Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રાણવાયુનો પુરતો સ્ટોક, ઈમરજન્સીના સમયે જરૂરિયાતને પહોંચી વળવા બફર સ્ટોક

પ્રાણવાયુનો પુરતો સ્ટોક, ઈમરજન્સીના સમયે જરૂરિયાતને પહોંચી વળવા બફર સ્ટોક
, મંગળવાર, 11 મે 2021 (08:19 IST)
સુરતમાં ટેન્કરોની જરૂરિયાત મુજબ ઓક્સિજનની સપ્લાય કર્યો હતો. સાત ડીલર પાસેથી ઓક્સિજન જથ્થો મળતો રહે તે માટે મોનિટરીંગ કરવામાં આવી રહ્યું હતું. ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ઈમરજન્સીના સમયે કોઈ પણ હોસ્પિટલને ઓક્સિજન સ્ટોક પૂરો પાડી શકાય એ માટે અંદાજે ૨૫૦-૩૦૦ જમ્બો સિલિન્ડરો, પાંચ ડ્યુરા અને ચાર પોર્ટાનો બફર સ્ટોક કટોકટી હેતુ માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો. જ્યારે પણ હોસ્પિટલો દ્વારા S.O.S (ઈમરજન્સી) કોલ્સ આવતા ત્યાંરે તેઓના સિલિન્ડરો રિફિલિંગ થાય ત્યાં સુધી આ બફર સ્ટોકમાંથી ઓક્સિજન આપવામાં આવતો હતો.
 
પ્રત્યેક ઓક્સિજન ટેન્ક સાથે પોલીસ જવાન તૈનાત
ઓક્સિજનનો સમયસર સપ્લાય થાય તે માટે સુરતથી મામલતદારશ્રી તેમના સ્ટાફ સાથે જામનગરના રિલાયન્સ ખાતે ડ્યુટી પર મૂકાયા હતા. સમયસર ઓક્સિજન પહોંચાડવા ઓક્સિજનના ટેન્કરોના ઝડપી આવાગમન માટે 'ગ્રીન કોરિડોર' બનાવાયો હતો. જેમાં દરેક ટેન્કરને પોલીસ વાહનના પાયલોટીંગ સાથે ગ્રીન કોરિડોર મારફતે વિનાવિક્ષેપ સમય ગુમાવ્યા વિના સુરત ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. પ્રત્યેક ટેન્ક સાથે એક પોલીસ જવાનને તૈનાત રહી ટેન્કર સુરક્ષિતપણે ગંતવ્યસ્થળે પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
webdunia
ખાનગી હોસ્પિટલ સંચાલકોને હાશકારો થયો
શહેરની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલના સંચાલક ડો.બિરેન ચૌહાણે જણાવ્યું કે, કોરોના કેસોમાં અચાનક આવેલા ઉછાળાના પરિણામે માંગમાં વધારો થતા આગામી સમયમાં અછત સર્જાશે તો શું કરવું એની ખુબ દ્વિધા હતી. પરંતુ જિલ્લા વહીવટીતંત્રએ શહેરની ૩૦૦થી વધુ હોસ્પિટલો તથા સરકારી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને સમયસર પુરવઠો પૂરો પાડીને દર્દીઓને નવું જીવન આપ્યું હતું, અને અમારા જેવા હોસ્પિટલ સંચાલકોને હાશકારો થયો હતો.
 
શહેરના સાત રિફીલરો સાથે ઓક્સિજનની પૂર્તિ માટે રાઉન્ડ ધ કલોક મોનિટરીંગ 
સુરત શહેરમાં હજીરા આઈનોક્ષ, ઝઘડિયા તથા જામનગરથી આવતાં ઓક્સિજનના સપ્લાય અને રિફિલિંગ માટે સાત સપ્લાયરોને નિયુક્ત કરાયા હતાં. દર બે કલાકે ઓક્સિજન જરૂરિયાતનું મોનિટરીંગ, જથ્થાનું પ્રમાણ, મીટર રિડિંગ માટે તંત્રના દરેક સપ્લાયર પર એક અધિકારી સતત રાઉન્ડ ધ કલોક નિગરાની રાખતા હતાં. 
 
 
ઓક્સિજન રિફિલ માટે તથા સમયસર સપ્લાય માટે તંત્રનો સહયોગ
ઓક્સિજન રિફીલર, સપ્લાયર પલસાણાના અક્ષય એર પ્રોડકટસના હેમલ દેસાઈએ જણાવ્યું કે અમારા બે રિફિલિંગ પ્લાન્ટમાં જાન્યુઆરી મહિના દરમિયાન ૧૮૦ થી ૧૨૦ મેટ્રિક ટનનું રિફિલિંગ થતુ હતું. માર્ચ-એપ્રિલની જરૂરીયાતને પહોચી વળવા માટે બન્ને પ્લાન્ટના કર્મચારીઓએ દિવસ-રાત મહેનત કરીને ૨૪ કલાક પ્લાન્ટ શરૂ રાખીને ૮૦૦-૯૦૦ મેટ્રિક ટન સુધી રિફિલ કર્યું હતું. સરકારના અધિકારીઓએ ઓક્સિજન રિફિલ માટે તથા સમયસર સપ્લાય થાય તે માટે તમામ સહયોગ પૂરો પાડયો હતો. 
 
એપ્રિલ મહિના દરમિયાન ઓકિસજનનો વપરાશ
૧૧મી એપ્રિલના રોજ ૧૮૧.૯૫ મેટ્રીક ટન હતો. જયારે ૨૦મી એપ્રિલના રોજ ૨૧૭.૭૨ મેટ્રીક ટન, તા.૨૨મી એપ્રિલે ૨૪૧.૨૮ મેટ્રીક ટન, તા.૩૦મી એપ્રિલે ૧૯૧.૮૪, જે વપરાશ ઘટીને તા.૯મી મેના રોજ ૧૪૯.૧૧ મેટ્રીક ટન થયો છે.   
 
કટોકટીના સમયમાં કરકસર માટે ઓક્સિજન ઓડિટ
જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું કે, અન્ય શહેરોમાં પણ ઓક્સિજનની માંગમાં વધારો થતાં સુરત માટેનો ઓક્સિજન ક્વોટા ઘટાડવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિને પહોચી વળવા માટે અમે ઓક્સિજનનો કરકસરથી ઉપયોગ થાય એ માટે ઓક્સિજન ઓડિટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઓક્સિજનના કાર્યક્ષમ ઉપયોગ માટે સિવિલ, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલો માટે ડેડીકેટેડ ઓક્સિજન ઓડિટ ટીમ બનાવવામાં આવી હતી. ઓડિટ ટીમે તમામ હોસ્પિટલોની મુલાકાત લઈ તમામ લિકેજ પોઈન્ટ ચકાસી તેમા સુધારા કરાવ્યા. અગાઉ કરવામાં આવેલા ૯૬-૯૭ % ની તુલનામાં ૯૪ % મહત્તમ પર SPO2 જાળવવા જેવી શ્રેષ્ઠ પદ્ધતિઓ લાગુ કરવામાં આવી હતી.
 
કલેકટરએ કહ્યું કે, બાયપેપ દર્દીઓ માટે સ્ટેપ ડાઉન મેથડ અજમાવવામાં આવી હતી. જેમાં દર્દીઓ ૮૦-૯૦ LPM ઓક્સિજન પર હોય, તો તે ધીરે ધીરે ૬૦-૫૦ LPM સુધીના સ્તરે લાવી ચોવીસ કલાક દર્દીને દેખરેખ હેઠળ રાખવામાં આવતા હતા. આ પછી જો દર્દી તે લેવલ પર સ્ટેબલ રહે તો ઘટાડેલ લેવલ પર ઓક્સિજન રાખવામાં આવે છે. 
webdunia
આ રીતે વપરાશ ઓછો થયો અને ઓક્સિજન બચાવવામાં ખુબ મદદ મળી. સીસીટીવી કેમેરા સર્વેલન્સ અને ખામીયુક્ત ફ્લો મીટર અને અન્ય જોડાણોને નવા પાર્ટ સાથે બદલવામાં આવ્યા હતા. સ્મિમેર હોસ્પિટલમાં ૧૪૪ નવા ફ્લો મીટર લગાવવામાં આવ્યાં. હોસ્પિટલના નર્સો, ડોકટરો તથા અન્ય સ્ટાફને  ઓક્સિજનના કાર્યક્ષમ ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી.
 
