Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રાફિકના નવા નિયમોના કડક અમલના પગલે ભાજપના અગ્રણી અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ટ્રાફિકના નવા નિયમોના કડક અમલના પગલે ભાજપના અગ્રણી અને પોલીસ વચ્ચે ઘર્ષણ
, મંગળવાર, 5 નવેમ્બર 2019 (17:24 IST)
ટ્રાફિકના નવા નિયમોના કડક અમલના પગલે ભાજપના અગ્રણી અને પોલીસ વચ્ચે સોમવારે માંડવી ખાતે ઘર્ષણ થયું હતું. જેનો વીડિયો સામે આવ્યો છે. ભાજપના અગ્રણીએ પોલીસને જણાવ્યું હતું કે, અમારી સરકાર છે. અમે કાયદા બનાવ્યા છે, તેવી પોલીસને ધમકી આપવા છતાં પોલીસે દંડ વસૂલ કર્યો હતો. એતો ઠીક અગ્રણીએ પૂર્વ મંત્રી સાથે વાત કરાવવા છતાં પોલીસે દાદ આપી ન હતી.

વડોદરા શહેરના મહેતા પોળમાં રહેતા ભાજપના પૂર્વ કાઉન્સિલર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્તમાન સભ્ય મિનેષ શાહ અને પોલીસ વચ્ચે સોમવારે માંડવી ખાતે ટ્રાફિકના નવા નિયમોને પગલે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા માત્ર માંડવીથી ન્યાય મંદિર તરફ જતા વાહન ચાલકોને પકડીને દંડ વસૂલાતની કામગીરી કરતા ઘર્ષણ થયું હતું. ભાજપના અગ્રણી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પસાર થતાં લોકોના ટોળા વળી ગયા હતા. ટ્રાફિક પોલીસે ભાજપના અગ્રણીના એક વ્યક્તિને હેલ્મેટ વીના પકડતા ઘર્ષણ થયું હતું.

સોમવારે થયેલા ઘર્ષણનો વાયરલ થયેલા વીડિયોમાં ભાજપના અગ્રણી મિનેષ શાહે પોલીસ અધિકારીને જણાવ્યું હતું કે, તમે એક જ સ્થળે ઉભા રહીને કેમ કામગીરી કરો છો. અમારી સરકાર છે. અમે કાયદા બનાવ્યા છે. કાયદાનું પાલન એક સરખું થવું જોઇએ. માંડવી પાસે ગેરકાયદે ઉભી રહેતી ઓટો રિક્ષા ચાલકો સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. માંડવી રોડ ઉપર ગેરકાયદે પથારાવાળા સામે કેમ કાર્યવાહી કરતા નથી. માત્ર માંડવી તરફથી ન્યાય મંદિર તરફ જતા વાહન ચાલકોને જ કેમ પકડીને દંડ વસુલ કરવામાં આવે છે. માંડવી વિસ્તારની ચારે બાજુ પોલીસ ટીમ ઉભી કરીને કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. તેમ જણાવી રોષ ઠાલવ્યો હતો.

પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરેલા ભાજપના અગ્રણી મિનેષ શાહને પોલીસે દાદ ન આપતા તેઓએ પોતાનો પાવર બતાવવા માટે પૂર્વ મંત્રીને પણ ફોન કરીને ફરિયાદ કરી હતી. જોકે, પોલીસ અધિકારીએ પૂર્વ મંત્રીના ફોન પછી પણ કોઇ દાદ આપી ન હતી. અને ભાજપના કાર્યકરને રૂપિયા 500 દંડ ભરાવવા મજબૂર કર્યાં હતા. સોમવારે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. નોંધનીય બાબત એ છે કે, ગુજરાત અને કેન્દ્રમાં ભાજપાની સરકાર હોવા છતાં ભાજપના કાર્યકરો તો ઠીક અગ્રણીઓને પણ પોલીસ દાદ આપતી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

16 વર્ષે ગુજસીટોકના કાયદાને રાષ્ટ્રપતિએ મ્હોર લગાવી