Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની આ બૅન્કમાં પ્રવેશતી વખતે બુરખા પર પ્રતિબંધ કેમ મુકાયો હતો? શું છે સમગ્ર કહાણી

Webdunia
મંગળવાર, 7 મે 2019 (16:42 IST)
સુરતની બૅન્ક ઑફ બરોડા અને દેના બૅન્કની મર્જરવાળી બૅન્ક તરફથી એવું ફરમાન આપવામાં આવ્યું હતું કે 'બુરખો કે હેલ્મેટ પહેરીને બૅન્ક તથા એટીએમમાં દાખલ થવું નહીં.'
મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં આવેલી બૅન્ક ઑફ બરોડા શાખા દ્વારા આ જાહેર સૂચના લગાવવામાં આવી હતી જે બાદ તેનો ખૂબ વિરોધ થયો.
એટલુ જ નહીં બૅન્કની આ સૂચના સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી જે બાદ બૅન્કના આ પગલાની લોકોએ ટીકા કરી હતી.
આખરે ચારેતરફથી સખત વિરોધને જોતા બૅન્ક દ્વારા સૂચનામાં સુધારો કરી બુરખાને બદલે સ્કાર્ફ લખવામાં આવ્યું હતું.
 
શું છે સમગ્ર ઘટના?
સુરતના અંબાજી રોડ પર આવેલી ચૌટા બજારમાં આવેલી બૅન્ક ઑફ બરોડાની શાખાએ એક સૂચના મૂકી હતી જેમાં લખ્યું હતું 'પ્લીઝ રિમૂવ યોર હેલ્મેટ/બુરખા', 'નો ઍડમિશન વિથ હેલ્મેટ/બુરખા.'
મતલબ કે બૅન્કમાં હેલ્મેટ કે બુરખો પહેરીને પ્રવેશ કરવો નહીં, કૃપા કરી હેલ્મેટ તથા બુરખો ઉતારો.
બૅન્કના આ ફરમાન બાદ આ મુ્દ્દો મીડિયામાં ચગ્યો હતો અને ચારેતરફ વિવાદનું કેન્દ્ર બન્યો હતો.
આ અંગે મહિલાઓના અધિકાર માટે લડતાં અને ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનનાં આગેવાન ઝકિયા સોમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે આ બાબત પુરુષપ્રધાન વર્ચસ્વની માનસિકતા દર્શાવે છે.
તેઓ કહે છે, "બૅન્ક દ્વારા આ સૂચના કોઈ એક સમુદાયને ટાર્ગેટ કરતી હોય તેવું લાગે છે."
તેમણે એવું પણ કહ્યું કે બૅન્ક દ્વારા એવું લખવું જોઈતું હતું કે બૅન્કમાં પ્રવેશતી વ્યક્તીએ પોતાનો ચહેરો સ્પષ્ટ દેખાય તેનું ધ્યાન રાખવું.
સુરતના ઍડ્વોકેટ અને આ મુદ્દાનો વિરોધ કરનારા બાબુ પઠાણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે સ્થાનિક અખબારમાં છપાયેલા સમાચાર બાદ આ મુદ્દો મારા ધ્યાને આવ્યો અને મેં આ બાબતનો વિરોધ કર્યો હતો.
તેમણે એમ પણ કહ્યું કે મારી જાણકારી મુજબ બૅન્ક ઑફ બરોડા અને દેના બૅન્ક એમ મર્જર કરેલી ત્રણ બૅન્કોમાં શહેર પોલીસ કમિશનરની સૂચનાથી આ પ્રકારનું પોસ્ટર મૂકવામાં આવ્યું હતું.
જોકે, પોલીસ કમિશનર સાથે વાતચીત કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે પ્રશાસન દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી.
બુરખા મુદ્દે વાત કરતા તેમણે કહ્યું કે બુરખો સમગ્ર શરીરે પહેરવાનો હોય છે ન કે માત્ર ચહેરો ઢાંકવા. એટલા માટે આ ફરમાન તદ્દન ગેરકાયદેસર છે.
તેઓ કહે છે, "અમારા વિરોધ બાદ બૅન્કે પોતાની ભૂલ સુધારી અને બુરખાની જગ્યાએ સ્કાર્ફ શબ્દનો ઉપયોગ કર્યો હતો."
 
શું કહે છે બૅન્ક?
ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં બૅન્ક ઑફ બરોડાના બ્રાન્ચ મૅનેજર નવીન ધોકિયાએ કહ્યું કે બૅન્ક દ્વારા ભૂલ થઈ છે જે સુધારવામાં આવશે.
ધોકિયા કહે છે, "અમારાથી શબ્દપ્રયોગમાં ભૂલ થઈ છે. પરંતુ અમે 'બુરખા'ની જગ્યાએ 'સ્કાર્ફ' વાપર્યું છે."
આ સૂચના મૂકવા પાછળનો હેતુ સમજાવતા તેમણે કહ્યું હતું કે બૅન્કમાં જો કોઈ સ્કાર્ફ પહેરીને આવે, તો જાણ ન રહે કે તે કોણ છે. એટલા માટે સુરક્ષાને ધ્યાને રાખી આ સૂચના મૂકવામાં આવી હતી.
 
 
 
બુરખા પર પ્રતિબંધ લગાવો, તો ઘૂંઘટ પર પણ લગાવો
હાલમાં જ થોડા દિવસો પહેલાં ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે કહ્યું હતું કે બુરખા સાથે ઘૂંઘટ ઉપર પણ પ્રતિબંધ લાગવો જોઈએ.
અખ્તરે કહ્યું હતું, "જો તમે બુરખા પર પ્રતિબંધ લગાવવા માગો છો તો મને કોઈ વાંધો નથી, પરંતુ વર્તમાન સરકારે ઘૂંઘટ ઉપર પણ પ્રતિબંધ લાદવો જોઈએ."
જાવેદ અખ્તરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ બન્યું હતું.
ઉલ્લેખનીય છે કે બુરખાને લઈને અનેક દેશોએ કડક પ્રતિબંધોનું વલણ અપનાવ્યું છે.
થોડા સમય અગાઉ શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ ત્યાંની સરકારે બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપલા સિરીસેનાની ઑફિસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 'ચહેરાની ઓળખ છુપાવે' તેવાં તમામ પ્રકારનાં કપડાં પર પ્રતિબંધ લાદવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments