મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઇને શિવસેના અને ભારતીય જનતા પાર્ટીમાં ખેંચતાણ વધી ગઇ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે રાજ્યમાં સરકાર બનાવવા અને સીએમ પદને લઇને શિવસેના સામે મોટુ નિવેદન આપ્યુ છે. આજે મહારાષ્ટ્રમાં ભારપૂર્વક તેમણે કહ્યું, 'મારા મનમાં કોઈ શંકા નથી કે હું પાંચ વર્ષ મુખ્યમંત્રી રહીશ,'
તેમણે કહ્યું હતું કે, શિવસેના સાથે ક્યારેય અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીને લઈને વાત થઈ જ નથી. જેથી આગામી 5 વર્ષ માટે હું જ રાજ્યનો મુખ્યમંત્રી બનીશ. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, અમારી પાસે 10 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે, ટૂંક સમયમાં જ આ સંખ્યા 15 સુધી પહોંચી જશે.
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, ભાજપ અને શિવસેના વચ્ચે 50:50નો ફોર્મ્યુલા નક્કી થયો હતો. સાથે જ તેમને ભાજપને આડકતરી ધમકી આપતા કહ્યું હતું કે, રાજકારણમાં ગમે તે શક્ય છે. રાજનીતિમાં કોઈ સંત નથી હોતું. ભાજપ શિવસેનાને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે વિકલ્પ શોધવા માટે મજબુર ના કરે.