Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસની ગળથુથીમાં નૈતિકતાના મૂલ્યો રહ્યા નથી, મહાત્મા ગાંધીની કોંગ્રેસ ક્યારની ખતમ થઈ ચૂકી છે -વિજય રૂપાણી

કોંગ્રેસની ગળથુથીમાં નૈતિકતાના મૂલ્યો રહ્યા નથી, મહાત્મા ગાંધીની કોંગ્રેસ ક્યારની ખતમ થઈ ચૂકી છે -વિજય રૂપાણી
, ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (11:29 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લીંબડીના ભાજપા ઉમેદવાર કિરિટસિંહ રાણાના સમર્થનમાં લીંબડી ખાતે અને મોરબીના ભાજપા ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમાં મોરબી ખાતે જાહેરસભાઓને સંબોધન કર્યું હતું તેમજ સામાજિક અગ્રણીઓ તથા વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ અને બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં જનતા કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેવાની છે, કોંગ્રેસનો કારમો પરાજય નિશ્ચિત છે, કોંગ્રેસ પણ પોતાની હાર ભાળી ચૂકી છે, તેની પાસે કોઈ મુદ્દો નથી. ગુજરાતમાં જનતાના આશીર્વાદથી ભાજપાની પૂર્ણ બહુમતીની સ્થિર સરકાર છે અને મને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે કે , આવનાર ચૂંટણીમાં પણ મતદારો ભાજપાના સમર્થનમાં મતદાન કરીને સરકારને વધુ મજબૂતી આપી રાજ્યની વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપશે.
 
રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આજે તેના પૂર્વ ધારાસભ્યોને પક્ષપલટુ કહી રહી છે, આ એ જ કોંગ્રેસ છે જેણે ભાજપામાંથી કોંગ્રેસમાં ગયેલા શંકરસિંહ વાઘેલાને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા બનાવ્યા, આ એ જ કોંગ્રેસ છે જેણે શ્રી બાબુભાઇ જસભાઈ પટેલના નેતૃત્વની સરકાર તોડી હતી.
 
કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ કૉંગ્રેસના નેતૃત્વની નિષ્ફળતાના કારણે, અંદરોઅંદરના તીવ્ર જૂથવાદને કારણે, કોંગ્રેસની ફક્ત એક પરિવારની ભક્તિ કરવાની પરંપરાને કારણે કોંગ્રેસથી પોતાને અલગ કર્યા છે અને આ ચૂંટણી આવી છે. કોંગ્રેસની ગળથુથીમાં નૈતિકતાના મૂલ્યો રહ્યા નથી, મહાત્મા ગાંધીની કોંગ્રેસ ક્યારની ખતમ થઈ ચૂકી છે, રાહુલ ગાંધીની કોંગ્રેસ બની ચુકી છે, કોંગ્રેસ ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારીનો પર્યાય બની ચુકી છે.
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નહેરૂએ વર્ષો પહેલા 'આરામ હરામ હૈ', એવું કહેલું પણ ત્યારબાદ દેશમાં રોજગારી માટે કાંઈ કર્યું નહિ, સૂત્ર આપીને પોતે આરામ જ કર્યો અને દેશમાં બેરોજગારીનો દર વધ્યો. કોંગ્રેસે વર્ષો સુધી ધર્મ-સંપ્રદાયોમાં, જ્ઞાતિ-જાતિમાં ઝગડા કરાવી, વર્ગ વિગ્રહ ઉભા કરાવી, વોટબેંકનું રાજકારણ કરી સત્તામાં આવી દેશને લૂંટવાનું કામ જ કર્યું છે. 
 
ગુજરાતની શાણી જનતા તો આ કોંગ્રેસને સુપેરે ઓળખી ગઈ છે એટલે જ 25 વર્ષથી તેને સત્તાથી દુર રાખી છે. ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર ગઈ અને ગુજરાતની ઐતિહાસિક વિકાસયાત્રા શરૂ થઈ. આજે ગુજરાત દેશનું સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય અને સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય છે, તમામ ક્ષેત્રે ઉચ્ચ સુવિધાઓથી સજ્જ છે, ગુજરાત આજે રમખાણ મુક્ત બન્યું છે, રાજ્ય શાંતિ અને સલામતીનું વાતાવરણ છે.
 
કોંગ્રેસના સાશનમાં ગુંડાઓ અને લુખ્ખાઓ કોંગ્રેસના મંત્રીઓના નિવાસસ્થાને આશરો લેતા હતા, કોઈ નાગરિક પોતાને સલામત મહેસુસ નહતો કરી શકતો. આજે  'ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે'ના સંકલ્પ સાથે  રાજ્ય સરકારે નવા કડક કાયદાઓ બનાવ્યા છે. કોંગ્રેસના દિશાહીન શાસનને કારણે, કોંગ્રેસના લુલા કાયદાઓને કારણે રાજ્યના ગરીબ, મધ્યમવર્ગ, ખેડૂતો તેમજ શહેરના નાગરિકોની સંપત્તિઓ ભૂમાફિયાઓ પચાવી પાડતા હતા. રાજ્યની ભાજપ સરકારે માફિયાઓ સામે કડક કાયદો લાવી, નિર્દોષ માણસની સંપત્તિ કોઈ હડપ ન કરી જાય તેની ચિંતા કરી છે. 
 
ખેડૂતો માટે કાંઈ ન કરી શકનારી કોંગ્રેસ આજે ખેડૂતોના નામે મગરના આંસુ સારી રહી છે.પોતાના રાજમાં ખેડૂતે પકવેલા અનાજનો એક પણ દાણો ટેકાના ભાવે ન ખરીદનારી કોંગ્રેસ આજે ખેડૂતો વિશેની વાત કરી રહી છે.  રાજ્યની ભાજપા સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 15 હજાર કરોડથી વધુની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે. આ વર્ષે પણ ટેકાના ભાવથી ખરીદી ચાલુ છે. અતિવૃષ્ટિથી નુક્સાનીના કિસ્સામાં ચોમાસુ પાકમાં સહાય આપવા માટે ઈતિહાસમાં પ્રથમ વખત ખેડૂતોને હેક્ટર દીઠ ૧૦,૦૦૦ રૂપિયાની સહાય આપી રાજ્યની ભાજપા સરકારે ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે રૂપિયા 6,000 ઈનપુટ સબસીડી રુપે મોકલીને સીધી સહાય કરી છે. ખેડૂતો માટે આ પ્રકારનું કાર્ય કોંગ્રેસે તેના શાસનમાં ભૂતકાળમાં ક્યારેય કર્યું નથી. કોંગ્રેસે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી કે વીજળી આપી ન હતી જેના કારણે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવતો હતો. આજે ભાજપાની સરકારના સાશનમાં દેશ અને રાજ્યનો ખેડૂત સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે.
 
દિલ્હીની સરકાર હોય કે ગાંધીનગરની, ભાજપાની સરકાર ગરીબ, પીડિત, શોષિત, મધ્યમ વર્ગ, ખેડૂતોની, ગામડાઓની સરકાર છે, દેશના ગરીબોને ધ્યાનમાં રાખી જન-ધન યોજના, ઉજજ્વલા યોજના, ઉજાલા યોજના, શૌચાલયની યોજના, ખેડુત સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, માં અમૃતમ, માં વાત્સલ્ય યોજના, જન ઔષધિ કેન્દ્રો સહિતની અનેક યોજનાઓ ભાજપા સરકારે કાર્યરત કરી છે. ગુજરાત સરકાર દ્વારા વધુ 50 લાખ લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તહેવારની શરૂઆત થતાં કોરોનાનું જોખમ વધ્યું, બેદરકારીને લીધે ચેપ વધતો ગયો