ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં એક યુવાને બે દિવસ અગાઉ મધ્યરાત્રીએ આકાશમાં જોયેલા રહસ્યમય લિસોટાને મોબાઈલ કેમેરામાં કેદ કરીને ભારે કુતુહલ સર્જયુ છે. કાળા ડિબાંગ આકાશમાં જોવા મળેલો આ ભેદી તેજ લિસોટો શુ હતો તે હજી જાણી શકાયુ નથી. પરંતુ આ મોબાઈલ ક્લીપે વડોદરા સહિત રાજ્યભરના લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જયા છે. સેંકડો વર્ષોથી આકાશમાં થતી ભેદી હિલચાલે અનેક વૈજ્ઞાનિકો માટે સંશોધન માટેના નવા વિષયો તૈયાર કર્યા છે, ત્યારે વડોદરાના યુવાને ઉતારેલી મોબાઈલ ક્લીપમાં દેખાતો આકાશી પદાર્થ શુ છે તે પણ સંશોધનનો વિષય બની ગયો છે. યુવાનના મોબાઈલમાં દેખાતી ચીજ ખરેખર કોઈ અનઆઈડેન્ટીફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ( UFO) છે કે પછી મોબાઈલ કેમેરાની કરામત, તે વિષે હજી સુધી કોઈ તારણ બહાર આવ્યુ નથી.
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી કુરેશનગર સોસાયટીમાં રહેતા અરશદ મહેંદી બરફવાલાએ 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, 26મીએ રાત્રે તે પોતાના મકાનની અગાસી પર સૂતો હતો. રાત્રીના અઢી વાગ્યાની આસપાસ તેના મોબાઈલ ઉપર એક ખાનગી કંપનીનો 'વણ માંગ્યો' એસએમએસ આવ્યો, જેણે તેની ઉંઘમાં ખલેલ પહોંચાડી. તે સમયે આકાશમાં નજર કરતાં તેને એક અજીબ પ્રકાશપૂંજ દેખાયો. કાળા ડિબાંગ અવકાશમાં એક લિસોટો જોઈને તે આશ્ચર્યમાં ગરકાઈ ગયો. તે સમયે તેણે પોતાના મોબાઈલ ફોનનો કેમેરો ચાલુ કરીને આ સમગ્ર ઘટનાનુ શુટીંગ કરી લીધુ. આકાશમાં બનેલી આ રહસ્યમય ઘટનાને તેણે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી.
PR
P.R
સવારે આ બાબત અંગે તેણે મીત્રો તથા પાડોશીઓને જાણ કરી. મોબાઈલ ક્લીપમાં સ્પષ્ટપણે કોઈ અનોખો પદાર્થ જોવા મળતો હતો. રાત્રીના અંધકારમાં તેની હિલચાલ ચોખ્ખી દેખાતી હતી. આકાશમાં દેખાતી આ ચીજ ખરેખર શુ હતી તે વિષે અનેક તર્કવિતર્કો ઉભા થયા. આ મોબાઈલ ક્લીપ વિષે વડોદરા શહેરના પ્લેનેટેરિમના આસિટન્ટ ઈજનેરને જાણ કરવામાં આવી અને સમગ્ર ક્લીપ તેમને પણ બતાવવામાં આવી. લગભગ એક મિનીટ અને અઢાર સેકન્ડની આ ક્લીપમાં રહસ્યમય લિસોટો સ્પષ્ટ જોવા મળતો હતો. ખરેખર આ કોઈ અનઆઈડેન્ટીફાઈડ ફ્લાઈંગ ઓબજેક્ટ ( UFO) હતો કે પછી મોબાઈલ કેમેરાની કરામત હતી તે હજી સ્પષ્ટ થયુ નથી.
આ અંગે અરશદ બરફવાલાએ જણાવ્યુ હતુ કે, તેની વાત પર કેટલાય લોકો વિશ્વાસ નથી કરી રહ્યા. તેઓનુ માનવુ છે કે, મોબાઈલ ફોન દ્વારા અંધારામાં કોઈ પ્રકાશપૂંજનુ શૂટીંગ કરવામાં આવે તો આ પ્રકારના લિસોટો આપોઆપ ઉભો થાય છે. પરંતુ તેણે આકાશમાં આ સમગ્ર ઘટના નજરે નિહાળી હતી. લગભગ ત્રણેક મિનીટ સુધી સમગ્ર ઘટનાક્રમ ચાલ્યો હતો. તેના મોબાઈલ ફોનની મેમરી પુરી થઈ જતાં સુધી તેણે સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. આ ક્લીપ લગભગ એક મિનીટ અને અઢાર સેકન્ડની બની હતી. ખરેખર આકાશમાં દેખાયેલો આ પદાર્થ શુ છે તે જાણવાની તાલાવેલી અરશદે પણ વ્યક્ત કરી હતી. તેણે પોતાના અનુભવને વડોદરાના પ્લેનેટેરિમના ઈજનેરો સમક્ષ વર્ણવ્યો હતો.
