રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામમાં કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં પેટમાં દુખાવાની સારવાર અર્થે યુવતી આવી હતી. જેના મેડિકલ રિપોર્ટ કર્યા બાદ આંતરડામાં ગાંઠ હોવાનું સામે આવતા તબીબોએ યુવતીના પરિવારજનોને જટિલ સર્જરી કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જે બાદ પરિવારની સહમતિથી તબીબોએ અઢી કલાકની ભારે જહેમત બાદ સર્જરી કરી યુવતીના પેટમાં ઓપરેશન કરી 10.694 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં આવેલ કે.ડી. પરવાડિયા હોસ્પિટલના ડો.નવનીત બોદરે જણાવ્યું હતું કે, 26 વર્ષની યુવતી અમારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવી હતી. આ યુવતીને છેલ્લા 6 મહિનાથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી. જે બાદ તેના અલગ અલગ મેડિકલ રિપોર્ટ કરવામાં આવતા અંતે તેને આંતરડામાં ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી અને આ ગાંઠ કાઢવા માટે સર્જરી કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું અને તેમાં પરિવારે સહમતી આપી હતી. પરિવારની સહમતીથી બે દિવસ પૂર્વે ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આંતરડામાંથી 10.694 કિલોગ્રામની ગાંઠ કાઢવામાં આવી હતી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આટકોટ ખાતે આવેલ કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં નાના એવા ગામડામાં મોડિલર ઓપરેશન થિયેટરમાં આધુનિક મશીનરી ઉપયોગથી સર્જન ડો. જેમીન કલોલા, એનેસ્થેટિક ડો. જયદીપ સંઘાણી, નર્સિંગ સ્ટાફ, અને સમગ્ર ઓટી ટીમ મદદથી બેથી અઢી કલાક સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. ઓપરેશનના અંતે ગાંઠનું વજન કરવામાં આવ્યું હતું જેનું વજન 10.694 કિલો થતા ગાંઠની સાઈઝ અને વજન જોઈને ડોક્ટરો પણ ક્ષણભર માટે વિચારતા રહી ગયા હતા.આ ગાંઠ શેની છે તે જાણવા માટે બાયોપ્સી રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ ગાંઠ શેની છે અને શા માટે થઈ તેનું ચોક્કસ કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, 6 મહિનાથી અસહ્ય દુખાવાથી પીડિત યુવતી હાલ ઓપરેશનના બે દિવસ બાદ તબિયત સ્વસ્થ હોવાનું તબીબોનું માનવું છે.