દિલ્હીમાં બુધવારે સાંજે થયેલા ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં પણ પાણી ભરાયાં હતાં, જ્યાં ગયા અઠવાડિયે વરસાદનું પાણી બેઝમેન્ટમાં ભરાઈ જવાથી ત્રણ વિદ્યાર્થીનાં મોત થયાં હતા.
આ વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગણી સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બુધવારે ભારે વરસાદ છતાં ચાલુ રહ્યાં હતાં. સમાચાર એજન્સી પીટીઆઈ પર ઓલ્ડ રાજેન્દ્રનગરના કેટલાંક દૃશ્યો જોવા મળ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ભરાયેલાં પાણીમાં પણ "અમને ન્યાય જોઈએ છે" જેવા નારા લગાવતા જોવા મળે છે.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને સ્થાનિક ધારાસભ્ય દુર્ગેશ પાઠકનો પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કમર સુધી પાણીમાં વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા હતા.
હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે, દિલ્હીના મયૂર વિહાર વિસ્તારમાં એક કલાકની અંદર લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
ગયા અઠવાડિયે ઓલ્ડ રાજેન્દ્રનગરમાં એક ખાનગી કોચિંગ સેન્ટરમાં યૂપીએસસીની તૈયારી કરતા ત્રણ વિદ્યાર્થીઓનું બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાવાથી મૃત્યુ થયું હતું.