Webdunia - Bharat's app for daily news and videos

Install App

માધવસિંહ સોલંકીની ચિરવિદાય : ગુજરાતના એ સીએમ જેઓ કહેવાયા બક્ષીપંચની 27 ટકા અનામતના 'જનક'

ડૉ. ધીમંત પુરોહિત
શનિવાર, 9 જાન્યુઆરી 2021 (12:50 IST)
ગાંધીનગરમાં રાતના ત્રણ વાગવા આવ્યા હતા. આ શહેર આમ પણ સાંજે છ પછી તો જંપી જાય છે. રાતના ત્રણે તો સાવ સન્નાટો હતો. ત્યાં સીએમ હાઉસના દરવાજાની ઘંટડી રણકી. મિટિંગ્સ અને ફાઇલો પતાવી સીએમ સૂવાની તૈયારીમાં હતા. ત્રણ ઘંટડી વાગતા સીએમે વિચાર્યું કે સહાયકો સૂઈ ગયા હશે. એમણે જાતે ઊઠીને દરવાજો ખોલ્યો. દરવાજે એક વૃદ્ધ ઊભા હતા. એમને આવકાર્યા અને આટલા મોડા આવવાનું કારણ પૂછ્યું.
 
વૃદ્ધે કહ્યું, મહેસાણાથી નીકળીને મુંબઈ જવા અમદાવાદ રેલ્વે સ્ટેશને ગયો પણ ટ્રેન ત્રણ કલાક મોડી છે. ત્રણ કલાક ક્યાં કાઢવા, થયું તમને મળીને સુખ- દુખની વાતો કરું! સીએમે એ વૃદ્ધને બેસાડીને જાતે પાણી આપ્યું અને શાંતિથી એમની વાતો સાંભળી. ટ્રેનનો સમય થતા વૃદ્ધ ગયા અને સીએમ પથારી ભેગા થયા.
 
માનવામાં ન આવે એવી આ વાત નવી પેઢી એ જેમને કદીયે ટીવી પર જોયા નથી એવા ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીની છે. આ વાત તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહી હતી. આમ તો દર વર્ષે એમની વર્ષગાંઠ ગાંધીનગરનાં સર્કિટહાઉસમાં ઉજવાતી હતી. સત્તા ગયાના ત્રણ દાયકા પછી પણ ગુજરાતભરમાંથી એમના સમર્થકો આ એક દિવસે એમના નેતાને મળવા આવતા રહેતાં હતાં.
 
 
નહોતું આવવું રાજકારણમાં
 
એ દેશના આયોજનમંત્રી અને વિદેશમંત્રી પણ રહ્યા. જોકે, સ્વિડનની મુલાકાત વખતે બૉફોર્સ વિષયક એક પત્ર ત્યાં પહોચાડવાના વિવાદમાં એમણે મંત્રીપદ અને રાજકારણ છોડવું પડ્યું. એ પત્રમાં શું હતું એ આજ સુધી એક મોટું રહસ્ય જ રહ્યું છે.
 
આજે રાજકારણમાં લોકો થોડા કરોડ રૂપિયા કે મંત્રીપદ માટે પાર્ટી છોડી દે છે. જ્યારે આ માણસે એમના નેતા અને પાર્ટીની શાખ બચાવવા રાજકારણ છોડી દીધું. એ પછી એ ગુમનામી અને મૌનની ગુફામાં પ્રવેશી ગયા. ના કદી જાહેરમાં આવ્યા, ના કદી મીડિયામાં.
 
એમની તો કારકિર્દીની શરૂઆત જ મીડિયાથી થઈ હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના એ યુગના દરેક યુવાનોની જેમ માધવસિંહ પણ જંબુસરના પીલોદ્રા ગામથી ગાંધીની ફોજમાં જોડાવા ઇન્દુલાલ યાજ્ઞિકની મદદથી અમદાવાદના સાબરમતી આશ્રમમાં આવ્યા. ઇન્દુલાલે એમને પોતાના સહાયક બનાવી ચકાસ્યા અને પછી 'ગુજરાત સમાચાર'માં નોકરીએ લગાડ્યા.
 
