- વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડામાં વહેલી સવારથી વરસાદનું આગમન
- 25થી 30 જૂન દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ
Monsoon Update: હવામાન વિભાગની આગાહીને પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે. આ મામલે વિગતવાર વાત કરીએ તો આજ વહેલી સવારથી વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. ખેડાના ડાકોર, સેવાલીયા અને ઠાસરામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વાવણીની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
જૂનમાં 70% વરસાદની ખાધ સહન કર્યા પછી, મધ્ય ભારતના રાજ્યો આ અઠવાડિયે દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆત કરવા માટે તૈયાર છે. ચોમાસાની ઉત્તરીય મર્યાદા (NLM) હાલમાં રત્નાગીરી (મહારાષ્ટ્ર), બીજાપુર (કર્ણાટક), નિઝામાબાદ (તેલંગાણા), દુર્ગ (છત્તીસગઢ), ડાલ્ટનગંજ (ઝારખંડ), બક્સર (બિહાર) અને સિદ્ધાર્થનગર (ઉત્તર પ્રદેશ)માંથી પસાર થઈ રહી છે. મતલબ કે તે હવે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના દરવાજા ખટખટાવી રહી છે.
ગુજરાતમાં હવામાન વિભાગે આવતા ચાર દિવસનું વેધર બુલેટિન જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 27 જૂનને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ મહેસાણા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
24મી જૂને ગીર-સોમનાથ અને નવસારીમાં પણ ઝાપટા વરસી શકે છે. 25મી જૂને આણંદ, પંચમહાલ, દાહોદ,ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. જેમ-જેમ ચોમાસું નજીક આવશે તેમ-તેમ દક્ષિણ ગુજરાતનું હવામાન બદલાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.