Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું ગુજરાતની અડધોઅડધ વસતિ શારીરિક રીતે 'ફિટ' નથી?

અર્જુન પરમાર
શનિવાર, 18 જાન્યુઆરી 2020 (09:50 IST)
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતની કુલ પુખ્ત વ્યક્તિઓ પૈકી દર બીજી વ્યક્તિ કાં તો ઓવરવેઇટ છે અથવા તો અંડરવેઇટ. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે- 4ના આધારે તૈયાર કરાયેલા 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના આ અહેવાલમાં 15થી 49 વર્ષની મહિલાઓ અને 15થી 54 વર્ષના પુરુષોનો સમાવેશ પુખ્ય વયની વ્યક્તિ તરીકે કરાયો છે. જોકે, આ આંકડાઓમાં સૌથી વધારે ચિંતાજનક બાબત ઓવરવેઇટ વ્યક્તિઓની સંખ્યામાં થયેલો વધારો છે.
 
અહેવાલ અનુસાર નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 (2015-16) અને સ્ટેટ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ(2019)ની સરખામણી કરતા માલૂમ પડે છે કે રાજ્યમાં પુખ્ત વયની ઓવરવેઇટ મહિલાઓની સંખ્યામાં 0.8 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે પુખ્ય વયના પુરુષોની સંખ્યામાં આ જ ગાળા દરમિયાન 2.9 ટકાનો વધારો થયો છે. અહેવાલ અનુસાર સ્ટેટ ફેમિલી હેલ્થ સર્વે, 2019 પ્રમાણે રાજ્યની કુલ પુખ્ત મહિલામાં સરેરાશ કરતાં ઓછું વજન ધરાવતી મહિલાઓનું પ્રમાણ 24.8 ટકા હતું. તેમજ સર્વે પ્રમાણે રાજ્યની કુલ પુખ્ત વયની મહિલાઓમાં સરેરાશ કરતાં વધુ વજન ધરાવતી મહિલાઓનું પ્રમાણ 24.5 ટકા હતું.
 
આ સર્વે અનુસાર રાજ્યના કુલ પુખ્ત વયના પુરુષોમાં સરેરાશ કરતાં ઓછું વજન ધરાવતા પુરુષોનું પ્રમાણ 20 ટકા હતુ. જ્યારે કુલ પુખ્ય વયના પુરુષોમાં સરેરાશ કરતાં વધુ વજન ધરાવતા પુરુષોનું પ્રમાણ રાજ્યમાં 22.8 ટકા હતું. આમ, રાજ્યનાં કુલ પુખ્ત સ્ત્રી-પુરુષની વસતિ પૈકી લગભગ અડધી વસતિ કાં તો ઓવરવેઇટ હોવાનું જાણવા મળ્યું કાં તો અંડર વેઇટ હોવાનું માલુમ પડ્યું. નિષ્ણાતો માને છે કે રાજ્યની પુખ્ત વસતિમાં પોષણનો આ તફાવત એક ગંભીર સમસ્યા છે.
 
વિકટ બનતી જતી પોષણની સમસ્યા
 
પોષણના તફાવતની સમસ્યાને અમદાવાદની એમ. કે. શાહ મેડિકલ કૉલેજના પ્રાધ્યાપક ડૉ. પ્રદીપ કુમાર ગંભીર ગણાવે છે. બીબીસી ગુજરાતી સાથે રાજ્યમાં પ્રવર્તી રહેલી પોષણની સમસ્યા અંગે વાત કરતાં કહે છે : 
 
"ગુજરાતમાં બાળકોમાં કુપોષણની સમસ્યા ખૂબ વધારે જોવા મળે છે."
 
"પરંતુ આ સમસ્યા પુખ્ત વ્યક્તિઓમાં પણ જોવા મળે છે."
 
"તેનું મુખ્ય કારણ રાજ્યના જુદા-જુદા ભાગો સુધી પહોંચેલા વિકાસમાં દેખાતો ફેરફાર છે."
 
"શહેરી વિસ્તારોની તુલનામાં આદિવાસી વિસ્તારોમાં આ પોષણની સમસ્યા વધુ જોવા મળે છે."
 
"રાજ્યના આદિવાસી વિસ્તારોમાં કુપોષણ અને સરેરાશ વજન કરતાં ઓછું વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યા શહેરી વિસ્તાર કરતાં વધારે હોય છે."
તેઓ ગુજરાતના વિકાસને સમગ્ર અને સમાવેશી વિકાસ નથી માનતા.
 
તેઓ કહે છે કે, "ગુજરાતના તમામ વિસ્તારોમાં એકસરખો વિકાસ નથી થઈ શક્યો તેથી ઘણી જગ્યાએ લોકોને વધુ પોષણયુક્ત ખોરાક મળે છે, તેમજ બીજી તરફ ઘણા વિસ્તારોના લોકોને આટલું પોષણક્ષમ ભોજન મળતું નથી."
 
લોકોની વધતી જતી ખરીદશક્તિ અને સરળતાથી ઓછી કિંમતે મળતા બિનઆરોગ્યપ્રદ આહારને ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. મિનિ શેઠ પોષણના આ તફાવતનું મૂળ કારણ માને છે. 
 
તેઓ રાજ્યમાં પુખ્ત વયની વ્યક્તિઓમાં સરેરાશ વજન કરતાં ઓછું વજન હોવાની સમસ્યાને મુખ્યત્વે મહિલાઓ સાથે જોડીને જુએ છે.
 
તેઓ કહે છે : "પુખ્ત વયની વ્યક્તિઓમાં મુખ્યત્વે મહિલાઓમાં અંડરવેઇટની સમસ્યા વધુ જોવા મળે છે."
 
મહિલાઓમાં સરેરાશ કરતાં ઓછા વજનની સમસ્યા માટે ઓછા પ્રમાણમાં પોષણક્ષમ આહારની ઉપલબ્ધિને તેઓ કારણભૂત માને છે.
 
તેઓ ઉમેરે છે, "ઘણા આદિવાસી વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછા વજનની સમસ્યા પુરુષોમાં જોવા મળે છે."
 
 
ખરીદશક્તિમાં વધારાના કારણે વધી રહી છે સ્થૂળતાની સમસ્યા
 
ડૉ. મિનિ શેઠ લોકોની ખરીદશક્તિમાં થયેલા વધારાને સરેરાશ કરતાં વધુ વજનની સમસ્યા માટે સૌથી વધારે જવાબદાર માને છે.
 
તેઓ કહે છે : "હાલ લોકોની આવકમાં વધારો નથી થયો તેમ છતાં ઘણી બધી વસ્તુઓ ઓછા ભાવે પણ ઉપલબ્ધ બની હોવાથી ઓછી આવક ધરાવતા લોકો પણ બિનપોષણક્ષમ ખોરાક ખાતા થયા છે."
 
"તેથી આ પૃષ્ઠભૂમિના લોકોમાં સરેરાશ કરતાં વધારે વજનની સમસ્યા વધુ જોવા મળે છે."
 
"જેના કારણે એક ઉંમર પછી આ લોકો ઘણી બધી માંદગીઓના શિકાર બનવા લાગે છે."
 
આ સિવાય તેઓ માને છે કે ઘણા લોકો પોતાનું વજન જાળવવા માટે કે ઘટાડવા માટે ખૂબ જ ઓછું ભોજન લે છે, આ કારણે પણ પોષણના તફાવતની સમસ્યા સર્જાય છે.
 
તેઓ કહે છે : "એક તરફ પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય પ્રકારે ધ્યાન ન રાખનારા લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે."
 
"ત્યાં જ બીજી બાજુ કૅલરી ઇન-ટેક બાબતે વધારે પડતું ધ્યાન આપનાર લોકો યોગ્ય પ્રમાણમાં પોષણક્ષમ આહાર ન લેવાના કારણે સરેરાશ કરતાં ઓછું વજન ધરાવતા થયા છે."
 
