પાટીદાર યુવાનોએ ભાજપની સભામાં સ્ટેજ પર જઈને માઈક છીનવી લેતાં વિવાદ
, ગુરુવાર, 18 એપ્રિલ 2019 (12:15 IST)
ગુજરાતમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદારોમાં ભાજપ પ્રત્યે વધુ રોષ પ્રવર્તી રહ્યો છે. હાલમાં કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યાં છે ત્યારે ભાજપને આવા કડવા અનુભવોથી અનેક ચિંતાઓનો સામનો કરવો પડ્યો છે. નેતાઓ તથા પાર્ટીના ઉમેદવારો પોત-પોતાના વિસ્તારમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે. જો કે ગુજરાતના બનાસકાંઠામાં ભાજપના એક સભા દરમિયાન પાટીદાર યુવાનોએ હોબાળો મચાવતા અફરાતફરી સર્જાઇ હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે બનાસકાંઠાના મડાણામાં ભાજપે એક ચૂંટણી સભાનું આયોજન કર્યું હતું.
આ દરમિયાન ગઢ ગામે ચાલી રહેલી સભામાં પાટીદાર યુવાનો એકાએક સ્ટેજ પર ધસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. હોબાળો મચાવી પાટીદાર યુવાનોએ ભાજપના નેતાઓ પાસેથી માઇક છીનવી લીધા હતા. હોબાળા દરમિયાન પાટીદાર યુવાનોએ કહ્યું કે પાટીદારો પર કોર્ટ કેસ અને મૃત્યુ પામેલા યુવાનોને હજુ ન્યાય મળ્યો નથી.બનાસકાંઠાના મડાણામાં યોજાયેલી આ સભામાં ભાજપના પ્રભારી દુષ્યંત પંડ્યા અને મહામંત્રી અમૃત દવે પણ હાજર હતા.
જો કે આ રોષ પાછળ કહેવામાં આવી રહ્યું છે કે આ સભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન જડફિયા આવવાના હતા જો કે કોઇ કારણસર તેઓ આવી શક્યા ન હતા, તેમની જગ્યાએ દુષ્યંત પંડ્યા આવતા હોબાળો મચ્યો હતો. સભામાં હોબાળા બાદ સભાને રદ્દ કરવાની ફરજ પડી હતી. તો સમગ્ર ઘટના અંગે નેતાઓએ મોવડી મંડળને જાણ કરી હતી.
આગળનો લેખ