રાજકોટમાં શિક્ષણને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. શહેરમાં આરટીઈમાં એડમિશન મેળવ્યા બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. શહેરમાં એક વાલીએ સ્કૂલમાં તેમના સંતાનનું આરટીઈમાં એડમિશન મેળવ્યું ત્યારે ખબર પડી કે સ્કૂલના સંચાલકે પતરાવાળી સ્કૂલ બાંધીને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું છે. વાલીની ફરિયાદના આધારે મંજૂરી વિના શાળાનું સ્થળ ફેરવતા સ્કૂલના સંચાલકને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી તેની માન્યતા રદ કરી દીધી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં એક સ્કૂલમાં આરટીઈમાં એડમિશન મેળવનાર બાળકીના વાલીએ મીડિયાને જણાવ્યું હતું કે, RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં મારી પુત્રી સાનિધ્યાને જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર વિસ્તારમાં સનલાઈટ પ્રિ-સ્કૂલમાં પ્રવેશ મળ્યાનું એડમીટ કાર્ડ મળ્યું હતું. જેથી ઘંટેશ્વરમાં આ સ્કૂલ ક્યાં છે એ તપાસવામાં ત્રણ દિવસ નીકળી ગયા, પણ સ્કૂલ ન મળી. જેથી મારી પત્ની અને પુત્ર જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પહોચ્યા હતા. જ્યાંથી સ્કૂલના પ્રિન્સિપાલ ચેતનભાઈ ભટ્ટીનો નંબર મળ્યો હતો. જેમનો સંપર્ક કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. બાદમાં બીજા દિવસે આચાર્યએ ફોન કર્યો અને માધાપરમાં હું જ્યાં રહું છું ત્યાં મળવા આવ્યા.
આ સમયે મેં સ્કૂલ જોવા કહ્યું તો રામાપીર ચોકડી પાસે રૈયાધાર નજીક મારવાડીવાસ શેરી નંબર 2માં ચાલતી સ્કૂલમાં લઈ ગયા હતા જ્યાં પતરાવાળા મકાનમાં બે રૂમમાં ચાલતી સ્કૂલ બતાવી હતી. જ્યાં બોયઝ ટોઇલેટ લખ્યું હતું ત્યાં અંદર પેન્ટ્રી કાર્યરત હતી. આ પછી જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા સરકારે એક્શન લઈ કાર્યવાહી કરી છે અને મારી દીકરીને બીજી સ્કૂલમાં એડમિશન આપી દેવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.
જ્યારે આ મામલે શાળાના આચાર્ય ચેતન ભટ્ટીએ જણાવ્યું હતું કે, મારવાડીવાસમાં અમારી પ્રિ-સ્કૂલ ચાલે છે અને ધો. 1થી 7ના વિદ્યાર્થીઓ ઘંટેશ્વર સ્કૂલ ખાતે ભણે છે. ઘંટેશ્વર શાળાના બિલ્ડિંગનું રિનોવેશન કામ ચાલુ હોવાથી અહીંયા શાળાની ઓફિસ બનાવવામાં આવી છે. અમે શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી કે, શાળાનું રિનોવેશન થાય ત્યાં સુધી અહીંયા ઓફિસ રાખીએ છીએ. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા મનાઈ કરવામાં આવી છે અને અમારી માન્યતા હાલ રદ કરવામાં આવી છે.
આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, પહેલા રાજકોટના ઘંટેશ્વરમાં કાર્યરત સ્કૂલ હાલ મંજૂરી વિના મારવાડી વાસમાં ચાલે છે, જે બાબતની નોટિસ આપી છે. જ્યાં સ્થળ ચકાસણી બાદ નિયમ મુજબની સ્કૂલ નહીં હોય તો તે બંધ કરવામાં આવશે અને RTEના વિદ્યાર્થીઓ દ્વારા જો ઓનલાઈન રિપોર્ટિંગ કરવામાં આવશે તો તે વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે હાલ ત્યાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને અન્ય શાળામાં એડમિશન લેવું પડશે જે માટે બે દિવસમાં કાર્યવાહી કરવા સંચાલકને કહેવામાં આવ્યું છે.