Webdunia - Bharat's app for daily news and videos

Install App

JNUમાં સત્તા સામે બાથ ભીડવાના સંસ્કાર કેવી રીતે આવે છે?

Webdunia
સોમવાર, 13 જાન્યુઆરી 2020 (11:00 IST)
ઘનશ્યામ શાહ
વરિષ્ઠ સમાજવિજ્ઞાની, બીબીસી ગુજરાતી માટે
 
સુરત પ્લેગ પરના મારા સંશોધન અભ્યાસને કારણે, 1996માં જેએનયુ (જવાહરવાલ નહેરુ યુનિવર્સિટી)માં ત્યાંના "સેન્ટર ફૉર સોશિયલ મેડિસિન અને કૉમ્યુનિટી હેલ્થ"માં સમાજવિજ્ઞાનના પ્રોફેસર તરીકે જોડાવવાનું આમંત્રણ મળ્યું. 1997માં હું ત્યાં જોડાયો અને 2003 સુધી રહ્યો.
જોકે, આ પહેલાં બીજે - એમએસ વડોદરા, દક્ષિણ ગુજરાત, બનારસ હિંદુ યુનિવર્સિટી અને શિકાગોમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે ભણાવ્યું હતું પણ જેએનયુનો અનુભવ અમૂલ્ય રહ્યો.
અહીંના વિદ્યાર્થીઓનું ઘડતર નોંધપાત્ર છે. તેઓ દેશના જુદાજુદા પ્રદેશ અને સામાજિક સ્તરનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળે છે.
એનું કારણ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને પસંદગી કરવાની પદ્ધતિ છે.
1969થી પસંદગી પાછળનો મૂળભૂત સિદ્ધાંત દેશની આમ જનતાની વિવિધ સંસ્કૃતિને જાળવવાનો અને વિકસાવવાનો છે.
 
વિદ્યાર્થીઓ પસંદ કરવાની પદ્ધતિ
બીજી યુનિવર્સિટીઓની જેમ સામાજિક વંચિત સમુદાય - અનુસૂચિત જાતિ અને જનજાતિ, સામાજિક-આર્થિક અન્ય પછાત વર્ગો અને વિકલાંગ માટે અનામત છે.
ઉપરાંત યુનિવર્સિટીએ વધારાના વંચિત સમુદાય માટે 10 પૉઇન્ટ નક્કી કર્યા છે. છોકરીઓ માટે 5 પૉઇન્ટ છે.
વળી 2001ની વસતિને આધારે દેશના બધા જિલ્લાને ત્રણ વિભાગોમાં વિભાજિત કર્યા છે : વધારે પછાત, ઓછા પછાત અને અન્ય.
વધારે પછાત જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પાંચ અને ઓછા પછાત જિલ્લાના વિદ્યાર્થીને બે પૉઇન્ટ મળે છે.
દાખલા તરીકે ગુજરાતમાં દાહોદ કે ડાંગ જિલ્લા વિદ્યાર્થીને પ્રવેશ માટે વધારાના પાંચ, સાબરકાંઠા કે સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીને વધારાના બે પૉઇન્ટ મળે.
આ માપદંડ સંશોધન આધારિત નક્કી થાય છે, જે સમયસમયે બદલાય છે.
ઍડમિશન માટે લેખિત પરીક્ષા દેશના જુદાજુદા પ્રદેશોમાં લેવાય છે. હરીફાઈ તીવ્ર થાય છે.
કુલ પરીક્ષા આપનારામાંથી સરેરાશ 14 ટકા પરીક્ષાર્થીઓની મૌખિક પરીક્ષા માટે પસંદગી થાય છે.
આ ઍડમિશન પદ્ધતિને કારણે લગભગ 65થી 70 ટકા વિદ્યાર્થીઓ નિમ્ન મધ્યમ કે ગરીબ કુટુંબનાં મહેનતુ અને તેજસ્વી છોકરીઓ-છોકરાઓ હોય છે.
 
