ગુજરાત સરકારના સમગ્ર વહીવટી તંત્રની ચિંતન શિબિરની 10મી શ્રેણીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 19મીથી પ્રારંભ થશે. આ ચિંતિન શિબિરનું નેતૃત્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધું છે અને તેમાં મંત્રી પરિષદના તમામ સભ્યો ઉપરાંત વરિષ્ઠ સનદી અધિકારીઓ સહિત કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ પણ સામેલ થશે.
19મી મે ના રોજ સાંજે ચાર કલાકે ઉદ્દઘાટન
આ દસમી ચિંતન શિબિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટેન્ટ સિટી-2 ખાતે 19મી મે ના રોજ સાંજે ચાર કલાકે ઉદ્દઘાટન કરાવશે. ઉદ્દઘાટન બાદ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને યોગા વે ઓફ લાઇફ પર વક્તવ્ય યોજાશે તેમજ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ટેક્નિકલ પરિવર્તનના સંદર્ભમાં જાહેર ક્ષેત્રની ભૂમિકા અને અપેક્ષાઓ ઉપર પેનલ ચર્ચા થશે. 20મી મે, શનિવારને બીજા દિવસે સવારે 6 કલાકે આરોગ્ય વન ખાતે યોગાભ્યાસમાં મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવો ભાગ લેશે. સવારે 10 કલાકે વિકાસના મુદ્દાઓ અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
શિબિરાર્થીઓ મા નર્મદાની મહાઆરતીમાં જોડાશે
સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતા નિર્માણ, સરકારી અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો જેવા વિવિધ વિષયો ઉપર વરિષ્ઠ અધિકારીઓના દિશાદર્શનમાં સામુહિક રીતે ગહન ચિંતન કરવામાં આવશે. તદુપરાંત મહાનુભાવો સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ લાઇટ એન્ડ સાઉન્ડ શો અને પ્રોજેક્શન મેપિંગ નિહાળશે. સાંજના 8.30 કલાકે ગોરા ઘાટ ખાતે મુખ્યમંત્રી સહિતના શિબિરાર્થીઓ મા નર્મદાની મહાઆરતીમાં પણ જોડાશે.
સમી શ્રેણી પણ એકતાનગર ખાતે યોજાઇ રહી છે
ચિંતન શિબિરના અંતિમ દિવસનો પ્રારંભ પણ યોગાભ્યાસથી થશે. ત્યારબાદ સવારે 10 કલાકે વિવિધ વિષયો ઉપર પ્રેઝેન્ટેશન અને ચર્ચા થશે. બપોરે 12.30 વાગ્યે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા જિલ્લા સુશાસન સુચકાંકોનું લોકાર્પણ કરવામાં આવશે. બપોરે એક વાગ્યે મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળ્યા બાદ શિબિરનું સમાપન થશે.વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, તેમણે વર્ષ 2003માં આ ચિંતન શિબિરની પહેલ એકતાનગર ખાતેથી જ શરૂ કરી હતી અને આજે તેની દસમી શ્રેણી પણ એકતાનગર ખાતે યોજાઇ રહી છે.