પાસે આક્રમક બૅટિંગ કરવાનું પ્લેટફૉર્મ તૈયાર થઈ ગયું હતું. તેમણે 44 બોલમાં પાંચ બાઉન્ડ્રી સાથે 55 રન ફટકાર્યા હતા. વન-ડે કારકિર્દીની આ તેમની 11મી અડધી સદી હતી. ઇંગ્લૅન્ડ માટે ક્રિસ વૉક્સ અને મોઇન અલી સૌથી સફળ બોલર રહ્યા હતા. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે ઝડપી બોલર માર્ક વૂડને બે વિકેટ મળી હતી.
 
વર્લ્ડ કપમાં એક મૅચમાં સૌથી વધુ કૅચ : ક્રિસ વૉક્સ ચોથો ફિલ્ડર
 
ઇંગ્લૅન્ડના ક્રિસ વૉક્સે સોમવારે પાકિસ્તાન સામેની મૅચમાં ચાર કૅચ ઝડપ્યા હતા. જેમાં એક કૅચ તેમણે પોતાની બૉલિંગમાં જ કર્યો હતો. મૅચની 48મી ઓવરમાં પાકિસ્તાની કૅપ્ટન સરફરાઝ અહમદનો કૅચ ઝડપીને વૉક્સે ચાર કૅચ પૂરા કર્યા હતા. આમ વર્લ્ડ કપના ઇતિહાસમાં એક જ ઇનિંગ્સમા ચાર કૅચ ઝડપનારો તેઓ વિશ્વના ચોથા ફિલ્ડર બન્યા હતા. આમ કરનારો તેઓ ઇંગ્લૅન્ડનો પ્રથમ ખેલાડી બન્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર અસર શુ થશે અસર ?

Urvil Patel: 12 સિક્સર, 7 ચોક્કા, 28 બોલમાં સેંચુરી... કોણ છે ઉર્વિલ પટેલ, જેમણે IPLમાં અનઓલ્ડ રહીને પણ ટી20 ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments