Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'સેફ એન્ડ સિક્યોર ગુજરાત' યોજના હેઠળ યાત્રાધામોની સુરક્ષા માટે CCTV કેમેરા સર્વેલન્સ નેટવર્ક ઉભુ કરાશે

'સેફ એન્ડ સિક્યોર ગુજરાત' યોજના હેઠળ યાત્રાધામોની સુરક્ષા માટે CCTV કેમેરા સર્વેલન્સ નેટવર્ક ઉભુ કરાશે
ગાંધીનગર: , શુક્રવાર, 19 જુલાઈ 2019 (08:30 IST)
રાજકીય ઇચ્છાશક્તિથી રાજ્યમાં કાયદાનું કડક સુશાસન સ્થાપિત થયું હોવાથી ગુજરાતમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃધ્ધીની શ્રેષ્ઠ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વિધાનસભામાં ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણી રજૂ કરતા મંત્રીએ જણાવ્યું કે છેલ્લા ૨૪ વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકારે કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ સર્જી હોવાથી ગુજરાતમાં શાંતિ, સલામતી, સુરક્ષા અને સમૃધ્ધીનું નિર્માણ થયું છે. 
 
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુચારૂ સ્થિતિને કારણે હવે રાજ્યમાં આતંકવાદી ઘટનાઓ, કર્ફ્યું, ભય અને અરાજકતા ભૂતકાળ બની ચૂક્યા હોવાનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે અગાઉ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અને હવે વિજય રૂપાણીના સબળ નેતૃત્વવાળી સરકારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે કમર કસી છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગૃહ વિભાગની રૂા. ૬,૬૮૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે નવી સેવાઓ માટે રૂા. ૭૬૭ કરોડ અને ચાલુ બાબતો માટે વઘારાના રૂા. ૧૪૪ કરોડની ફાળવણી 'ફેરફાર કરેલા અંદાજ૫ત્ર'માં કરવામાં આવેલ છે.
 
કુલ રૂા. ૩૨૯.૧૯ કરોડના અંદાજીત ખર્ચ સાથેની 'સેફ એન્ડ સીક્યોર ગુજરાત' યોજના હેઠળ રાજ્યના ૩૪ જિલ્લાઓ, ૬ ધાર્મિક સ્થળો અને કેવડીયા કોલોની ખાતે નિર્માણ પામેલ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સંકુલની સલામતી અને સુરક્ષા માટે સી.સી.ટીવી કેમેરા આધારિત સર્વેલન્સ અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમનું નેટવર્ક ઉભુ કરવા માટે રૂા. ૧૦૦ કરોડની જોગવાઇ ચાલુ નાણાકીય વર્ષમાં કરવામાં આવી હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું. 
 
- પોલીસ તંત્રની નવી કચેરીઓ બાંધવા રૂા. ૧૫૫ કરોડ પોલીસ કર્મીઓના આવાસ બાંધવા રૂા. ૨૨૩ કરોડ તથા જેલ તંત્રના મકાનો અને આવાસો બાંધવા રૂા. ૧૦૯ કરોડ મળીને કુલ રૂા.૪૮૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
- મહિલાઓ, બાળકો અને વરીષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે 'સેફ સીટી પ્રોજેક્ટ' અંતર્ગત રૂા.૧૫૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
- સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ રૂા. ૧૨૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
- પોલીસ આધુનિકરણ યોજના હેઠળ પોલીસ તંત્ર અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીને સુદ્રઢ કરવા માટે રૂા. ૫૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
- રાજ્યની જેલો અને કોર્ટ વચ્ચે વીડીયો કોન્ફરન્સ સીસ્ટમ ઉભી કરી ઝડપી ન્યાય અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે રૂા. ૩૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
- કન્વીક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ થકી ગંભીર ગુનાઓમાં કન્વીક્શન રેટ ઓછામાં ઓછો ૩૦ ટકા લઇ જવા માટે ઇન્વેસ્ટીગેશન પધ્ધતિમાં સુધારો, ચાર્જ-શીટ સમયસર દાખલ કરવી અને એફ.એસ.એલ.ને વધુ સુદ્રઢ કરવા માટે રૂા. ૨૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
- રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રૂા. ૪૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
- રાજ્યમાં આવેલ ઉદ્યોગો તેમજ અતિ મહત્વપૂર્ણ મેટ્રો રેલ પ્રોજેક્ટની સુરક્ષા માટે ૨૪૦૦ પોલીસકર્મીઓ સાથેના રાજ્ય અનામત પોલીસ દળના બે નવા ગૃપ ઉભા કરવામાં આવશે. 
 
રાજ્યના નાગરિકોની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે પોલીસ તંત્રને આધુનિક અને કાર્યક્ષમ માનવબળ મળી રહે તે માટે છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ૫૦ હજારથી વધુ યુવાનોની પોલીસ દળમાં ભરતી કરવામાં આવી છે. ૯,૭૦૦ થી વધુ યુવાનોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં હોવાનું તથા ચાલુ વર્ષે વધુ ૪,૦૩૭ જગ્યાઓ ભરવામાં આવનાર હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું. રાહદારી મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચીંગના બનતા ગુનાઓ અટકાવવા કાયદાને વધુ અસરકારક બનાવી હવે ૭ થી ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઇ ઉમેરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
 
મહિલાઓ વિરૂધ્ધ થતા અત્યાચારો અટકાવવવા રાજ્ય સરકારે શરૂ કરેલી ૧૮૧- અભયમ્ મહિલા હેલ્પ લાઇનને નોંધપાત્ર સફળતા મળી હોવાનો ઉલ્લેખ કરતાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, આ હેલ્પ લાઇન શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી ૫૨ લાખ કોલ મળ્યા છે. ૧૮૧ – અભયમ્ મહિલા મોબાઇલ એપને પણ ઉમદા પ્રતિસાદ મળી રહ્યો હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું. રાજ્યમાં મહિલાઓ નિર્ભય બનીને સલામતી અને સુરક્ષાનું વાતાવરણ અનુભવે તે માટે રાજ્ય સરકાર સતત સતર્ક છે. 
 
પોલીસ દળમાં ૩૩ ટકા પ્રમાણે મહિલાઓની ભરતી કરવામાં આવી હોવાથી મહિલાઓ પરના અત્યારચાર અંગેના ગુનાઓ કે જે વર્ષ ૨૦૧૩માં ૧૧,૦૦૦ હતા તે ઘટીને વર્ષ ૨૦૧૮માં ૫,૦૫૭ જેટલા થયા છે. એટલે કે, મહિલાઓ પરના અત્યાચારના ગુનાઓના દરમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે. દેશના સરેરાશ ૬.૩ ટકા ક્રાઇમ રેટની સરખામણીમાં ગુજરાતનો ક્રાઇમ રેટ ૩.૩ ટકા જેટલો રહ્યો હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માતૃભૂમિ માટે શહાદત વ્હોરનારા ઠાકોર પ્રવિણજીના પાર્થિવ દેહને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી