Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત: 30 વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય ખેતી માટે લીઝ પર અપાશે

મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત: 30 વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય ખેતી માટે લીઝ પર અપાશે
, મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (17:28 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના નક્કર પરિણામલક્ષી આયોજન સાથે એક મહત્વપૂર્ણ કદમ રૂપે ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાણની સરકારી પડતર જમીનોને 30 વર્ષના લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતીથી વધુ આવક મેળવવાનો અને આવા પાક ઉત્પાદનના વેલ્યુએડીશનથી એકસપોર્ટ-નિકાસનું પ્રમાણ વધારવા તથા રોજગારના નવા અવસરો સર્જવાનો આ ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’નો મુખ્ય ઉદેશ્ય હોવાનું જણાવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મિશનની જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં સુકા અને અર્ધસુકા તેમજ દરિયાકાંઠાના ખારાશવાળા વિસ્તારોને કારણે કૃષિ વિકાસ પડકાર રૂપ છે. આમ છતાં આફતને અવસરમાં પલટાવવાની આગવી ક્ષમતા સાથે સરકારે કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્ડકાર્ડ, જળસંચય અભિયાન, ડ્રીપઇરીગેશન, સાત પગલાં ખેડૂત કલ્યાણના, કિસાન સૂર્યોદય યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના જેવા આયામોથી ગુજરાતને કૃષિ વિકાસ દરમાં દેશભરમાં અગ્રેસર રાખ્યું છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યની 196 લાખ હેક્ટર જમીન પૈકીની 50 ટકા એટલે કે 98 લાખ હેક્ટર જમીન ખેતી હેઠળ આવેલી છે તેમજ પડતર અને બિન ઉપજાઉ જમીનોમાં બાગાયતી અને ઔષધિય પાકોના વાવેતરની વિપૂલ સંભાવનાઓ છે. ગુજરાતમાં 2019-20ના વર્ષમાં 4.46 લાખ હેક્ટરમાં ફળ પાક વાવેતર અને 92.61 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે દેશના ફળ-શાકભાજીના કુલ ઉત્પાદનમાં 9.20 ટકા જેટલું મહત્વનું પ્રદાન કરેલું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં કુલ પાકોના વાવેતરમાં ઉત્તરોત્તર અંદાજે 20 હજાર હેક્ટર જેટલો વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો દાડમ, જામફળ, ખારેક, પપૈયા જેવા પાકના હબ તરીકે ઉભરી આવ્યા છે. રાજ્ય સરકારની કૃષિ ટેક્નોલોજીને પ્રોત્સાહન, સિંચાઇ સુવિધા અને ખેડૂત હિતકારી નીતિઓના પરિણામે સૂકા, અર્ધસુકા કે ખારાશ ધરાવતા વિસ્તારો પણ કૃષિ ઉત્પાદનની હરિયાળીથી લહેરાતા થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ કરીને રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, હવે રાજ્ય સરકારે આ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર પડતર સરકારી જમીનોમાં પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી બાગાયતી ઔષધિય પાક સમૃદ્ધિ દ્વારા નવઘડતર અને ખેડૂતોની આવક બમણી કરવા, રોજગારસર્જન વધારવા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની પહેલ કરી છે. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનનો પ્રથમ તબક્કે રાજ્યના પાંચ જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અમલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ મિશન અન્વયે બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલા વિસ્તારો અને સરવે નંબરની અંદાજે 20 હજાર હેક્ટર જમીન ફકત આવા પાક વાવેતર માટે 30 વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે. આના પરિણામે, બિન ઉપજાઉ સરકારી પડતર જમીનોનો યોગ્ય ઉપયોગ કરીને ફળ-ફૂલ, શાકભાજી, મસાલા તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવા પ્રોત્સાહન મળશે. રાજ્યનું કૃષિ ઉત્પાદન અને આવક વધારી નવી રોજગારીની તકો ઊભી થવાથી દેશના જી.ડી.પી.માં ગુજરાતના કૃષિ ક્ષેત્રનો ફાળો અગ્રેસર રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં સ્પા અને મસાજ પાર્લરમાં યુવતીનું રહસ્યમય મોત