સોમવારે તામિલનાડુ વિધાનસભા સત્ર શરૂ થતા જ રાજ્યપાલ અને સત્તા પક્ષ વચ્ચે વિવાદ પણ શરૂ થયો.
તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ ગૃહમાં સંવિધાન અને રાષ્ટ્રગાનના અપમાનનો આરોપ લગાવ્યો છે.
તામિલનાડુના રાજભવન તરફથી ઍક્સ પર જારી નિવેદનમાં કહેવાયું છે, "આજે તામિલનાડુ વિધાનસભામાં ભારતના સંવિધાન અને રાષ્ટ્રગાનનું ફરી વખત અપમાન થયું છે. અમારા સંવિધાનમાં રાષ્ટ્રગાનનું સન્માન કરવું પહેલી જવાબદારી ગણાવાઈ છે. રાજ્યપાલનું અભિભાષણ શરૂ થાય અને પૂર્ણ થાય ત્યારે તમામ રાજ્યોની વિધાનસભાઓમાં રાષ્ટ્રગાન થાય છે. આજે ગૃહમાં રાજ્યપાલ પહોંચ્યા તો માત્ર તામિલ થાઈ વાઝથૂ ગાવામાં આવ્યું."
તેમના જણાવ્યા અનુસાર તેમણે મુખ્ય મંત્રી, સ્પીકર પાસે રાષ્ટ્રગાન કરાવવાની અપીલ કરી. પરંતુ તેમણે તે માગ ફગાવી. તેથી તેઓ સંવિધાન અને રાષ્ટ્રગાનના અપમાનમાં સામેલ ન થઈ સદનમાંથી જતા રહ્યા.
તામિલનાડુ પ્રદેશના કૉંગ્રેસ અધ્યક્ષ કે. સેલ્વાપેરુંથાગાઈએ રાજ્યપાલ પર તામિલનાડુ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, "રાજ્યપાલ તામિલનાડુના લોકોના અને પોલીસના વિરોધી છે. તેઓ ગૃહમાં પારિત કોઈ પ્રસ્તાવ સ્વીકાર કરતા નથી."
સોમવારે તામિલનાડુ વિધાનસભાનું સત્ર શરૂ થયું, વિપક્ષ એઆઈએડીએમકેએ અન્ના યુનિવર્સિટીમાં યૌન ઉત્પીડનના મુદ્દે પ્રદર્શન કર્યું.