જેએનયુ અને અલગઅલગ વિચારધારા
તાજેતરમાં યુનિવર્સિટીએ 500 ટકા કરતાંય વધુ હૉસ્ટેલ અને અન્ય ફી વધારી એટલે આ વિદ્યાર્થીઓ વિરોધ કરે છે.
આ ફી વધારાને કારણે ઘણા બધાને કાં તો દેવું કરવું પડે કે કાં તો અભ્યાસ છોડી દેવો પડે.
1966માં જેએનયુ યુનિવર્સિટી ઍક્ટ સંસદમાં પાસ થયો અને 1969માં એના કામકાજની શરૂઆત થઈ.
આ સમયની દેશ અને દુનિયામાં જે પરિસ્થિતિ હતી તેની અસર યુનિવર્સિટીના ઘડતર પર પડે તે સ્વાભાવિક હતું.
તે વખતના બૌદ્ધિકોમાં વ્યાપક રીતે કહીએ તો બે વૈચારિક તરાહ હતી.
એક લિબરલ જે મિક્સ આર્થિક નીતિ, કલ્યાણ રાજ્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્ય પર ભાર મૂકી વાસ્તવલક્ષી અભિગમ ધરાવતા.
આ સિવાય અન્ય વિચારધારા રેડિકલ (પ્રખર સુધારણાવાદી) એટલે કે લેફ્ટ જે રાજ્ય દ્વારા સામાજિક- આર્થિક અસમાનતા દૂર કરવામાં આવે એવા મતમાં માને છે તેમજ શ્રમજીવીઓનું આધિપત્ય ધરાવતા રાજ્યની સ્થાપનામાં માને છે, જેમાં રાજ્યની ભૂમિકા મહત્ત્વની હોય છે.
જેએનયુમાં આ બે વિચારધારા સિવાયની વિચારધારામાં માનનારા મોટા ભાગના બૌદ્ધિકો આ બંનેના સમન્વયમાં માનતા હતા. (સમય જતા આ બંનેના વૈચારિક અભિગમ બદલાયા છે).
આ બંને અભિગમ ધરાવતા અને આ બંનેમાંથી કોઈ પણ નિશ્ચિત વૈચારિક અભિગમ ન ધરાવતા મોટા ભાગના પ્રોફેસરો હતા/છે.
 
એ સમયે યુરોપ -ફ્રાન્સ, બ્રિટન - અને અમેરિકામાં વિદ્યાર્થીઓનાં આંદોલન ચાલ્યાં.
ભારતમાં બંગાળ, બિહાર, આંધ્ર પ્રદેશમાં માઓવાદી (નક્સલવાદી) વિદ્યાર્થીઓનાં આંદોલન હતાં. આ બધાનો પડછાયો જેએનયુ પર પડ્યો.
વળી સિત્તેરના દાયકામાં ગુજરાતના વિદ્યાર્થીઓનું નવનિર્માણ, બિહારનું જેપી આંદોલન, પછી આસામનાં વિદ્યાર્થીઓનાં આંદોલનો જેએનયુ કૅમ્પસમાં દેખાયાં. કટોકટીનો વિરોધ થયો. આમ અહીંનો વિદ્યાર્થી રાજકીય રીતે સભાન અને સક્રિય રહ્યો છે.
મારા નવ વર્ષના અનુભવમાં સરેરાશ વિદ્યાર્થી વર્ગમાં સવાલો કરતો જોયો છે. પ્રોફેસરનાં તારણો અને અનુભવો સામે પોતાના અનુભવોને વિના સંકોચ રજૂ કરતો જોયો છે.
વિદ્યાર્થીમાં નવું વાંચવાની ભૂખ દેખાય. એને અન્યાય લાગે, ખોટું લાગે ત્યારે પ્રોફેસર, ડીન કે બીજા સત્તા પર બેઠેલાને સવાલ કરતો જોવા મળે.
વર્ગ પછી સરેરાશ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં હોય, બીજા સાથે ચર્ચા કરતાં હોય છે. સતત અસાઇન્મેન્ટ્સ પૂરા કરવાની ફરજ અને તીવ્ર હરીફાઈ વિદ્યાર્થીને વાંચવા-વિચાર કરવામાં પ્રવૃત્ત રાખતા.
યુનિવર્સિટીનાં જુદાંજુદાં સેન્ટર અને સ્કૂલ દ્વારા જાહેર પ્રવચનો અને સેમિનાર થાય, જેમાં જે તે વિષયમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકતા.
તે ઉપરાંત મેસ/હૉસ્ટેલમાં લગભગ રોજ જમ્યા પછી જુદાજદા વિષય - તત્કાલીન ફિલોસોફી, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય વગેરે પર ચર્ચા થાય.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Dry Cough Home Remedies - છાતીમાંથી કફ નથી નીકળી રહ્યો તો અપનાવો આ ઘરેલું ઉપચાર

Tricks and Tips in Gujarati - વોશિંગ મશીનમાં નાખી દો એલ્યુમિનિયમ ફોઇલ, ગંદા કપડાં મિનિટોમાં થઈ જશે સાફ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

પેન્ટીને સૂકી કેવી રીતે રાખવી? સફેદ સ્રાવ વખતે પણ આ રીત રાહત આપશે

Republic Day 2025- આ વર્ષે ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ હશે મુખ્ય અતિથિ, જાણો કેવી રીતે થાય છે સિલેક્શન

આગળનો લેખ
Show comments