80 રૂપિયાના પગારે માધવસિંહ આખો દિવસ છાપાની નોકરી કરતા અને રાત્રે ઑફિસના ટેબલો પર એ જ છાપું પાથરી સૂઈ જતા. એમને તો એક સારા પત્રકાર જ બનવું હતું, પરંતુ નિયતિ અકસ્માતે જ એમને રાજકારણમાં લઈ આવી. આશ્રમમાં એમના મિત્ર વકીલ એમને રાજકારણમાં જવાનો આગ્રહ કરતા હતા. પરંતુ માધવસિંહની ઇચ્છા વકીલ બનીને પૈસા કમાઈ પોતાના ગરીબ કુટુંબને પગભર કરવાની હતી. આ નવાઈ જેવી વાત નથી, એ વખતે લોકો પૈસા કમાવા રાજકારણમાં નહોતા આવતા!
 
એમના બીજા મિત્ર બાબુભાઈ જશભાઈ પટેલે એમને સમજાવવા એમના સસરા ઈશ્વરસિંહ ચાવડાને પોસ્ટ કાર્ડ લખ્યું. ઈશ્વરસિંહ જમાઈને સમજાવવા ગાંધી આશ્રમ આવ્યા પણ માધવસિંહ ના માન્યા.
 
આ બાજુ ઈશ્વરસિંહનો નકારનો જવાબ ના આવતા એને હા માની બાબુભાઈએ કૉંગ્રેસની કમિટીની બેઠકમાં મોરારજીભાઈ દેસાઈ પાસે બોરસદ બેઠક માટે માધવસિંહનું નામ મંજૂર કરાવી દીધું. બીજે દિવસે છાપામાં ઉમેદવાર તરીકે નામ છપાયું ત્યારે તો માધવસિંહને એની જાણ થઈ. પછી એ ના ન પાડી શક્યા. અને આમ માધવસિંહ ૧૯૫૭માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા અને 1960મા ગુજરાત અલગ રાજ્ય બનતા ગુજરાતની ધારાસભામાં આવ્યા. રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.
 
દેશભરમાં મધ્યાહ્ન ભોજન માધવસિંહની દેણ
માધવસિંહ સોલંકીને એમના કાર્યકાળની મોટામાં મોટી ક્રૅડિટ આપવી હોય, તો એમણે દેશભરની શાળાઓમાં લાગુ કરાવેલી મધ્યાહ્ન ભોજન યોજના માટે આપી શકાય. 
 
એક વાર રશિયાના પ્રવાસ દરમિયાન એમને આ યોજનાની જાણ થયેલી. જે એમણે તાત્કાલિક ગુજરાતમાં અમલી બનાવી. એમની ઇચ્છા હતી કે આખા દેશમાં આ થવું જોઈએ. એમણે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને વાત કરી. ઇન્દિરા તૈયાર થયાં પણ નાણામંત્રી પ્રણવ મુખરજીએ આર્થિક કારણસર ના પાડી.
 
બાદમાં માધવસિંહ કેન્દ્રમાં આયોજનમંત્રી બન્યા ત્યારે એમણે વડા પ્રધાન રાજીવ ગાંધીને વાત કરી. અહી નાણા સચિવ મનમોહન સિંહે આર્થિક કારણ આગળ ધર્યા, પણ રાજીવ ગાંધીએ માધવસિંહને આયોજન પંચ દ્વારા મધ્યાહ્ન ભોજન યોજના દેશભરમાં લાગુ કરવા કહ્યું.ગુજરાતમાં મફત કન્યા કેળવણી પણ માધવસિંહનાં સમયમાં શરૂ થઈ. એ વખતે માંડ ચાર જીઆઈડીસી હતી એ પણ શહેરી વિસ્તારોમાં. એમણે જિલ્લે જિલ્લે અને પછાત વિસ્તારોમાં પણ જીઆઈડીસી સ્થાપીને ઔદ્યોગિક વિકાસ છેવાડાના માણસ સુધી પહોચાડ્યો. ગુજરાતના આર્થિક વિકાસની અનેક નક્કર યોજનાઓ પણ એમના જ વખતમાં અમલી બની.જોકે, એમની 'ખામ' યાને ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ એવી વોટ બૅન્ક થિયરીએ ગુજરાતી સમાજને નાત જાત અને ધરમમાં વહેંચી નાંખ્યો.
 
બક્ષી પંચની 27 ટકા અનામત પણ એ લાવ્યા. જેણે ગુજરાતને પછાત વિરુદ્ધ ઉજળિયાતનાં વર્ગ વિગ્રહમાં ધકેલી દીધું.
જોકે, 1985માં અનામતનો ઉગ્ર વિરોધ કરનારા પટેલોએ ત્રણ દાયકા બાદ 2015માં અનામત માટે આંદોલન શરૂ કર્યું, ત્યારે જો કોઈને આશ્ચર્ય નહોતું થયું, તો એ માધવસિંહ હતા.
 
 માધવસિંહે માંડ પોતાનો જીવ બચાવ્યો
ત્રણ દાયકા ગળાડૂબ રાજકારણમાં રહ્યા છતાં માધવસિંહે પત્રકારત્વના દિવસોના સંગાથી સાહિત્ય અને સંસ્કૃતિનો સાથ જાળવી રાખ્યો છે. એમના અંગત કલેકશનમાં પંદર હજારથી વધુ ઉમદા પુસ્તકો છે. એમાંના ઘણા તો એમણે અમદાવાદના ગુજરી બજારમાં દર રવિવારે જઈ જાતે સાવ સસ્તામાં ખરીદ્યા છે.
ફિલ્મો અને પ્રવાસના પણ એ શોખીન છે. મુખ્ય મંત્રીપદ છોડ્યા પછી છ મહિના એ આખું યુરોપ ફર્યા હતા. એ કમ્પ્યૂટર મોટી ઉંમરે શીખ્યા છે. જૂની વી.એચ.એસ. કેસેટમાંથી એ જાતે સીડી બનાવે છે. 'કુમાર', 'વીસમી સદી' અને 'પ્રકૃતિ' જેવા જૂના ગુજરાતી સામયિકોની ડિજિટલ સીડીઓ એ કમ્પ્યૂટર પર રસથી જુએ છે.
 
એમના સમયના પત્રકારો, સાહિત્યકારો, કલાકારો અને ગુજરાતી સિનેમાના હીરો-હીરોઇનો સાથે એમના અંગત સંબંધો એમણે મુખ્યમંત્રી બન્યા પછી પણ એવા જ જાળવી રાખ્યા. એ સંબંધો પીઆર પુરતા નહોતા. માધવસિંહ એ બધા સાથે સાહિત્ય અને સંસ્કૃતિના પ્રવાહોની ઉત્કૃષ્ટ ચર્ચા કરી શકતા. એમની આ માનવીય સંવેદનશીલતા પર એમણે રાજકારણને કદી હાવી થવા નથી દીધું.
 
માધવસિંહને અનામત જેવા આંદોલનોનો એકથી વધુ વાર મુકાબલો કરવાનો થયો. એવા એક આંદોલનમાં એક હિંસક ટોળું એમનો જીવ લેવા એમની પાછળ પડ્યું. એમના પર પથ્થરો પડ્યાં અને કપડા સુધ્ધાં ફાડી નંખાયા. ભાગીને નજીકના ખેતરની ઓરડીમાં છુપાઈને માંડ એમણે જીવ બચાવ્યો.
 
બાદમાં પોલીસ આવી. પોલીસે એમને હુમલો કરનારા સામે ફરિયાદ નોધાવવા નામ અને ઓળખાણ પૂછી. માધવસિંહે કહ્યું, એ મારા જ લોકો છે, એમણે જ મને મુખ્યમંત્રી બનાવ્યો છે. આજે એ લોકો મારા પર ગુસ્સે થયા છે એટલે મારા દુશ્મનો નથી બની જતા. એ લોકોને હું ઓળખું છું પણ ફરિયાદ નહીં નોધાવું.
 
આ જ માધવસિંહ પર એ જે છાપામાં કામ કરતા હતા એને આંદોલનમાં સળગાવી દેવામાં નિમિત્ત બન્યાનો ગંભીર આરોપ પણ લાગ્યો, જે કદી સાબિત ના થઈ શક્યો.1985નું અનામત આંદોલન કોમી હુલ્લડમાં ફેરવાઈ ગયું અને 149 બેઠકોની જંગી બહુમતી ધરાવતા મુખ્ય મંત્રીએ સત્તા છોડવી પડી.
આ બધા પાછળ કોણ એવો સવાલ તમે માધવસિંહને કરો તો માધવસિંહના ચહેરા પર એક રહસ્યમય હાસ્ય આવશે અને હોઠ પર એક 'સૈફ' પાલનપુરીની કાવ્યપંક્તિ - " જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવીતી, બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

આગળનો લેખ
Show comments