HMPV વાયરસના બે કેસ બેંગલોરમાં અને એક કેસ ગુજરાતમાં નોંધાયો છે. વાઇરસના પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. હવે RTPCR ટેસ્ટ ફરજીયાત કરાશે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે " ચિંતા કરવાની જરૂર નથી, વાયરસની ઇન્ટેન્સિટીના આધારે વિદેશથી આવતા યાત્રીઓ માટે ગાઈડલાઇન નક્કી કરવામાં આવશે."
રાજ્ય સરકારે HMPV વાઈરસને લઈને જાહેર કરી એડવાઈઝરી
ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઈઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV) શ્વસન વાઈરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું. આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
જાણો વાયરસથી બચવા શુ કરવુ શુ ન કરવુ ?
-તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
-વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો.
-પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
-જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટીસ્યુથી ઢાંકવું જોઈએ.
-નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
-શ્વાસને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
-બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
ન કરશો આ કામ
- જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
- સંક્રમિત વ્યક્તિએ પોતાની ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
- જરૂરી ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં.