Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાવાઝોડાની તબાહી બાદ મેઘરાજાનું તાંડવ - ગુજરાતમાં બપોર સુધીમાં 117 તાલુકામાં વરસાદ, જામખંભાળિયામાં સૌથી વધુ સાડા સાત ઈચ વરસાદ

cyclone landfall
, શુક્રવાર, 16 જૂન 2023 (15:37 IST)
અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયું છે. જેને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા છે. જ્યા ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં આજે બપોર સુધીમાં 117 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી નડાબેટ રણમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. તેમજ વાવ તાલુકામાં ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં.
webdunia

સાંતલપુરમાં તો જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર પાણી ભરાયાં હતાં. જેથી લોકો પરેશાન થયા હતા. આ ઉપરાંત રાજકોટ અને જામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.વાવાઝોડાના કારણે અનરાધાર વરસાદની સવારી યથાવત્ છે. ગુજરાતમાં સવારથી બપોર સુધીમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દ્વારકાના જામખંભાળિયામાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જામનગર શહેરમાં સવારે પણ ભારે વરસાદના કારણે 5થી 6 ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના અંજાર અને માંડવીમાં પણ ચાર -ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. દ્વારકામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં પણ વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજકોટના લોધીકામાં પણ ત્રણ ઇંચ વરસાદ, કચ્છના મુન્દ્રામાં ત્રણ ઇંચ જ્યારે રાજકોટ, વાંકાનેર, જામકંડોણા, અબડાસા અને નખત્રાણામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે.કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત મોરબી, જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદ પડશે, જ્યારે પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે. તો બનાસકાંઠામાં આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે કચ્છ, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ પડશે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા વીજપોલમાં ભારે નુકસાન થયું છે. જેને પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો. પાલનપુર પંથકમાં આવેલાં 25 જેટલાં ગામોમાં લાઈટો ડુલ થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 1152 સગર્ભા મહિલાઓનું સ્થળાંતર, 707ની સફળ પ્રસૂતિ કરાવી