Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16 વર્ષે ગુજસીટોકના કાયદાને રાષ્ટ્રપતિએ મ્હોર લગાવી

16 વર્ષે ગુજસીટોકના કાયદાને રાષ્ટ્રપતિએ મ્હોર લગાવી
, મંગળવાર, 5 નવેમ્બર 2019 (17:18 IST)
2003માં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાત વિધાનસભામાં ગુજસીટોકનો કાયદો પસાર કરીને કેન્દ્રને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. જે કાયદાને 16 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીનું નિયંત્રણ થાય તે માટે તત્કાલિન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિથી સપનું જોયું હતું એ આજે સાકાર થયું છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ત્રાસવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા વિધેયકને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે, જેના કારણે રાજ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે અને પોલીસ અધિકારીઓને પુરતું બળ પણ મળશે.
ગૃહ મંત્રીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)ને મંજૂરી મળતાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બનશે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે.રાજ્ય આંતકવાદી પ્રવૃત્તિઓ તથા સંગઠીત ગુનાઓના નિયંત્રણ માટે સતત ચિંતિત છે. 
સંગઠીત ગુનાખોરી કે જેને કોઇ રાષ્ટ્રીય સીમાઓ લાગુ પડતી નથી તેને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે માટે ગુજરાત સરકારે વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે, જેને આજે મંજૂરી મળી છે. આ કાયદાના અમલથી સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલીંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રિત થશે.કોઇપણ સ્વરૂપે થતાં સાયબર ગુનાઓ પ્રત્યે નિયંત્રણની સાથે સાથે સરહદની પેલે પાર ત્રાસવાદી સંગઠનો દ્વારા નાર્કો ત્રાસવાદને જે ઉત્તેજન આપવામાં આવે છે તેનું પણ નિયંત્રણ થશે. 
સંગઠિત ગુનાખોર સિન્ડીકેટ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેક્નોલોજીનો જે ઉપયોગ કરીને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરે છે તે સંદર્ભેની તપાસમાં તથા પુરાવો એકત્રિત કરવામાં પણ કાયદાનું પીઠબળ મળવાથી સફળતા મળશે.વિવિધ ગુના સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઇ પણ છે. પબ્લિક પ્રોસિક્યુટર, વધારાના પબ્લિક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસીક્યુટર નિમણૂંક કરાશે. જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરાશે. જો આવી કોર્ટો કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે નિયમિત કોર્ટને તબદીલ કરી શકાશે. 
વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવિઝન સેશન્સ કોર્ટ પાસે રહેશે. વિશેષ કોર્ટના હુકમ સામે અપીલની પણ જોગવાઇ કાયદામાં કરાઇ છે.આતંકવાદ તથા સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલ પુરાવા ગ્રાહ્ય રખાશે. તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલી કબુલાતને પણ વિચારણામાં લેવાશે તથા સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરું પાડવામાં આવશે. 
સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલી મિલકતને ટાંચમાં લેવા અને સરકારને હસ્તક્ષેપ થવાની જોગવાઇ કાયદામાં કરાઇ છે. મિલકતની તબદિલીઓ પણ રદબાતલ કરવાની જોગવાઇ સહિત ફોજદારી કાર્યરીતિના નિયમોમાં પણ ફેરફાર કરી શકાશે. તેમજ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો શિક્ષાની જોગવાઇ, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણની જોગવાઇ પણ કાયદામાં કરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા ત્રાસવાદી પ્રવૃત્તિઓ તથા સંગઠિત ગુનાઓના નિયંત્રણ માટે સતત ચિંતા કરીને જે પ્રયાસો થઇ રહ્યા છે. તેને આ કાયદાથી પૂરતું બળ મળશે અને રાજ્યની સુરક્ષા સાથે નાગરિકોને વધુ સલામતી પ્રાપ્ત થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં એક સપ્તાહમાં ભૂંકપના કુલ 36 આંચકા અનુભવાયા