Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022: CM ભૂપેન્દ્ર પટેલે મારૂતિ સુઝુકીથી માંડીને OYO ના ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022:  CM ભૂપેન્દ્ર પટેલે મારૂતિ સુઝુકીથી માંડીને OYO ના ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક
, શુક્રવાર, 26 નવેમ્બર 2021 (08:36 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારૂતિ સુઝૂકી ઇન્ડીયાના MD કિન્ચી આયુકાવા, અવાડા એનર્જી પ્રાયવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ, પી. આઇ ઇન્ડસ્ટ્રીના એમ.ડી અને વાઈસ ચેરમેન મયંક સિંઘલ, જે.સી.બીના સી.ઇ.ઓ દીપક શેટ્ટી, અર્બન કંપનીના સી.ઇ.ઓ અભિરાજ સિંહ ભાલ, ડી.સી.એમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર એમ.ડી. અજય શર્મા તેમજ ઑયો હોટેલ્સ એન્ડ હોમ્સના સંચાલકોની સાથે વન ટુ વન બેઠક કરી હતી.
 
મારૂતિ સુઝૂકી ઇન્ડીયાના એમ.ડી. કિન્ચી આયુકાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલી બેઠકમાં તેમણે મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. તેમણે ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની પણ વિગતો મુખ્યમંત્રીને આપી હતી. તો મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો પણ અનુરોધ કર્યો હતો. આ સાથે મુખ્યમંત્રી મારૂતિ સુઝૂકી ઇન્ડીયાના એમ.ડી. કિન્ચી આયુકાવાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અવાડા એનર્જી પ્રાયવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ સાથે થયેલી બેઠકમાં વિનીત મિત્તલે આવનારા પાંચ વર્ષોમાં બિનપરંપરા ગત ઊર્જા સેક્ટરમાં 20 હજાર કરોડના તેમના રોકાણ આયોજનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
 
જ્યારે ઑયો હોટેલ્સ એન્ડ હોમ્સના સંચાલકોની મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં તેમણે ગુજરાતમાં 750 હોટલ સાથે તેઓ સંકળાયેલા છે અને સાડા સાત હજાર લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી તેઓ પૂરી પાડે છે તેની વિગતો ભૂપેન્દ્ર પટેલને આપી હતી. એટલું જ નહીં,  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોમ સ્ટે અને અન્ય સ્થળોએ પણ તેમના ગ્રુપ દ્વારા સહભાગિતા થકી વધુ રોજગાર અવસર ગુજરાતમાં પૂરા પાડવા તેઓ પ્રયાસરત છે.
 
પી. આઇ ઇન્ડસ્ટ્રીના એમ.ડી અને વાઈસ ચેરમેન મયંક સિંઘલ પણ નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. મયંક સિંઘલે આ બેઠકમાં કહ્યું કે, પી.આઇ ઝડપથી વિકસી રહેલી કૃષિ વિજ્ઞાન કંપની છે અને ગુજરાતમાં પાનોલી જંબુસરમાં પોતાના અતિ આધુનિક ઉત્પાદન એકમો ધરાવે છે. આ બેઠકમાં તેમણે આગામી વાયબ્રન્ટમાં જોડાવા અને રોકાણ માટે તેમણે પણ તત્પરતા દર્શાવી હતી.
 
મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલની જે.સી.બીના સી.ઇ.ઓ દીપક શેટ્ટી સાથે થયેલી બેઠકમાં દીપક શેટ્ટીએ ગુજરાતમાં હાલોલ ખાતે 650 કરોડના રોકાણ સાથે 1100 લોકોને રોજગાર અવસર આપતો પ્લાન્ટ આગામી એપ્રિલ 2022 સુધીમાં શરૂ કરવાનું આયોજન મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં જોડાવા તેઓને પણ આમંત્રણ આપ્યું હતું.
 
જ્યારે અર્બન કંપનીના સી.ઇ.ઓ અભિરાજ સિંહ ભાલ સાથે થયેલી બેઠકમાં અભિરાજ સિંહ ભાલે કહ્યું કે, અર્બન કંપની એશિયાનું સૌથી મોટું ઓન લાઈન સર્વિસ પ્લેટફોર્મ છે. દેશના 50 શહેરો અને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ અને ગાંધીનગરમાં તેમની કંપની સેવાઓ આપે છે. તેમણે આગામી વાયબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકાર સાથે સ્કિલિંગ પ્રોગ્રામ તેમજ આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓ સહિત યુવાઓને આ ઓનલાઈન હોમ સર્વિસ પ્લેટફોર્મ દ્વારા રોજગારી પૂરી પાડવાની ઈચ્છા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ તેમના આ અભિગમને આવકાર્યો હતો અને વાયબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું
 
ડી.સી.એમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર એમ.ડી. અજય શર્માએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજીને ગુજરાતમાં તેમના વર્તમાન વ્યવસાય રોકાણને વધારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. આ ઉદ્યોગ જૂથ કૃષિ અને ગ્રામીણ વ્યવસાયમાં ખાસ કરીને ખાતર, ખાંડ ,ક્રોપ કેર કેમિકલ્સ અને હાઇબ્રીડ સિડ્સ ક્ષેત્રે કાર્યરત છે. અગાઉની વાયબ્રન્ટ સમિટમાં તેમણે કરેલા રોકાણોની અને પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની વિગતો પણ તેમણે મુખ્યમંત્રીને આપી હતી. એટલું જ નહીં, તેમણે આગામી વાયબ્રન્ટમાં રોકાણો માટેના એમ.ઓ.યુ. માટે પણ મુખ્યમંત્રીને ખાતરી આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગૃહમંત્રી આવતીકાલથી ફરી બે દિવસ 'ગૃહ' ની મુલાકાતે, ભાજપમાં તેજ થઇ હલચલ