ઓક્સિજન બચાવવા 'Do અને Don’t'  ની સુચનાઓ દિવાલો પર પ્રદર્શિત કરવામાં આવી. ઓક્સિજનના યોગ્ય વપરાશ અંગેની મહિતી ધરાવતા વિડિઓ બનાવી તમામ હોસ્પિટલો અને કર્મચારીઓને મોકલાયા. ઓડિટ ટીમે ખાનગી હોસ્પિટલોની પણ મુલાકાત લઈ ઓક્સિજનના જોડાણો, લિકેજ પોઇન્ટ તપાસ્યા અને કરકસર માટે કામે લગાડ્યા.
 
સિવિલ હોસ્પિટલમાં ૧૩ કિલોલીટર ઓક્સિજન સ્ટોરેજ પ્લાન્ટ અને ૦૪ મેટ્રિક ટન ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પી.એસ.એ પ્લાન્ટ સ્થાપિત કરાયો છે સ્મીમેર હોસ્પિટલ દ્વારા પણ વધારના ૨૦ મેટ્રિક ટન ઓક્સિજન સ્ટોરેજ ટેંક માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ પણ ઓક્સિજન ઉત્પાદન કરવા માટે જાતે પ્લાન્ટ શરૂ કર્યા. જેમાં ગ્લોબલ સનશાઇન અને એપલ હોસ્પિટલ તેમજ મિશન હોસ્પિટલે ૧૩ કિલોલિટર ટેંક સ્થાપિત કરી અને ઇટાલીથી PSA પ્લાન્ટ મંગાવ્યો.
 
આ પરિસ્થિતિ દરમિયાન, કેટલાક ઓક્સિજન ઉત્પાદકોને ટેકનિકલ સમસ્યાઓ નડી જેથી ૮ થી ૧૨ કલાક પ્લાન્ટ બંધ રાખવો પડ્યો હતો. દહેજની લિન્ડે કંપનીમાં તકનીકી ખરાબી આવી જેથી ત્યાંથી ઓક્સિજન મેળવતા મહાવીર, કિરણ, મિશન અને વિનસ હોસ્પિટલને ઓક્સિજન મળી શકે તેમ ન હતો. તેથી, ઓક્સિજન મેનેજમેન્ટ ટીમે આ હોસ્પિટલોને ઓક્સિજન મેળવવા માટે મદદ કરી અને કટોકટી ટાળી હતી. 
 
આ સમગ્ર કાર્યવાહી તથા વહિવટીતંત્રે લીધેલા દૂરંદેશીભર્યા પગલાઓના કારણે હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય સતત મળતો રહ્યો. અને દર્દી દીઠ સરેરાશ વપરાશ પણ નીચે આવી ગયો હતો. જેથી હવે સુરતને દૈનિક ૧૬૦  મેટ્રિક ટન જથ્થો મળે છે તો પણ હોસ્પિટલોની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ અને ઓક્સિજનની અછતની કોઈ સમસ્યા રહી નથી એમ ડો.ધવલ પટેલ જણાવે છે. 
 
આમ, પ્રાણવાયુની પૂર્તિ કરી સુરતવાસીઓની પ્રાણરક્ષા કરવામાં જિલ્લા વહીવટીતંત્રએ કોઈ કચાશ ન રાખી અને કટોકટીની પરીક્ષામાં પાસ થયાં છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્રના ગામડાઓની નરક જેવી સ્થિતિ! કોરોના કાઢતાં મ્યુકરમાયકોસીસનો પગપેસારો