PR
P.R
વડોદરાના કમાટીબાગમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટેરિયમના આસિસ્ટન્ટ ઈજનેર અને પાછલા વીસ વર્ષોથી આકાશદર્શન કરી રહેલા દિવ્યદર્શન પુરોહીતે 'વેબદુનિયા' સાથેની ખાસ વાતચીતમાં ઉપરોક્ત ઘટના વિષે કેટલાક તથ્યો સામે અંગૂલી નિર્દેશ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, અરશદ બરફવાલાના મોબાઈલ ફોનની ક્લીપ જોયા બાદ તેમણે ત્રણ તારણ કાઢ્યા હતા. તેમણે પહેલુ તારણ જણાવ્યુ હતુ કે, અંધકારમાં કોઈ પ્રકાશિત ચીજ સામે મોબાઈલ ફોનમાંથી શૂટીંગ કરવામાં આવે તો આ પ્રકારનો ઓબજેક્ટ ઉભો થાય તે શક્યતા નકારી શકાતી નથી.
પરંતુ અરશદે ખરેખર આ શૂટીંગ આકાશમાંથી કર્યુ હોય તો બીજી શક્યતા તરફ તેમનુ તારણ વળે છે. બીજુ તારણ દર્શાવતાં તેમણે કહ્યુ હતુ કે, બ્રમ્હાંડમાં ઈરિડીયમ ફ્લેર અને કોસ્મિક-રે હજારોની સંખ્યામાં જોવા મળે છે. બ્રમ્હાંડમાંથી છટકીને કોઈ ઈરિડીયમ ફ્લેર અથવા કોસ્મિક-રે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી હોય અને તે જોઈને અરશદે મોબાઈલમાં તેનુ શૂટીંગ કરી લીધુ હોય તે શક્યતા પણ છે.
PR
P.R
ત્રીજા અને અત્યંત રહસ્યમય તારણ તરફ તેમણે અંગૂલી નિર્દેશ કરતાં જણાવ્યુ હતુ કે, પાછલા સેંકડો વર્ષોથી વિશ્વભરના અનેક ખગોળ વિજ્ઞાનીઓ અનઆઈડેન્ટીફાઈડ ફ્લાઈંગ ઓબજેક્ટ્સ વિષે અભ્યાસ કરતાં રહ્યા છે. અન્ય ગ્રહ ઉપર જીવન છે તેવુ અનેક વિજ્ઞાનીઓ દ્ઢ પણે માને છે. અનેક વાર તેના પ્રત્યક્ષ અથવા પરોક્ષ પુરાવા દુનિયા સમક્ષ આવતાં રહ્યા છે. અનઆઈડેન્ટીફાઈડ ફ્લાઈંગ ઓબજેક્ટ વિષે અનેક વાતો પ્રચલિત છે. વડોદરાના અરશદે મોબાઈલ કેમેરામાં કેદ કરેલો આકાશી પદાર્થ, જો મોબાઈલની કરામત ન હોય અથવા તે ઈરિડીયમ ફ્લેર કે પછી કોસ્મિક-રે પણ ન હોય તો પછી તે UFO હોવાની શક્યતા છે. તેમણે કહ્યુ હતુ કે, પાછલા વીસ વર્ષથી તેઓ નિયમીત આકાશદર્શન કરી રહ્યા છે. ગુજરાતમાં તેમણે ક્યારેય, કોઈએ પણ UFO જોયુ હોય તે તેમના ધ્યાનમાં નથી. પરંતુ જો, અરશદે કરેલા શૂટીંગમાં UFO હોય તો તે ખગોળ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય છે.
અરશદે કરેલા શૂટીંગ અને તેના UFO હોવાની આશંકા ઉભી થતાં ફરી એકવાર બ્રમ્હાંડમાં જીવન છે કે કેમ તે વિષેનો રહસ્યમય સવાલ ઉભો થયો છે. આ અંગે દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યુ હતુ કે, પૃથ્વીના લોકો જેવી રીતે અન્ય ગ્રહો પર યાન મોકલીને ત્યાંની પરિસ્થીતી વિષે જાણકારી મેળવે છે. તેવી જ રીતે પરગ્રહ વાસીઓ પણ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને અહીંની તમામ પરિસ્થીતીઓનો ચિતાર મેળવે છે તેવી અનેક વૈજ્ઞાનિકોએ પોતાના વિસ્તૃત અભ્યાસ બાદ જાહેર કર્યું છે.