Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદીનો રાજીવ ગાંધી ઉપરનો હુમલો તેમની હતાશાનું પ્રતીક

Webdunia
સોમવાર, 6 મે 2019 (10:41 IST)
પ્રદીપ કુમાર
બીબીસી સંવાદદાતા
 
લોકસભા ચૂંટણી પરિણામ આવવાને આડે ત્રણ અઠવાડિયાથી પણ ઓછો સમય વધ્યો છે. પચાસ ટકા કરતાં વધુ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ ગઈ છે.
સત્તા ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુનરાગમન સંદર્ભે અનેક સરવે આવી ગયા છે અને ચૂંટણી પરિણામની રાહ જોયા વગર જ 'આવશે તો મોદી જ' જેવી વાતો વહેતી થઈ ગઈ છે.
પાંચમા તબક્કાની ચૂંટણી પૂર્વે ઉત્તર પ્રદેશના બસ્તી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી ભાષણ વિશે વિવાદ ઊભો થયો છે.
મોદીએ તેમના ભાષણમાં કહ્યું, "તમારા પિતાજીને તમારા રાગ દરબારીઓએ 'મિસ્ટર ક્લીન' બનાવી દીધા હતા."
"વાજતે ગાજતે 'મી. ક્લીન, મી. ક્લીન' એવી વાતો થતી. પરંતુ જોતજોતામાં 'ભ્રષ્ટાચારી નંબર વન' તરીકે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું."
 
કહેવાય છે કે 'પ્રેમ અને જંગમાં બધું વ્યાજબી છે.' ત્યારે ભારતની લોકસભા ચૂંટણીના આગામી તબક્કા યુદ્ધમાં પરિવર્તિત થતાં જણાય રહ્યાં છે.
કમ સે કમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે તો ચૂંટણીને રણભૂમિમાં ફરેવી દીધી છે.
અને બધું વ્યાજબી હોય....તો એવા શખ્સ ઉપર પણ કાદવ ઉછળી શકે છે, જે જવાબ આપવા માટે હાજર નથી.
આ પ્રકારના નિવેદનને કારણે વડા પ્રધાનપદની ગરિમા ઉપર સવાલ ઊભા થાય તો ભલે થાય.
નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં ભારતીય લોકશાહીમાં પ્રભાવક સંસ્થાઓની ગરિમાને નુકસાન પહોંચાડવાના ઉદાહરણ તાજેતરના સમયમાં વધી ગયાં છે.
ચૂંટણીપંચે એક પછી એક સાતત કિસ્સામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી છે. જેની સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે.
આ પહેલાં મોદી સરકાર ઉપર વિપક્ષ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, સીબીઆઈ, સીવીસી અને આઈબીનો દુરુપયોગ કરવાના આરોપ લાગ્યા હતા.
 
ત્યારે મોદીએ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અંગે આપેલું તાજેતરનું નિવેદન આરોપ-પ્રતિઆરોપના ક્રમમાં મર્યાદાઓના ભંગ તરીકે જોવામાં આવે છે.
નરેન્દ્ર મોદી દ્વારા રાજીવ ગાંધીને જે રીતે 'ભ્રષ્ટાચારી નંબર વન' ઠેરવ્યા, તે તથ્યો સાથે ચેડાં છે. જ્યાં સુધી રાજીવ ગાંધીના નામ સાથે 'મિસ્ટર ક્લીન' ઉમેરવાની વાત છે, તો જે રીતે નરેન્દ્ર મોદી ગુજરાતમાં 'વિકાસ પુરુષ' તરીકે ચર્ચિત હતા, તેવી જ આ વાત છે.
જે બૉફોર્સકાંડ સંદર્ભે વડા પ્રધાન મોદીએ રાજીવ ગાંધી ઉપર આરોપ મૂક્યા, તેની તપાસમાં જે કંઈ બહાર આવ્યું,તેની ઉપર નજર કરવાની જરૂર છે.
રૂ. 64 કરોડના કથિત રિશ્વતકાંડમાં દિલ્હી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં રાજીવ ગાંધી વિરુદ્ધ કોઈ આરોપ સાબિત થઈ શક્યો ન હતો.
તા. 20મી મે, 1991ના દિવસે રાજીવ ગાંધીનું મૃત્યુ થયું હતું. તેમની ઉપર આરોપ મૂકનારા અનેક લોકો તે સમયે સરકારમાં હતા.
પરંતુ, મધ્યસત્રી ચૂંટણીમાં રાજીવ ગાંધીની પાર્ટી સૌથી મોટો પક્ષ બન્યો હતો. જો રાજીવ ગાંધીનું નિધન ન થયું હોત તો સ્વાભાવિકપણે તેઓ ફરીથી વડા પ્રધાન બન્યાં હોત.
1991માં નરેન્દ્ર મોદી સક્રિય રાજકારણમાં હતા અને ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયમાં લાલકૃષ્ણ અડવાણીની નજીકના લોકોમાં તેમની ગણતરી થતી હતી.
 