શાકાહારના આગ્રહને કારણે સમસ્યા સર્જાઈ?
 
ડૉ. પ્રદીપ કુમાર પોષણના તફાવતની આ સમસ્યા માટે ગુજરાતની પ્રજાના શાકાહારના આગ્રહને પણ કારણ ગણાવે છે.
 
તેઓ કહે છે : "ગુજરાતમાં ઘણા લોકો પરંપરાગત રીતે શાકાહારી છે."
 
"પરંતુ ખરી વાત તો એ છે કે શાકાહાર દ્વારા યોગ્ય માત્રામાં પોષણ મેળવવું એ પ્રમાણસર ખર્ચાળ હોય છે."
 
"જ્યારે તેના સ્થાને માંસાહારમાં ઘણા સસ્તા વિકલ્પો ઉપલબ્ધ હોય છે."
 
"જે સરળતાથી ઓછી કીમતે ઉપલબ્ધ હોવાની સાથે સમતોલ આહારના બધા ગુણો ધરાવતું હોય છે."
 
ઈંડાં, માછલી અને અન્ય માંસને તેઓ પોષણનો સારો સ્રોત ગણાવે છે.
 
માંસાહારની તરફેણ કરતાં તેઓ જણાવે છે : "ગુજરાત સિવાય ભારતનાં ઘણાં રાજ્યોમાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ભોજનમાં ઈંડાં આપવામાં આવે છે."
 
"એ તમામ રાજ્યોમાં બાળકોમાં કુપોષણનો દર ગુજરાતની સરખામણીએ ઓછો છે."
 
તેઓ માંસાહારને કુપોષણ અને પોષણમાં તફાવતની સમસ્યાનો સામનો કરવાની કારગત રીત માને છે.
 
તેઓ કહે છે : "પોષણના તફાવતની સમસ્યા સામે લડવા માટે શાકાહાર સિવાયના વિકલ્પો સ્વીકારવાનો પણ આગ્રહ રાખવામાં આવે તો પરિસ્થિતિ સુધરી શકે છે."
 
ઓવરવેઇટ જનસંખ્યાની સમસ્યા
 
ડૉ. પ્રદીપ કુમાર પુખ્ત વ્યક્તિઓમાં સરેરાશ કરતાં વધારે વજનની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહે છે :
 
"શહેરોમાં અને અન્ય વિસ્તારોમાં જે લોકો સારું ભોજન ખરીદી શકવાની શક્તિ ધરાવે છે, તેઓ પોતાના સ્વાસ્થ્યને લઈને પૂરતા પ્રમાણમાં જાગૃત નથી."
 
"તેમને શું ખાવું અને શું ના ખાવું તે વિશે વધારે માહિતી નથી હોતી."
 
"આવા લોકો મોટા ભાગે બહારની વસ્તુઓ ભોજન તરીકે લેવાનો આગ્રહ રાખતા હોવાના કારણે ઓવરવેઇટ વસતિની સમસ્યા સર્જાઈ છે."
 
"લોકો પોતાને પરવડતું હોવાના કારણે ગમે તે વસ્તુ વધારે પ્રમાણમાં લે એ પણ ઇચ્છનીય નથી."
 
ડૉ. મિનિ શેઠ ઓવરવેઇટની સમસ્યાને અંડરવેઇટની સમસ્યા કરતાં વધારે વિનાશક ગણાવે છે.
 
તેઓ કહે છે : "લોકો પોતાના ખોરાકમાં પોષકતત્ત્વોની યોગ્ય માત્રા જાળવે તે જોવું પણ જરૂરી છે."
 
"હું માનું છું કે અંડરવેઇટ કરતાં ઓવરવેઇટની સમસ્યા યુવાનો અને પ્રૌઢો માટે વધારે ખતરનાક છે."
 
"કારણ કે ઓવરવેઇટ વ્યક્તિના શરીરને સમય જતાં ઘણી બીમારીઓ જકડી લે છે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments