Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedabad News - ઘરમાં આવેલા કિન્નરને ચા પીવડાવવી મોંઘી પડી, વિધીના નામે 45 હજારના દાગીના અને 4 હજાર રોકડા લઈ ફરાર

Ahmedabad News - ઘરમાં આવેલા કિન્નરને ચા પીવડાવવી મોંઘી પડી, વિધીના નામે 45 હજારના દાગીના અને 4 હજાર રોકડા લઈ ફરાર
અમદાવાદઃ , ગુરુવાર, 18 મે 2023 (16:56 IST)
પરિવારની મહિલાઓને વિશ્વાસમાં લઈને કિન્નરે દુઃખ દુર કરવાના નામે સોનાના દાગીના અને રોકડા રૂપિયા પડાવ્યા
 
એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
 
 
 ધાર્મિક વિધીના નામે લાખો રૂપિયાનું ફૂલેકુ ફેરવનારા ભુવાઓ ચર્ચામાં આવ્યાં છે. પરંતુ વિધીના નામે ઘરમાં ઘુસીને છેતરપિંડી કરતાં લોકો પણ સક્રિય થઈ ગયાં છે. અમદાવાદમાં એક પરિવારના ઘરમાં ધાર્મિક વિધીથી દુઃખ દુર કરવાના નામે ચાર હજાર રોકડા અને 45 હજારના સોનાના દાગીના લઈને એક કિન્નર ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા ભૂમિકાબેન ત્રિવેદીએ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગત 14મી મેના રોજ અમારા ઘરે મારા સાસુ તથા દેરાણી હાજર હતાં. આ દરમિયાન સવારના સાડા દસ વાગ્યાના અરસામાં એક કિન્નર માસીબા આવ્યા હતાં. તેમને મારા સાસુએ વીસ રૂપિયા આપતાં તેમણે કહ્યું હતું કે, મારે પૈસા નથી લેવા. જેથી અમે તેમને કહ્યું હતું કે, તમે ચા પીને જાઓ. ત્યાર બાદ તેઓ અમારા ઘરમાં આવીને બેઠા હતાં. 
 
તેમણે ઘરમાં આવીને કહ્યું હતું કે, તમારા ઘરમાં બહુ તકલીફો ચાલી રહી છે. જેથી વિધી કરવી પડશે. તેમણે વીધી કરવાની તૈયારીઓ કરી અને ઘરના દરવાજા બંધ કરાવી દીધા હતાં. ત્યાર બાદ આ માતાજીએ ઘીના પૈસા માંગ્યા હતાં અને તેમને 1100 રૂપિયા આપ્યા હતાં. જેથી તેમણે એક રૂપિયો લઈને બાકીના પૈસા પાછા આપ્યા હતાં અને તમારી પરીક્ષા કરતા હતાં તેવુ જણાવ્યું હતું. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, 32 હજાર રૂપિયા મંદિરમાં મુકી દો પછી બધુ સારુ થઈ જશે. 
 
અમે તે વખતે કહ્યું કે, અમારી પાસે હાલ આટલા પૈસા નથી. તો આ માતાજીએ 1100 રૂપિયા તિજોરીમાં મુકી દેવા કહયું હતું અને જ્યાં હાથ નાંખશો ત્યાંથી પૈસા નિકળશે એવું જણાવ્યું હતું. ત્યાર બાદ અમે માતાજીએ મુકેલા રૂમાલમાં ચાર હજાર રૂપિયા મુકેલા. માતાજીએ કહ્યું કે અહીં ત્રણ સોનાના દાગીના મુકો જેથી તેની પર વિધી કરી આપું.  ત્યાર બાદ દૂધમાં ધોઈને પહેરી લેજો. ત્યાર બાદ આ રૂમાલમાં સોનાની લટકણ, બુટ્ટી અને વીંટી મુકી હતી. જેની ત્રણેયની કિંમત 45 હજાર રૂપિયા થાય છે. 
 
આ માતાજીએ રૂમાલ થેલીમાં મુકવા કહ્યું હતું અને પાણી આપ્યું હતું. જે પાણી અમે પી લીધું હતું. અમે રૂમાલ તેમની થેલીમાં મુકી દીધો હતો અને તેમણે કહ્યું હતું કે, હું બે કલાકમાં વિધી કરીને આવું છું તમે ભોજન બનાવી રાખજો. અમે ઘરમાં ભોજનની તૈયારીઓ કરી પણ માસી બા પાછા આવ્યા નહોતા. જેથી અમને છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. માસી બા આ પરિવાર પાસેથી 45 હજારના દાગીના અને 4 હજારની રોકડ રકમ મળી કુલ 49 હજાર રૂપિયાનો મુ્દ્દામાલ લઈને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bihar: પિયાના નામની મેહંદી લગાવીને તેમના પ્રેમી સાથે ફરાર થઈ