બૉફોર્સકાંડની અસર
રાજીવ ગાંધીના નિધન બાદ આવેલી વિપક્ષની સરકારોમાં એવું કંઈ સાબિત ન થઈ શક્યું કે રાજીવ ગાંધીને 'ભ્રષ્ટાચારી નંબર વન' કહી શકાય.
એક રસપ્રદ તથ્ય એ પણ છે કે જ્યારે ચાર્જશિટમાંથી રાજીવ ગાંધીનું નામ હટાવવામાં આવ્યું, ત્યારે કેન્દ્રમાં વાજપેયીની સરકાર હતી.
રાજકારણમાં છાપની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. રાજીવ ગાંધીએ કથળેલી છાપની કિંમત ચૂકવવી પડી.
જનતાએ ચૂંટણીમાં તેમને પરાજય આપ્યો અને લાંબા સમય સુધી તેમના નામ સાથે બૉફોર્સ શબ્દ જોડાયેલો રહ્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવેદનનો બીજો ભાગ વધુ નિરાશ કરનારો રહ્યો. તેમણે રાજીવ ગાંધીના નિધનની સાથે ભ્રષ્ટાચારના આરોપને જોડવાનો પ્રયાસ કર્યો.
એ સમયે દુનિયાના સૌથી ખતરનાક ઉગ્રપંથી હુમલામાંથી એકમાં રાજીવ ગાંધીનું મૃત્યુ થયું હતું.
ભારત સરકારે રાજીવ ગાંધીને ભારત રત્ન (મરણોત્તર)થી સન્માનિત કર્યા હતા.
પહેલાં માતા ઇંદિરા ગાંધી તથા પછી પુત્ર રાજીવ ગાંધીએ જે રીતે ઉગ્રપંથી હુમલામાં પ્રાણ ગુમાવવા પડ્યા, આવું દુનિયામાં અન્ય ક્યાંય જોવા નથી મળતું.
શ્રીલંકામાં શાંતિ સેના મોકલવાને કારણે એલટીટીઈની આત્મઘાતી ટૂકડીએ રાજીવ ગાંધી ઉપર સ્યુસાઇડ ઍટેક કર્યો હતો.
કેટલાક નિષ્ણાતો માને છે કે જો રાજીવ ગાંધીએ શ્રીલંકા ખાતે શાંતિ સેના મોકલી ન હોત તો પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકામાં પણ અમેરિકાનું વ્યૂહાત્મક થાણું સ્થપાય ગયું હોત.
 
આત્મઘાતી હુમલામાં મૃત્યુ
જો માત્ર ભાજપના સ્ટાર પ્રચારક તરીકે નરેન્દ્ર મોદીએ આવી વાત કહી હોત તો તેમના ભાષણને એ રીતે જોવામાં આવ્યું હોત.
પરંતુ એક વડા પ્રધાન તરીકે પૂર્વ વડા પ્રધાનની છાપને જે રીતે મલીન કરવાનો પ્રયાસ થયો ચે, તેની રાજકીય વર્તુળો તથા મીડિયામાં ભારે ટીકા થઈ છે.
રાજીવ ગાંધીને માતાનાં મૃત્યુ બાદ ઊભા થયેલાં સહાનુભૂતિના જુવાળનો લાભ થયો હતો.
માત્ર ત્રણ વર્ષની રાજકીય કારકિર્દી હોવા છતાં તેમને આટલાં વિશાળ દેશની કમાન સંભાળવી પડી હતી. 1984ની ચૂંટણીમાં કૉંગ્રેસને 415 બેઠક મળી હતી.
રાજકીય અનુભવના અભાવે તથા આજુબાજુનાં લોકોની અયોગ્ય સલાહોને કારણે 'શાહબાનો પ્રકરણ' તથા 'રામ મંદીરના દરવાજા ખોલાવવા' જેવા મુદ્દા આજે પણ ભારતને અસર કરી રહ્યા છે.
એ વાતમાં કોઈ શંકા નથી કે રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન ભારતમાં કૉમ્યુટરનો વ્યાપ વધ્યો અને તેમના કાર્યકાળ દરમિયાન ટૅલિકોમ તથા સંચાર ક્રાંતિનો પાયો નખાયો.
રાજીવ ગાંધીએ ભારતને 21મી સદીમાં લઈ જવાનું સપનું સેવ્યું તથા એ દિશામાં આગળ વધવા માટે અનેક જરૂરી પગલાં પણ લીધાં.
રાજીવ ગાંધીની ઉપર નિશાન સાધતી વકથે મોદીને કદાચ એ વાત યાદ ન રહી કે ભાજપના તત્કાલીન અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ રિશ્વત લેતા કૅમેરામાં ઝડપાય ગયા હતા.
તેમની જ પાર્ટીના અન્ય એક નેતા દિલીપસિંહ જૂદેવ પૈસા લેતી વખતે એવું બોલ્યા હતા કે - 'પૈસા ખુદા તો નથી, પરંતુ ખુદાથી કમ પણ નથી.'
 
શા માટે જીભ લપસે છે?
નરેન્દ્ર મોદીના ભાષણમાં તથ્યો સાથે હેરાફેરી તથા વ્યક્તિગત પ્રહાર એ કોઈ નવી વાત નથી.
તેઓ રૂ.50 કરોડની ગર્લફ્રૅન્ડ અને વિપક્ષને જેલમાં નાખવાની વાત કહેતા રહે છે. તાજેતરના તેમના નિવેદનથી બે વાતો છતી થાય છે.
તેને સત્તાનો ગરૂર કહીએ કે રાજકારણનો બદલતો ચહેરો (ગમે તે કિંમતે સત્તા). મોદી એક વાત ભૂલી જાય છે કે રાજકારણમાં લોકલાજ જેવી કોઈ ચીજ હોય છે.
જે અટલ બિહારી વાજપેયીએ મોદીને પ્રથમ વખત ગુજરાતના મુખ્ય મંત્રી બનાવ્યા, તે વાજપેયીને જીવલેણ બીમારી થઈ હતી. તે સમયે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા..
તેમણે જ વાજપેયીની સારવાર કરાવી હતી તથા અન્ય કોઈને ખબર પણ પડવા દીધી ન હતી.
આ વાતની સ્પષ્ટતા ખુદ વાજપેયીએ રાજીવ ગાંધીનાં નિધન બાદ કરી હતી. વાજપેયીએ કહ્યું હતું કે હું આજે રાજીવ ગાંધીને કારણે જ હયાત છું.
 
રાજીવ ગાંધી ઉપર મોદીએ જે રીતે નિશાન સાધ્યું, તેને જોતાં લાગે છે કે પ્રિયંકા ગાંધીના આરોપ (મરા પરિવાર પ્રત્યે મોદીનાં મગજમાં સણકો છે.)માં તથ્ય છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, "શહીદોનાં નામે તેમની શહીદીને અપમાનિત કરનારા વડા પ્રધાને ગઈકાલે તેમના કાબુ બહારના સણકામાં એક ઇમાનદાર તથા પવિત્ર વ્યક્તિની શહીદીનો અનાદર કર્યો."
 
બીજી બાજુ, રાહુલ ગાંધીએ જે રીતે રિઍક્ટ કર્યું, તેની પણ પ્રશંસા થઈ રહી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું:
"મોદીજી, યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. તમારા કર્મો રાહ જોઈ રહ્યાં છે. ખુદને માટે તમારાં વિચાર મારા પિતા ઉપર નાખીને તમે બચી નહીં શકો. પ્રેમ તથા આલિંગન. રાહુલ."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

PM Modi On Maharashtra Election Results: 'એક હૈ તો સેફ હૈ', આજે દેશનો મહામંત્ર બની ચૂક્યો છે.

ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ! રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાણ કરવામાં આવશે

IPL Auction 2025 - મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત તરફ અગ્રેસર BJP+ વિપક્ષના સૂપડા સાફ, 215 પાર પહોચી સીટ

આગળનો લેખ
Show comments